• મંગળવાર, 30 જૂન, 2026

પરત આવવા માગતા બદલી પામેલા શિક્ષકો માટે ઊજળા સંજોગો

ભુજ, તા. 29 : કચ્છમાં શિક્ષકોની મોટી ઘટ વચ્ચે જિલ્લાફેર બદલી પામેલા શિક્ષકો પૈકી અનેક પરત આવવા માગતા હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા ખાસ કિસ્સામાં જિલ્લાફેર બદલીના હુકમો રદ કરવા વિચારણા ચાલતી હોવાનું આધારભુત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે, તો બીજીતરફ સાંસદે પણ શિક્ષણ નિયામકને પત્ર લખી આવા શિક્ષકોને પરત લાવવા માંગ કરી છે, ત્યારે કચ્છમાં પરત આવવા માગતા શિક્ષકો માટે ઊજળા સંજોગો સર્જાયા છે. કચ્છ જિલ્લો શિક્ષકોની મોટી ઘટ ધરાવે છે, તેમાંયે તાજેતરમાં અહીં જિલ્લાફેર થયેલી બદલીમાં ઘણા શિક્ષક ચાલ્યા જતાં મોટી ઘટ સર્જાઈ છે, ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ શિક્ષણ નિયામકને પત્ર પાઠવી આ જિલ્લાફેર બદલી પામેલા શિક્ષકો પૈકી અનેક આ જ જિલ્લામાં ફરજ બજાવવા આતુર છે, વળી આવા શિક્ષકોને અનુભવના કારણે ફરજ બજાવવામાં સરળતા રહે, તેથી આવા શિક્ષકોના જિલ્લાફેર બદલીના હુકમો રદ કરવા માંગ કરી  છે, જેની રજૂઆતના પડઘા રૂપે નિયામક દ્વારા હાલ એક શિક્ષકનો બદલીનો હુકમ રદ કર્યો છે અને કચ્છમાંથી બદલીને મોટી સંખ્યામાં ગયેલા શિક્ષકના જિલ્લાફેર બદલીના હુકમો રદ કરવાના  ઊજળા સંજોગો સર્જાયા છે. સાંસદે વધુમાં જણાવ્યું છે કે, કચ્છ જિલ્લો અંતરિયાળ વિસ્તાર ધરાવતો હોવાથી આવા વિસ્તારોમાં નોકરી કરવી કઠિન છે, તેવામાં જો નવા શિક્ષકો આવે તો તેમને અનુકૂળ થવામાં પણ સમય લાગે, બદલી પામેલા આ શિક્ષકો વર્ષોથી અહીં ફરજ બજાવતા હતા તેથી પરત આવે તો બાળકો સાથે તાદાત્મ્ય જળવાય અને ઘટ પણ પૂરી શકાય. કચ્છમાં હાલ નવ હજારથી વધુનું મહેકમ ધરાવતા પ્રાથમિક શિક્ષણમાં 1600થી વધુ શિક્ષકની ઘટ છે જેના કારણે બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે, ત્યારે જો પરત આવવા માગતા બદલી પામેલા શિક્ષકોની માંગ સંતોષાય તો કેટલાક અંશે ઘટ નિવારી શકાય અને બાળકો  શિક્ષણથી પણ વંચિત ન રહે તેવો સૂર શિક્ષણ સૂત્રોમાંથી સંભળાઈ રહ્યો છે. દરમ્યાન આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં અત્યાર સુધી 28 શિક્ષકની દરખાસ્ત ગાંધીનગર કક્ષાએ મોકલી અપાઈ છે, અને હજુ ઘણા શિક્ષક પરત આવવા માગે છે, તેમની દરખાસ્તો મોકલવામાં આવશે.

Panchang

dd