• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ભચાઉમાં ખાખીનો ખોફ ઓગળ્યો ? દિવસે કાયદો સલામત : રાત્રે તસ્કરરાજ !

ગાંધીધામ, તા. 15 : જ્યારે સામાન્ય નાગરિક રાત્રે શાંતિથી ઊંઘી શકે તે માટે પોલીસ પેટ્રોલિંગના દાવા કરાય છે ત્યારે ભચાઉમાં બનેલા બનાવે પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓની હવા કાઢી નાખી છે. નગરપાલિકા કોમ્પ્લેક્સ જેવા ધમધમતા વિસ્તારમાં તસ્કરોએ ખાખીના ડર વગર એકસાથે પાંચેક દુકાનોને નિશાન બનાવી તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં રહેતા અને નગરપાલિકા કોમ્પ્લેક્સ-3 શાકમાર્કેટ ખાતે મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર રૂપા હીરા ઢીલાની દુકાનને નિશાચરોએ નિશાન બનાવી હતી. ગત તા. 12/7ના આખું ગામ શાંતિની  નિંદરમાં હતું, ત્યારે બે અજાણ્યા શખ્સોએ ખુલ્લેઆમ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ભારે ચાલાકી વાપરીને દુકાનના શટરનાં તાળાં તોડવાને બદલે શટરને વચ્ચેના ભાગેથી ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. બીજા દિવસે સવારે પાડોશી શાકભાજીના વેપારી દેવજીભાઇએ ફરિયાદીને ફોન કરી તમારી દુકાનનું શટર વચ્ચે ઊંચું કરાયેલું હોવાની જાણ કરતાં ફરિયાદી યુવાન તાબડતોબ ત્યાં દોડી આવ્યો હતો. ફરિયાદી ત્યાં આવીને જોતાં તસ્કરોએ રૂપિયા રાખવાની ટેબલને તોડી તેમાંથી રોકડ રૂા. 33,000 ઉપાડી ગયા હોવાનું બહાર આવ્યું હતું. ચોરીનો આ બનાવ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં બે શખ્સો કોઇપણ જાતના ડર વગર ચોરી કરતા જણાય છે. આ ફરિયાદી સાથે આસપાસમાં આવેલી અન્ય પાંચેક દુકાનોમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીના આ બનાવ અંગે પોલીસે આજે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd