• બુધવાર, 01 જુલાઈ, 2026

મુંદરા તાલુકાનાં ખેતરોમાંથી વીજ ટ્રાન્સમિશન લાઈનો મુદ્દે ચક્કાજામ

મુંદરા, તા. 30 : તાલુકાના ખેતરોમાંથી વિના મંજૂરીએ વીજ ટ્રાન્સમિશન લાઈનો નાખવાના આરોપ અને એનાથી ખેડૂતોને સમસ્યાઓના મુદ્દે આજે સાંજે ટી પોઇન્ટ નજીક ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરાયો હતો. જો કે, મૌખિક ખાતરી પછી અને લેખિત ખાતરીના આશ્વાસન બાદ કલાક પછી અહીં સર્જાયેલી લાંબી લાઈનોનો વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. આજે સાંજે ખેડૂતો અને કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો રંગોલી ગેટ અને ટી પોઇન્ટ વચ્ચેના વિસ્તારમાં રસ્તા પર બેસી ગયા હતા અને વાહનો રોક્યા હતા. જેને પગલે થોડીવારમાં જ ટ્રકોની લાંબી કતાર લાગી ગઈ હતી. પોલીસ પણ સ્થળ પર ધસી આવી હતી અને સ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કંપનીના અધિકારીઓ દ્વારા મૌખિક આશ્વાસન અને લેખિત ખાતરીની તૈયારી બાદ ભારે ગીચ વાહન વ્યવહારવાળા આ માર્ગ પરનો ટ્રાફિક પૂર્વવત થયો હતો. આ દરમિયાન સ્થળ પર પત્રકારો સાથે વાત કરતાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમ સાંખરાએ જણાવ્યું હતું કે, અગાઉ આ ખેડૂતોના પ્રશ્ને અમે ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. જે પ્રશ્નોનો નિકાલ નથી આવ્યો. 765 કેવીની બે વીજ લાઈનો આવી રહી છે. ખેડૂતો સાથે રહીને અંતે આ ચક્કાજામ કરવાની ફરજ પડી હતી. ખેડૂતોની માગણી છે કે, એમની સંમતિ વિના ખેતરમાં કોઈ વીજ લાઈન ન પડે. પેટા ટ્રાન્સમિશન કંપની દ્વારા કામ થાય છે. જો કે, અદાણી ગ્રુપના અધિકારીઓએ મૌખિક ખાતરી આપી અને આવતીકાલે લેખિત આશ્વાસન મળશે એવી ખાતરી બાદ ચક્કાજામ પૂર્ણ થયો હતો. 

Panchang

dd