• બુધવાર, 01 જુલાઈ, 2026

ચંગલેશ્વર તળાવના વિકાસ માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો

ભુજ, તા. 30 : શહેરની ભાગોળે આવેલ ચંગલેશ્વર તળાવની સુધારણા માટે સંબંધિત વહીવટી તંત્રો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. માનવધર્મ સેવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કે.એમ. આર્યે કરેલી રજૂઆતમાં તળાવની બાકી જમીનમાં દબાણ ન થાય તેની તકેદારી રાખવા, સંકલિત વૃક્ષારોપણ અભિયાન તળે વૃક્ષો વાવવા, તળાવની મુખ્ય વરસાદી પાણીની આવ ખુલ્લી કરવા, તળાવમાં બચેલી જમીન માનવ-પશુઓ અને સાર્વજનિક હેતુ માટે અનામત રાખવા માગણી કરાઈ છે. તળાવમાં ગાંડા બાવળના સામ્રાજ્યને દૂર કરવાની સાથે મિશન ગ્રીન ભુજ અને સદભાવના વૃદ્ધાશ્રમના સહકારથી લાંબુ આયુષ્ય હોય તેવાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભુજની આજુબાજુમાં તળાવ હતાં તેમાં અત્યારે ખૂબ ઓછા તળાવ અસ્તિત્વમાં છે. ત્યારે તળાવોના રક્ષણ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તેવી લાગણી આ પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે. 

Panchang

dd