• બુધવાર, 01 જુલાઈ, 2026

દબાણ થવા જ ન દ્યો; `લેન્ડ ગ્રેબિંગ' કેસ કરવા કલેક્ટરનો આદેશ

ભુજ, તા. 30 : કચ્છનાં મહેસૂલી તંત્રના અધિકારી-કર્મચારીઓની બેઠકમાં નવા આવેલા કલેક્ટર અનિલ રાણાવસિયાએ કેટલાક મહત્ત્વના પ્રશ્નો અંગે કડક સૂચના આપી હતી. માત્ર અરજદારો આવે તેને સાંભળવાના નથી, તેમના પ્રશ્ન હલ કરવાના છે. આટલાં મોટાપાયે દબાણો થાય છે ને આપણે નોટિસો આપી હટાવવા પડે છે, તો જે-તે વિસ્તારના સ્થાનિક અધિકારીઓની જવાબદારી છે કે, જમીન દબાણ થાય જ નહીં અને ક્યાંય ખનિજચોરી થાય નહીં. આર.ઓ. બેઠકમાં કલેક્ટરે  શું સૂચનાઓ આપી છે. આ બાબતે બાદમાં `કચ્છમિત્ર' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અરજદારોની જમીનોને લગતા પ્રશ્નોનો ઉકેલ ઝડપથી આપવો જોઇએ. અરજદારની તરફે નિર્ણય જો લેવાનો છે અને એ સાચા છે તો શા માટે ધક્કા ખવડાવવામાં આવે છે ? એવું  બેબાક રીતે જણાવીને જવાબદારી નક્કી કરવા તમામને તાકીદ કરી હતી. ઘણા એવા પ્રકરણો છે, જેની દરખાસ્તો પેન્ડિંગ પડી હોય. `તારીખ ઉપર તારીખ' આપવા છતાં નિર્ણય ન લેવાય તો વહીવટી તંત્રની છાપ ખરડાય છે, એમ કહ્યું હતું. તેમણે તમામ મામલતદાર કક્ષાએથી ઇ-ધરાની નોંધોના આંકડા મગાવ્યા હતા અને કહ્યું કે, ઇ-ધરાને લગતી નોંધોનો સમયમર્યાદામાં નિકાલ થઇ જવો જોઇએ. બેન્કોમાં ખેડૂતો જો  બોજો ભરી નાખે અને બેન્કના એન.ઓ.સી. આપે છે, તો વિલંબ શા માટે, આવા કિસ્સા તો તુરંત નિકાલ થઇ જવા જોઇએ એવું સ્પષ્ટ જણાવ્યું હતું. અત્યારે કચ્છભરમાં જમીન દબાણ હટાવવાની કામગીરી કરવી પડે છે, પરંતુ સવાલ એ થાય છે કે, દબાણ થવા જ કેમ દેવાયાં, કોઇ અધિકારી પોતાના વિસ્તારમાં ધ્યાન કેમ નથી રાખતા અને પછી સરકારી કિંમતી જમીન ખાલી કરાવવા નોટિસો આપવી પડે અને જુદા-જુદા વિભાગોને સાથે રાખી બાંધકામ તોડવાં પડે એવું કરવા જ ન દ્યો. હવે જે-તે ગામ કે હાઇ-વે ઉપર દબાણ થતું હશે અથવા એક વખત હટાવ્યા પછી ફરીથી પેશકદમી થશે તો તેની સામે ખુદ સરકાર પક્ષે લેન્ડ ગ્રેબિંગ કરી કડક પગલાં લ્યો તેવી સૂચના આપી હતી. ફરી નોટિસો આપીને લાંબી પ્રક્રિયામાં નથી પડવું. દબાણ થવા જ ન દ્યો એ જોવાનું કામ જે-તે વિસ્તારના અધિકારીઓનું છે એવું કલેક્ટરે આજે કહ્યું હતું. તેમણે દબાણકારોને પણ તાકીદ કરી હતી કે, સરકારી જમીન ઉપર કોઇએ દબાણ કર્યું હશે તો હવે લેન્ડ ગ્રેબિંગ સિવાય કોઇ વિકલ્પ નથી. અમે કડક હાથે કામ કરીશું, કોઇને છોડવામાં નહીં આવે. વિશેષમાં જે-તે વિસ્તારમાં સૂચવાયેલાં કામો પર દેખરેખ રાખી  સમીક્ષા કરવાનું પણ કામ આપણું જ છે. આરોગ્યને લગતા, આંગણવાડીના મધ્યાહ્ન ભોજન, પુરવઠા, સ્ટેમ્પ ડયૂટી, ખાણ- ખનિજ વગેરે બાબતે સંકલન કરી પ્રશ્નો હલ કરવા તાકીદ કરી હતી. કચ્છમાં અનેક સ્થળે ગેરકાયદે ખનન કામ થાય છે, માત્ર ખાણ- ખનિજ વિભાગનું આ કામ નથી, દરેક મામલતદાર, પ્રાંત અધિકારીઓ પણ રસ લે અને ખોટી રીતે થતું ખાણકામ રોકી પગલાં ભરે તેવું જણાવ્યું હતું. વરસાદની મોસમ આવે છે, ક્યાંક ડિઝાસ્ટરને લગતાં કામો હોય તેના પર ધ્યાન રાખી પગલાં લેવા પણ જણાવ્યું છે. જાવા દ્યો ચાલશેની માનસિકતા હું નહીં ચલાવું. પરિણામ જોઇશે તેવું શ્રી રાણાવસિયાએ કહ્યું હતું. બેઠકમાં તમામ પ્રાંત, મામલતદાર, નાયબ મામલતદાર, મુખ્ય અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા અને કલેક્ટરનાં કડક વલણને પગલે બેઠક પૂરી થતાં રીતસર સોપો પડી ગયો હતો. બીજી બાજુ ખુદ કલેક્ટરે આ વિષય પર સોશિયલ મીડિયામાં પણ જઇને અરજદારોના પ્રશ્નો અંગે યોગ્ય ખાતરી આપી હતી. 

Panchang

dd