ભુજ, તા. 15 : કમિશનર અને અગ્રસચિવ, કુટિર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર તેમજ ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ (ઈન્ડેક્સ-સી-ગાંધીનગર)ના
સંયુક્ત ઉપક્રમે `વોકલ ફોર
લોકલ' અને `હર ઘર સ્વદેશી'ના ઉમદા સંકલ્પ સાથે ભુજહાટ ખાતે `મોન્સૂન હસ્તકલા હાટ' પ્રદર્શન-સહ-વેચાણ મેળાનો પ્રારંભ કરાયો હતો. રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરના
નામાંકિત કારીગરો દ્વારા હસ્તકલાનું પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શન મેળાનું ઉદ્ઘાટન
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ ભારતીબા સોઢાના હસ્તે રિબિન કાપીને
કરાયું હતું. મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા તેમજ જિલ્લા
ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડેક્સ-સી-ગાંધીનગર કાર્યવાહક નિયામક ડો. સંજયભાઈ જોષી (આઈએએસ),
મેનેજર (વર્ગ-1) રીકેન શાહ, હાટ શાખાના
આસિ. મેનેજર કમલેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભુજહાટના ઈન્ચાર્જ નજીર રાયમા દ્વારા વ્યવસ્થા
સંભાળવામાં આવી હતી. નયનાબેન ગોસ્વામી, વંદનાબેન ભાવસાર તેમજ
રેશમાબેન કુરેશી દ્વારા સહયોગ મળ્યો હતો. જેમલભાઈ
મારવાડા, પ્રબોધ મનહર તેમજ રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા. આ મેળામાં
દેશભરમાં નામના મેળવનારા રાષ્ટ્રીય અને રાજ્ય એવોર્ડ વિજેતા, 25થી વધુ નામાંકિત
કસબી કલા-કૃતિઓનું પ્રદર્શન અને સીધું વેચાણ કરી રહ્યા છે. હાથસાળ, પારંપરિક ભરતકામ, મોતીકામ,
ચર્મકામ, માટીકામ, આકર્ષક
જ્વેલરી, વાંસકામ અને ગૃહ સુશોભનની અસંખ્ય ચીજવસ્તુઓ પ્રદર્શનમાં
મૂકવામાં આવી છે. ભુજ તેમજ સમગ્ર કચ્છની કલારસિક
જનતાને તા. 14 જુલાઈથી 27 જુલાઈ સુધી બપોરે 1થી રાત્રે 8 વાગ્યા સુધી ભુજહાટ, રિલાયન્સ મોલ સામે, મુંદરા
રોડ ખાતે મેળાની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.