ભુજ, તા. 15 : કચ્છ યુનિવર્સિટી દ્વારા એલએલ.એમ., એમ.એસ.ડબલ્યુ, બી.એસસી.,
કોમ્પ્યુટર સાયન્સ, એમ.એસસી.આઇટી રેગ્યુલર,
એમ.એ. ઇતિહાસના વિવિધ અભ્યાસક્રમોને સેલ્ફ ફાયનાન્સમાંથી ગ્રાન્ટેડ કરવામાં
આવ્યા છે. જો કે આ અભ્યાસક્રમ ગ્રાન્ટેડ થવા છતાં ફીમાં ઘટાડાનો લાભ માત્ર નવા પ્રવેશ
મેળવનાર વિદ્યાર્થીઓને અપાતાં એનએસયુઆઇએ ધરણા યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. એનએસયુઆઇએ
યુનિ. ખાતે કુલસચિવની ચેમ્બર બહાર ધરણા પર બેસી સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવ્યો
હતો. એનએસયુઆઇ દ્વારા ફી ઘટાડાનો લાભ વર્તમાન બેચના તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે
આપવા, જે વિદ્યાર્થીઓએ અગાઉથી વધુ ફી ભરી દીધી છે તેમને તફાવતની
રકમ પરત કરવાની માગણી કરવામાં આવી હતી. કુલસચિવ ડો. અનિલ ગોરે બોર્ડ ઓફ મેનેજમેન્ટ
સમક્ષ આ રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી. એક સમયે કુલસચિવ રજૂઆત સાંભળ્યા વિના જતાં
ચકમક પણ ઝરી હતી. એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા.