• બુધવાર, 01 જુલાઈ, 2026

પૂરજોશથી આગળ ધપતું ભૂખી નદી નવસર્જનનું ભગીરથ કાર્ય

મુંદરા, તા. 30 : કચ્છના મુંદરા તાલુકાની પર્યાવરણીય અને જળસંચયની તસવીર બદલવા માટે `ભૂખી નદી'ના નવસર્જનનું એક ભગીરથ અને ઐતિહાસિક અભિયાન પૂરજોશમાં આગળ ધપી રહ્યું છે. `ગ્લોબલ કચ્છ - કચ્છમિત્ર'ના સંયુક્ત ઉપક્રમે અને `દીનદયાલ પોર્ટ ઓથોરિટી' (ડીપીએ)ના નાણાકીય સહયોગથી આકાર લઈ રહેલો આ પ્રોજેક્ટ માત્ર નદીનો જીર્ણોદ્ધાર નથી, પરંતુ સ્થાનિક જનસમુદાય, પશુધનની તરસ છિપાવવા અને સમગ્ર જીવસૃષ્ટિ માટે એક નૂતન તથા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી બનવા જઈ રહ્યો છે. વર્ષોથી ઉપેક્ષિત અને કાંપ તેમજ ગાંડા બાવળોની ઝાડીઓમાં ગૂંગળાઈ રહેલી ભૂખી નદીના કુદરતી વહેણને મુક્ત કરવા માટે હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. - કુદરતી પ્રવાહને પુન: સ્થાપિત કરવા ડિસિલ્ટિગનો સપાટો  : કોઈપણ નદીના પુનર્જીવન માટે તેનું તળિયું સાફ હોવું અને તેની જળ વહન ક્ષમતા મહત્તમ હોવી અનિવાર્ય છે. ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટ હેઠળ આ દિશામાં અભૂતપૂર્વ કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રોજેક્ટના કુલ લક્ષ્યાંક 14,52,834 ઘનમીટરની સામે અત્યાર સુધીમાં 2 લાખ ઘનમીટરથી પણ વધુ ડિસિલ્ટિગ એટલે કે, નદીના પેટાળમાંથી કાંપ દૂર કરવાની જટિલ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કામગીરીને કારણે નદીની કુદરતી જળ સંગ્રહ અને વહન ક્ષમતામાં ધરખમ વધારો નોંધાયો છે, જેના પરિણામે આગામી ચોમાસામાં પાણીનો સંગ્રહ વધુ સારી રીતે થઈ શકશે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. - 9 કિલોમીટર લાંબો કોરિડોર ગાંડા બાવળોની પકડમાંથી મુક્ત : નદીના કુદરતી વહેણને અવરોધતી સૌથી મોટી સમસ્યા જીવલેણ ગાંડા બાવળની અડાબીડ ઝાડીઓ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત નદીના કુદરતી વહેણને પુન: સ્થાપિત કરવા હાથ ધરાયેલી જંગલ સફાઈની કામગીરીમાં કુલ 17,19,520 ચોરસ મીટરના વિશાળ લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 6,00,000 ચોરસ મીટર જેટલો મસમોટો વિસ્તાર સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવ્યો છે. આ ભગીરથ પ્રયાસોના કારણે નદીના વિસ્તારમાંથી ગાંડા બાવળને જડમૂળથી ઉખાડી ફેંકીને 9 કિલોમીટર લાંબા નદીના કોરિડોરને સુવ્યવસ્થિત અને ખુલ્લો કરવામાં આવ્યો છે, જેથી નદીનું પાણી કોઈપણ અવરોધ વિના પોતાના મૂળ માર્ગ પર વહી શકે. - જળસંચય વધારવા ચેકડેમોનું ડીપાનિંગ કાર્ય વેગવંતું : કચ્છ જેવા અર્ધ-શુષ્ક વિસ્તારમાં વહી જતાં પાણીના ટીંપે-ટીંપાનો સંગ્રહ કરવો એ જ સાચો વિકાસ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભૂખી નદી પર આવેલા પ્રવર્તમાન ચેકડેમો અને જળસંચય માળખાની ક્ષમતામાં વધારો કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ હેતુ માટે કુલ 1,05,360 ઘનમીટરના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 30,360 ઘનમીટર જેટલું ડેમ ડીપાનિંગ (ઊંડા ઉતારવાનું કાર્ય) પૂર્ણ કરી લેવાયું છે. આ વધારાની ક્ષમતાને કારણે ચોમાસા દરમિયાન લાખો ગેલન પાણી સમુદ્રમાં વહી જતું અટકશે અને આસપાસના સીમ-ખેતરોના કૂવા અને બોર રિચાર્જ થશે, જે કૃષિ ક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થશે. - નદીકાંઠે ધબકશે 30,000 વૃક્ષો ધરાવતા `િમયાવાંકી વનો' : આ પ્રોજેક્ટ માત્ર જળ સંચય પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સંપૂર્ણ ઇકો-સિસ્ટમને પુન: જીવિત કરવાનો પર્યાવરણીય પ્રયોગ છે. નદીના કિનારાનું ધોવાણ અટકાવવા અને સ્થાનિક તાપમાનમાં ઘટાડો લાવવા માટે નદીકાંઠાના વિવિધ ગામોમાં મહત્ત્વના 10 સ્થળ પસંદ કરવામાં આવ્યા છે. આ સ્થળોએ જાપાનીઝ તકનિક એવી `િમયાવાંકી પદ્ધતિ' દ્વારા અત્યંત ગીચ જંગલોનું નિર્માણ થઈ રહ્યું છે. આ અંતર્ગત કુલ 30,000 વૃક્ષોના વાવેતર અને વૈજ્ઞાનિક ઢબે ઉછેરનું અમલીકરણ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. મિયાવાંકી પદ્ધતિને કારણે આ વૃક્ષો સામાન્ય વન કરતાં દસ ગણી ઝડપે મોટા થશે અને આગામી થોડા જ વર્ષોમાં નદી કિનારો નંદનવનમાં ફેરવાઈ જશે. - એન્જિનીયરો અને ટેકનિકલ ટીમનું 24X7 સુપરવિઝન : સમગ્ર પ્રોજેક્ટની સચોટતા જાળવવા માટે અનુભવી એન્જિનીયરો, હાઇડ્રોલોજિસ્ટ્સ, સર્વેયર્સ અને સુપરવાઈઝરોની એક ઉચ્ચ ટેકનિકલ ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમ દ્વારા આધુનિક સાધનોની મદદથી સતત દેખરેખ, ગુણવત્તા નિયંત્રણ અને રોજબરોજની માપણી કરવામાં આવી રહી છે. - લોકભાગીદારી અને સસ્ટેનેબલ મોડલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ  : આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ ભૂખી નદી આસપાસના ડઝનબંધ ગામો માટે આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બનશે. પશુપાલકો માટે ઘાસચારો અને પાણી ઉપલબ્ધ થશે તેમજ ખેડૂતો નચિંત બની પાક લઈ શકશે. ભૂખી નદીનું  આ નવસર્જન આવનારી પેઢીઓ માટે જળ-સુરક્ષાની એક અમૂલ્ય ભેટ સાબિત થશે. 

Panchang

dd