ભુજ, તા. 30 : દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો
ધરાવતા ગુજરાતમાં દરિયાઈ વિસ્તારના ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રના વિકાસને ગતિ આપવા
માટે પીએમ ગતિશક્તિ યોજના હેઠળ દેશના સૌથી મોટા 1630 કિલોમીટરના કોસ્ટલ કોરિડોરનું નિર્માણ ઉમરગામથી નારાયણ સરોવર
સુધી થવાનું છે. આ પ્રોજેકટના પ્રથમ ચરણનું કામ હાલ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યું છે.
આગામી સમયમાં કચ્છમાં કોસ્ટલ કોરિડોરનું કામ વેગ પકડે તે પ્રકારનું આયોજન ઘડાઈ રહ્યું
છે. કોસ્ટલ કોરિડોર પ્રોજેકટ અંતર્ગત કેટલાક આનુષંગિક કામોને મંજૂરી આપવાની પ્રક્રિયા
આરંભી દેવામાં આવી છે. - 2400 કરોડનો પ્રોજેક્ટ : દક્ષિણ ગુજરાતના
ઉમરગામથી કચ્છના નારયણ સરોવર સુધીના દેશના સૌથી
સૌથી મોટા 1630 કિલોમીટરના
કોસ્ટલ કોરિડોર પ્રોજેકટ માટે 2400 કરોડનો માતબર
ખર્ચ થવાનો છે. કચ્છ સહિત રાજ્યના દરિયાકાંઠાને સ્પર્શતા 1પ જિલ્લાના વિકાસને નવી દિશા આપતા પ્રોજેકટના
પ્રથમ ચરણનું કામ લગભગ પૂર્ણ થયું છે. કચ્છનું કામ અંતિમ તબક્કામાં હાથ ધરાવાનું છે.
આ માટેની વહીવટી કામગીરી આરંભી દેવામાં આવી છે. - ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરવાનો હતો લક્ષ્યાંક : વહીવટી તંત્રના સત્તાવાર વર્તુળો પાસેથી
મળેલી વિગતો અનુસાર સરકાર દ્વારા 2023ની સાલમાં પીએમ ગતિશક્તિ પ્રોજેકટ હેઠળ કોસ્ટલ કોરિડોરનાં નિર્માણને મંજૂરી અપાયા બાદ ત્રણ વર્ષમાં
કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. ત્રણ વર્ષના લક્ષ્યાંકની સમય અવધિ
હજુએ પૂર્ણ થવા પર છે ત્યારે પ્રોજેક્ટ પૂર્ણ થતાં હજુ એકાદ વર્ષ આસપાસનો સમય લાગી
શકે છે. - પોર્ટ અને પ્રવાસન સ્થળોને
થશે લાભ : કોસ્ટલ કોરિડોર પ્રોજેકટ થકી કંડલા અને
મુંદરા મહાબંદર ઉપરાંત માંડવી, જખૌ,
પિંગલેશ્વર, નારાયણ સરોવર સહિતનાં અન્ય જિલ્લાનાં 30 પ્રવાસન સ્થળો લાભાન્વિત થવાનાં
છે. આ પ્રોજેકટ અંતર્ગત 1630 કિલોમીટરમાંથી
140 કિલોમીટર માર્ગને ગ્રીન, તો બાકીના 1490 કિલોમીટરને બ્રાઉન ફિલ્ડ રોડ તરીકે વિકસાવવામાં આવનાર છે. - સંબંધિત આનુષંગિક કામોને મંજૂરી : કોસ્ટલ કોરિડોર
પ્રોજેકટ અંતર્ગત કચ્છમાં સંબંધિત આનુષંગિક કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કામો કોસ્ટલ
કોરિડોર પ્રોજેકટનો એક ભાગ છે. રાજ્ય સરકારે મુંદરા તાલુકાના છ મુખ્ય માર્ગને ચાર માર્ગીય
બનાવવા 629 કરોડના ખર્ચને મંજૂરી આપી છે.
એ જ રીતે માંડવી-અબડાસા તાલુકાના 47.2પ કિ.મી.ના કોસ્ટલ હાઈવેને મજબૂત બનાવવા માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવનાર
છે.