કિશોર ગોર દ્વારા : ભુજ, તા.
2 : કચ્છ ઉપર જામેલી વરસાદી વાદળોની જમાવટ ઓછી
થઇ ગઇ છે, પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવાના
હેતુથી જાહેર કરેલી મેડિકલ ઇમર્જન્સી તા. 4 ઓગસ્ટ સુધી અમલી રહેશે. પરિપત્રમાં સરકારી દવાખાનાના તબીબો અને મેડિકલ
સ્ટાફને હેડ કર્વાટર ન છોડવાના આદેશ કરાયા છે. જો કે, કોઇ આપત્તિજનક ઘટના હજુ સર્જાઇ નથી. તંત્ર દ્વારા વીડિયો કોન્ફરન્સથી
પરિસ્થિતિની ગઇકાલે સમીક્ષા કરાઇ હતી. કચ્છમાં મેલેરિયા અટકાવ માટે 2600 જેટલી ટીમ બનાવાઈ છે, જે ઘરોઘર જઈને સર્વેની કામગીરી કરશે. આરોગ્ય વિભાગ દ્વારા વધારે વરસાદ
થાય તો પ્રસૂતા માતાને હોસ્પિટલમાં મોકલવા એમ્બ્યુલન્સ તૈયાર રખાઇ છે. કેટલાકની સાત
દિવસમાં પ્રસૂતિ થવાની સંભાવના છે તેમનું બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા લિસ્ટ
તૈયાર કરાયું છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારસિંઘે વધુ વિગતો આપતાં
જણાવ્યું કે, વરસાદી માહોલ રોકાયા બાદ ડેન્ગ્યૂ અને મેલેરિયાનો
ફેલાવો થતાં અટકાવવા ખાનગી હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓને એક્શન ટેકન રિપોર્ટ તૈયાર
કરવા સૂચના અપાઇ છે. અગાઉ 2024માં
ભારે વરસાદનાં કારણે અબડાસા તેમજ માંડવી તાલુકાના એકાદ-બે ગામના માર્ગ વાહનવ્યવહાર
રુંધાતાં વિખૂટા પડી ગયા હતા. ત્યાંના આશા બહેનોને ઓઆરએસ અને દવાઓ અગાઉથી આપી દેવાઇ
છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સીએચસીમાં તબીબોની સંખ્યા વિશે પૂછતાં ડો. સિંઘે
જણાવ્યું કે, તાજેતરમાં એમબીબીએસ બોન્ડેડવાળા તબીબોની
ભરતી કરાતાં પ્રા.આ. કેન્દ્રો ખાતે એમબીબીએસ અથવા આયુષ તબીબો છે. મેલેરિયા-ડેનગ્યૂને
ઊગતા ડામવા માટે દવા છંટકાવની કામગીરી હાલ વરસાદનાં કારણે રોકાઈ છે. હવામાન અને જમીન
સુકાયા બાદ ફરી શરૂ કરી દેવાશે. ગ્રામ પંચાયતો પાસે ટીસીએલ પાઉડરનો પૂરતો જથ્થો છે, જેથી એન્ટિ લારવલ કામગીરી શરૂ કરવા માલાથોન દવાનો છંટકાવ અને પાણી ભરેલા
તમામ ખાડા -ખાબોચિયામાં પોરાનાશક માટે બળેલું ઓઈલ નાખવાની કામગીરી શરૂ કરાશે. વરસાદનાં
કારણે પીવાનું પાણી ગંદું થવાની સંભાવનાને જોતાં ક્લોરિનેશન કરીને પાણી પૂરું પાડવા
તમામ પાણીના સ્રોતમાં કામગીરી કરવા પાણી પુરવઠા તંત્ર અને ગ્રામ પંચાયતોને સૂચના અપાઈ
છે. લોકોને પાણીના શુદ્ધિકરણ બાબતે જાગૃત કરવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક ગામમાં
20 લિટર પાણીમાં એક ટેબ્લેટ નાખી અડધો કલાક
ઢાંકી રાખીને પીવાના ઉપયોગમાં લેવા માટે નિદર્શન કરાયું હતું. - સરકારી ભવનોમાં એન્ટિ લારવલ ચાલુ : સરકારી કચેરીઓ, શાળાઓ, આંગણવાડીઓ, હોસ્પિટલોમાં વરસાદી પાણીનો ભરાવો થાય ત્યાં એન્ટિ લારવલ કામગીરી ચાલુ
છે. આરોગ્ય કર્મચારીઓ પોરાનાશક કામગીરી કરે તે દિવસની નોંધ રાખવાની હોય છે. તેની જિલ્લા
આરોગ્ય વિભાગ દ્વારા મુલાકાત દરમ્યાન ચકાસણી કરાય છે. - શહેરી વિસ્તારો માટે 25 ટીમ સ્પેશિયલ કિસ્સામાં મંજૂર : ગાંધીધામ મહાનગરપાલિકા સહિતના તમામ શહેરી વિસ્તારોમાં મચ્છરોના પોરાનાશક
કામગીરી માટે પાંચ જણની એક એવી 25 વેક્ટર
કન્ટ્રોલ ટીમ સ્પેશિયલ કિસ્સામાં મંજૂર કરાઈ છે. - જી.કે.માં દાખલ બાળકના ચાંદીપુરા શંકાસ્પદ
તરીકે સેમ્પલ લેવાયા : ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલમાં અંજાર તાલુકાના વરસામેડી ગામના દાખલ કરાયેલાં બાળકની તબિયત
ગઈકાલે નાજૂક થઈ ગઈ હતી. બ્લડપ્રેશર ઓછું થઈ ગયું હતું. માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટે
તેના ચાંદીપુરા શંકાસ્પદ તરીકે સેમ્પલ લીધા હતા. તે ગાંધીનગર સ્થિત જીબીઆરસીમાં તપાસાર્થે
મોકલ્યા છે, તેનો રિપોર્ટ એકાદ-બે દિવસમાં આવશે તેવું
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું
હતું. વર્ષ 2024માં કચ્છમાં અંજાર, ગાંધીધામ, મુંદરા, ભુજ
અને નખત્રાણા તાલુકાના દેવપર ગામે ચાંદીપુરના કેસ નીકળ્યા હતા. અત્યારે શંકાસ્પદ તાલુકાની
કચેરીઓને ગ્રામ્ય કક્ષાએ છંટકાવ માટે માલાથોનનો
જથ્થો મોકલાવાયો છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસ નીકળતાં કચ્છમાં ઈમર્જન્સીમાં આગોતરી
તૈયારીરૂપે 25 કિલોની એક એવી 50 બોરી માલાથોનનો જથ્થો ખરીદાયો છે. તેમાંથી
25 બોરી રિઝર્વ રખાઈ છે.