• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ઉપરવાળાને પોકાર : આષાઢી બીજ કોરી ન જાય

ફકીર મામદ ચાકી દ્વારા : કોટડા (ચ). તા. 15 : અષાઢ મહિનાની શરૂઆતથી જ ખેડૂતોને સારા વરસાદની આશા હતી, પરંતુ હજુ સુધી ન વરસતાં ખેતરોમાં ઊભેલા પાકના વિકાસની તેમની ચિંતા વધી ગઇ છે. ભુજ, મુંદરા અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ષે કપાસ, મગફળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. આ પાકો માટે ચોમાસાંનો વરસાદ જરૂરી હોવાથી ખેડૂતોની સતત નજર આકાશ તરફ મંડાયેલી છે. કચ્છમિત્રની ટીમે આ તાલુકાનાં ગામડાંઓની મુલાકાત દરમ્યાન ખેડૂતોએ વેદના જણાવી હતી. ભુજના કોટડા (ચ.), સણોસરા, રેહા, થરાવડા, જાંબુડી, મુંદરાના વાંકી પત્રી, કુંદરોડી, કણજરા, અંજારના ચંદિયા, મથડા, ખેડોઇ સહિતનાં અનેક ગામોમાં હજારો એકર વિસ્તારમાં પથરાયેલાં વાવેતરમાં બોર અને કૂવાનાં પાણીથી પિયત આપી પાક બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શરૂમાં પડેલા સામાન્ય વરસાદથી આશાનું વાતાવરણ સર્જાયું છે, પરંતુ પાછળથી ફરી વરસાદ ખેંચાઇ જતાં ખેતરોમાં ભેજ ઘટી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી  વરસાદના બદલે ગરમ પવન અને ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે. જો આગામી દિવસોમાં વર્ષારાણીએ પધરામણી ન કરી, તો ખેડૂતોને ફરીથી વાવેતરનું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. આ વિસ્તારના માલધારીઓ પણ જગતના તાતની જેમ અત્યંત ચિંતામાં છે. ગૌચરનું ઘાસ, પીવાનાં પાણીની સમસ્યાથી અકળાઇ રહેલા માલને જોઇને પાલકો ગ્રથિત થઇ ગયા છે. પૂર્વ જિ.પં. સભ્ય નારાણભાઇ પી. મહેશ્વરી, કોટડા (આ)ના સરપંચ મનસુખભાઇ માકાણી, રેહાના ગેલુભા જાડેજા, પદ્ધરના રમેશ ખેતા આહીર, કણજરાના બિપિનભાઇ ગોહિલ, શાંતિભાઇ આહીર, વડઝરના નીલેશભાઇ મહેશ્વરી, થરાવડા સરપંચ કૃપાબેન હરેશભાઇએ જણાવ્યું હતું કે, `આષાઢી બીજે મેઘમહેર થાય, તો ચોમાસું પાકને નવજીવન મળશે નહીંતર ખેડૂબંધુઓની મહેનત પર પાણી ફરી વળશે. સમગ્ર પંથકમાં પ્રાર્થના સંભળાઇ રહી છે, `હે ઉપરવાળા આષાઢી બીજ કોરી ન જાય, મેઘરાજા મહેરબાન બની કચ્છની ધરતી પર અમૃત સમાન વરસાદ વરસાવજો.

Panchang

dd