નવી દિલ્હી, તા. 15 : તમિલનાડુમાં
દેશના સૌથી મોટા કુડનકુલમ અણુ પાવર પ્લાન્ટ સંબંધિત સંવેદનશીલ ડેટા લીક થતાં ચિંતા
ફેલાઈ છે. વર્લ્ડ લીક્સ તરીકે ઓળખાતા બે હેકર જૂથોએ પાવર પ્લાન્ટ વિશેની માહિતી ડાર્ક
વેબમાં પોસ્ટ કરી છે, જેમાં પ્લાન્ટના
ભાગોની બ્લૂ પ્રિન્ટ્સ, સપ્લાયરની માહિતી, માટિંગ અને નિરીક્ષણ રેકર્ડ્સ, સાધનોની સમીક્ષાઓ અને
વીમા પોલિસી સંબંધિત આશરે 19,000 મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની વિગતોનો સમાવેશ થાય છે. વર્લ્ડ લીક્સ
હેકર જૂથનો દાવો છે કે, આ દસ્તાવેજો
અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના છે,
જે પ્લાન્ટ પર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યા છે. રોઇટર્સના અહેવાલ
મુજબ, અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે અહેવાલ આપ્યો છે કે,
તેમના ડેટાનો આંશિક ભંગ થયો છે. ડેટા તૃતીય-પક્ષ ડેટા સેન્ટર સેવા પ્રદાતા
યોટ્ટાના માલિકીના સર્વર પર હોસ્ટ કરવામાં આવ્યો હતો. રિલાયન્સે આ ઘટના વિશે ભારત સરકારને
જાણ કરી છે. જો કે, કંપનીએ ડેટા ચોરીના પ્રકારનો ખુલાસો કર્યો
નથી. પરમાણુ સુરક્ષા બાબતો પર સરકારોને સલાહ આપતી અને દેશોની તૈયારીઓનું મૂલ્યાંકન
કરતી ન્યૂક્લિયર થ્રેટ ઇનિશિયેટિવના વરિષ્ઠ ડિરેક્ટર નિકોલસ રોથે જણાવ્યું હતું કે,
ડેટા લીક પ્લાન્ટની સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. આવી ઘટનાઓએ
કંપનીઓની આ જોખમોનો સામનો કરવાની ક્ષમતા પર પ્રશ્નો ઊભા કર્યા છે. રોઇટર્સે દાવો કર્યો
છે કે, તેમણે લીક થયેલા 2016થી 2025 વચ્ચેના દસ્તાવેજોની તપાસ કરી
છે, જો કે, સમાચાર એજન્સીએ
આ ફાઇલોની સત્યતાની પુષ્ટિ કરી નથી. વર્લ્ડ લીક્સ વેબસાઇટ પર ઉપલબ્ધ 858,000 રિલાયન્સ ફાઇલોમાંથી, 19,000 સૌથી
સંવેદનશીલ અને ગુપ્ત હોવાનું જણાય છે. રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને
2018માં કુડનકુલમ પ્લાન્ટના યુનિટ
ત્રણ અને ચારની ડિઝાઇન અને બાંધકામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બંને યુનિટ
હાલમાં નિર્માણાધીન છે અને 2027 સુધીમાં કાર્યરત
થવાની અપેક્ષા છે. એકવાર કાર્યરત થયા પછી, તેઓ કુલ 2,000 મેગાવોટ વીજળી
ઉત્પન્ન કરશે. - આ હેકર્સ ટાટા ગ્રુપને પણ નિશાન
બનાવી ચૂક્યા છે : આ હેકર ગ્રુપનું
મુખ્ય કામ કંપનીનો ડેટા ચોરી કરવાનું અને ખંડણી વસૂલવાનું છે. જો પૈસા ચૂકવવામાં ન
આવે, તો તે ડાર્ક વેબ પર ડેટા જાહેર કરે છે. અગાઉ,
આ ગ્રુપે નાઇકી અને ભારતના ટાટા ગ્રુપને નિશાન બનાવ્યું છે. જૂનમાં,
ગ્રુપે ટાટા ગ્રુપનો ડેટા લીક કર્યો હતો, જેમાં
એપલ અને ટેસ્લા જેવી મોટી બ્રાન્ડ્સના ગુપ્ત ઘટક ડિઝાઇનનો સમાવેશ થતો હતો. તે સમયે,
હેકર્સે રૂા. 1.5 મિલિયનની માગણી કરી હતી. જ્યારે કંપનીએ ઇન્કાર કર્યો, ત્યારે ડેટા લીક થઈ ગયો.