નવી દિલ્હી, તા. 15 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયોને
મંજૂરી આપવામાં આવી છે, જેમાં રૂા. 1.27 લાખ કરોડની સેમિકોન 2.0 યોજના, નવા યુરિયા
પ્લાન્ટ માટે રોકાણ નીતિ, મોબાઇલ ઉત્પાદન માટે 62,500 કરોડની પીએલઆઇ 2.0 અને સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનાં પગલાંનો સમાવેશ
થાય છે. સરકારનો ઉદ્દેશ્ય ભારતને સેમિકન્ડક્ટર અને મોબાઇલ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર
બનાવવાનો, રોકાણ વધારવાનો, સપ્લાય
ચેઇનને મજબૂત બનાવવાનો અને યુવાનો માટે મોટા પાયે રોજગારીની તકો ઊભી કરવાનો છે. કેબિનેટ
નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયોને મંજૂરી
આપવામાં આવી છે. કેબિનેટની મંજૂરીઓમાં 14,447.64 કરોડના ખર્ચે વારાણસીમાં ગંગા-વરુણા
એલિવેટેડ કોરિડોર, સેમિકોન 2.0 પ્રોજેક્ટ અને અન્ય ઘણી મહત્ત્વપૂર્ણ
પરિયોજનાનો સમાવેશ થાય છે. સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે રૂા. 1.27 લાખ કરોડના સેમિકોન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપવાનો માનવામાં આવે છે.સેમિકોન 2.0 પ્રોજેક્ટ પર આશરે રૂા.
1.27 લાખ કરોડ ખર્ચવામાં આવશે. સરકારનો
ઉદ્દેશ્ય ભારતને વિશ્વમાં અગ્રણી સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઉત્પાદન હબ તરીકે વિકસાવવાનો
છે. આ ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ,
ટેલિકોમ, સંરક્ષણ, એરોસ્પેસ
અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) જેવાં ક્ષેત્રોને મજબૂત બનાવશે. સરકાર નવી પેઢીની ચિપ ડિઝાઇન ટેક્નોલોજીના વિકાસ
પર ભાર મૂકશે. દેશમાં 105 સ્ટાર્ટઅપ્સ
અને એમએસએમઇ પહેલેથી જ ચિપ ડિઝાઇન પર કામ કરી રહ્યા છે. નવી યોજના હેઠળ તેમને સુધારેલી
ટેક્નોલોજી, ડિઝાઇન સાધનો અને સંશોધન
સાથે સહયોગ મળશે. વધુમાં ભારત અને વિદેશની સંશોધન સંસ્થાઓ સાથે સહયોગમાં વધુ અદ્યતન
ચિપ ટેક્નોલોજી વિકસાવવા માટે કાર્ય કરવામાં આવશે. સરકારે 2031 સુધીમાં નવા યુરિયા પ્લાન્ટ્સની સ્થાપનાને પ્રોત્સાહન આપવા માટે
નવી રોકાણનીતિને મંજૂરી આપી છે. યુરિયા સબસિડી યોજનાના વિસ્તરણ અને હાલના યુરિયા પ્લાન્ટ્સ
માટે નવા ઊર્જા ધોરણોને પણ મંજૂરી આપી છે. કેટલાક નેપ્થા આધારિત યુરિયા પ્લાન્ટ્સને
ગેસ આધારિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ઉત્પાદન વધુ ઊર્જા-કાર્યક્ષમ અને ખર્ચ
અસરકારક બનશે. વધુમાં કેબિનેટે મોબાઇલ ફોન
ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પીએલઆઇ 2.0 યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનું કુલ્ બજેટ રૂા. 62,500 કરોડ રહેશે અને તે નાણાકીય
વર્ષ 2026-27થી 2030-31 સુધી એટલે કે આગામી પાંચ વર્ષ
માટે લાગુ કરવામાં આવશે. આ યોજનાનો હેતુ ભારતને ગ્લોબલ મોબાઇલ નિર્માણ કેન્દ્રનાં રૂપમાં
વધુ મજબૂત બનાવવાનો, નવા રોકાણો
આકર્ષવા અને રોજગારની તકો વધારવાનો છે. યોજના હેઠળ દેશમાં સિલિકોન ફેબ્સ, કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્સ, ડિસ્પ્લે ફેબ્સ,
એટીએમપી અને ઓએસએટી યુનિટ્સની સ્થાપનાને પ્રોત્સાહન આપવામાં આવશે. ચિપ
ઉત્પાદનમાં વપરાતી મશીનરી, કેમિકલ, ગેસ
અને અન્ય આવશ્યક સામગ્રીના ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. સરકારને
આશા છે કે, દેશનો પહેલો સેમિકન્ડક્ટર ફેબ.-2028 સુધીમાં કાર્યરત થઈ શકે છે.
કેન્દ્ર સરકાર સેમિકન્ડકટર ઉદ્યોગ માટે કુશળ માનવ સંશાધન વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત
કરી રહી છે. આજ સુધીમાં 315 યુનિવર્સિટીમાં
આશરે 68,000 વિદ્યાર્થીને ચિપ ડિઝાઇનમાં
તાલીમ આપવામાં આવી છે, હવે તાલીમનો
વિસ્તાર કરીને ફેબ્સ, ક્લીન રૂમ અને ચિપ ઉત્પાદન સંબંધિત અન્ય
ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવશે. આનાથી યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થવાની અપેક્ષા
છે.