ભારતીય
લોકશાહીમાં ગુનેગારોની બોલબાલાની સમસ્યા લાંબા સમયથી ચિંતા જગાવી રહી છે. ખાસ તો
રાજનેતાઓને તેમના ચૂંટાયેલા દરજ્જાના જોરે ગુનાની સજા સામે મળતાં રક્ષણને રોકવા
અંગે ચર્ચા વધી રહી છે. આવામાં સરકાર હવે વડાપ્રધાન, મુખ્યમંત્રી
કે અન્ય મંત્રીઓને પાંચ વર્ષથી વધુની સજાના ગંભીર ગુનામાં સતત 30 દિવસ
સુધી જેલમાં રહેવું પડે એવા સંજોગોમાં તેમને હોદ્દા પરથી દૂર કરવાની કાયદાકીય
જોગવાઈ કરવા વિચારી રહી છે. આ સંદર્ભમાં સરકાર સંસદના આગામી સત્રમાં બંધારણમાં 130મા
સુધારા માટેનો ખરડો લાવી શકે તેમ છે. જો આ ખરડાને સંયુક્ત સંસદીય સમિતિ બહાલી આપે
તો તે ચોમાસુ સત્રમાં જ ચર્ચા માટે આવે તેમ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા ઓગસ્ટ મહિનામાં આ ખરડો રજૂ કર્યો હતો,
પણ વિરોધપક્ષોના સંખ્યાબંધ વાંધાને લીધે તેને આખરી ઓપ આપવા સંયુક્ત
સંસદીય સમિતિની રચના કરાઈ હતી. કોંગ્રેસ સહિતના મોટાભાગના વિરોધપક્ષોએ તેમની
ચિંતાઓને ધ્યાન પર લેવાશે નહીં એવી આશંકા વ્યક્ત કરીને આ સમિતિનો બહિષ્કાર કર્યો
હતો. રાજકારણમાં ગુનેગારોના વધતા પ્રભાવને નાથવા માટે હાલની કાયદાકીય જોગવાઈઓ નબળી
જણાય છે. હાલે જે જોગવાઈઓ છે તેમાં ગૂંચવણ અને છટકબારીનો લાભ લઈને ગંભીર આરોપોનો
સામનો કરતા ગુનેગારો સંસદ કે વિધાનસભામાં ચૂંટણી લડીને જીતી જતા હોય છે. ઉલ્લેખનીય
છે કે, છેલ્લાં કેટલાંક વર્ષથી આવા દાગી સાંસદો કે
ધારાસભ્યોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી હોવાના અહેવાલ સામે આવતા રહે છે,
પણ તેને રોકવા માટે કોઈ નક્કર વ્યવસ્થા તરફ ભાગ્યે જ ધ્યાન અપાયું
છે. તમામ રાજકીય પક્ષો દેખાવ ખાતર આવા
દાગીઓને રોકવા માટે ચિંતા વ્યક્ત કરતા રહે છે, પણ તેમને
ટિકિટ આપવાની વેળાએ જીતની લાલચમાં આ ચિંતાને વિસરી જતા હોય છે. વળી આ મામલે સ્પષ્ટ
કાયદાકીય જોગવાઈઓના અભાવમાં ચૂંટણીપંચના હાથ બંધાયેલા રહે છે. સાર્વજનિક જીવનમાં
નૈતિકતાની હિમાયત કરતા વિરોધપક્ષો આ મામલે એવી દલીલ અને આગ્રહ કરી રહ્યા છે કે,
જ્યાં સુધી આરોપ સાબિત ન થયા ત્યાં સુધી કોઈને ગુનેગાર ઠેરવી શકાય
નહીં. માત્ર કસ્ટડીમાં કેદ થાય તેના આધારે કોઈને ગેરલાયક ઠેરવવા જોઈએ નહીં એવો
હઠાગ્રહ વિરોધપક્ષોનો છે. તેઓ આશંકા
વ્યક્ત કરી રહ્યા છે કે, સત્તાધારી પક્ષ વતીથી તપાસનીશ
એજન્સીઓ રાજકીય વિરોધીઓની ધરપકડ કરાવીને તેમને ગેરલાયક ઠેરવવાનો કારસો કરવામાં આવી
શકે છે. કેન્દ્ર સરકાર હવે જો આવો ખરડો લાવવા ઉત્સુક હોય તો તેમાં તેના દુરુપયોગની
આશંકાને દૂર કરતી ખાસ વ્યવસ્થા સામેલ કરવા પર ધ્યાન અપાવું જોઈએ. વિપક્ષી નેતાઓને
આગોતરા વિશ્વાસમાં લીધા બાદ તેમાં આગળ વધવામાં આવે તો તે વધુ યોગ્ય બની રહેશે,
પણ હાલની સ્થિતિ જોતાં આ ખરડાથી વિપક્ષના દાગી નેતાઓની માથે મોટું
જોખમ ઊભું થઈ શકે છે, પણ ખરડો આવે ત્યારે કારણ વગરનો વિરોધ
કરીને પણ વિપક્ષ આ સંવેદનશીલ મુદ્દે ખુલ્લો પડી જશે એમાં શંકા જણાતી નથી.
લોકશાહીના હિતમાં આ કડક કાયદાકીય જોગવાઈ જ લોકોના વિશ્વાસને વધારી શકે તેમ છે.