• બુધવાર, 01 જુલાઈ, 2026

ક્યો નમર આય... 1300 ટ્રક ડ્રાઈવરનો અવાજ ગુંજતો...

વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 29 : સમગ્ર કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ જેના પર નિર્ભર હતો, ડબ્બો, ચિઠ્ઠી,, વે-બ્રિજ, વધઘટનો માલ જેવા અવાજો સતત કાને અથડાતા. ખટારાની ઘરઘરાટી, આવા દે-જવા દે...! કયાંની ભરી છે... જેવા ટ્રક ચાલકોના અવાજ... બધું શાંત થઇ ગયું....! એક જ કર્મની થપાટ...! આવતીકાલથી પાનધ્રો ખાણ બંધ અને લિગ્નાઇટ ભરવા આવેલી ટ્રકોને ખાલી પાછી મોકલી... આવો કહેર કુદરતે પણ નથી આપ્યો જે સરકારે આપ્યો. ઊર્જામંત્રીની અચાનક પાનધ્રો મુલાકાત અને લિગ્નાઇટ લોડિંગ બંધ કરવાની સૂચના આજથી 18 વર્ષ પહેલાં અપાઇ....! ત્યારે ટ્રકના માલિકો, ડ્રાઇવર, કલીનર, હોટલ, લોજ સંચાલકો, નાના ધંધાર્થીઓના પેટ પર જાણે પથ્થર પડયો હોય તેવી વેદના થઇ હતી.

ક્યો નમર આય....

18 વર્ષ પહેલાંના ધમધમાટવાળી પાનધ્રો લિગ્નાઇટ ખાણની મુલાકાત લેવાઇ તો જ્યાં સુભાષપરથી આવતાં પ્રથમ જ સિકયુરિટી ગેટની દુર્દશા જોઇ વિશ્વાસ નથી આવતો કે પાનધ્રો લિગ્નાઇટ ખાણ કદીક ધમધમતી હશે. પ્રથમ ગેટ પર આવેલા સિકયુરિટી ગેટ પાસેથી ટ્રકોની લાંબી કતાર લાગતી ત્યારે છ પૈડાંવાળી ટ્રકો વધારે હતી. સિકયુરિટી પાસે એન્ટ્રી કરાવી ચિઠ્ઠી જમા કરાવી ટ્રકને કતારમાં લઇ જવાતી અને વારંવાર ડ્રાઇવરોના શબ્દો સંભળાતા નંબર આવ્યો...? કયો નંબર આય ? નંબર આવતાં જ કાચા માર્ગ પર સડસડાટ કરતી ટ્રક વે -બ્રિજ પર વજન કરાવી લિગ્નાઇટ ખાણમાં લિગ્નાઇટ ભરવા જતી અને ત્યારબાદ ભરેલી ગાડીનું વજન થતું, ચિઠ્ઠી મળતી, હાકલા- પડકારાથી પાનધ્રો ખાણના તમામ વિસ્તારો ગાજતા, દયાપરમાં આવેલ સરદાર રેસ્ટોરન્ટ ત્યારે કાચા પાલિયા-પતરાંથી ખાણ ગેટ પર ચાલતું.

હાલની પરિસ્થિતિ

હાલમાં તો સિકયુરિટી ગેટ આસપાસ ગાંડા બાવળિયાએ ટ્રકોની કતારવાળા અને ખાલી ટ્રકો પાર્કિંગ કરવાના પ્લોટ પર કબજો કરી લીધો છે. જાણે અહીં કશું હતું જ નહીં તેવું દેખાય છે. લિગ્નાઇટ ખાણ પર પ્રથમ વખત વર્ષ 2000માં ડ્રાઇવર-કલીનર માટે કેન્ટીન અને નાહવા-ધોવા -આરામ કરવાની વ્યવસ્થા ઊભી કરાઇ હતી. પરંતુ સુવિધાયુક્ત બાંધકામ પણ જર્જરિત બન્યું છે અને ગાંડા બાવળિયાથી ઘેરાયેલું છે. તેના દરવાજા, પતરાં, બારી બધું ઉપડી ગયું છે. હવે ખંડેર જેવું લાગી રહ્યું છે.

ખાણનો કોઇ વિકલ્પ નહીં

પાનધ્રઓ ખાણ બંધ થતાં વિરોધ થયો, પણ સરકાર દ્વારા માતાના મઢ ખાણ ચાલુ કરાશે. ટ્રાન્સપોર્ટરો, ટ્રકમાલિકોને આશ્વાસન આપ્યું, પણ માતાના મઢ ખાતે 400 ટ્રકોનું માંડ લોડિંગ થતાં એ દબદબો પાછો આવ્યો નહીં. વધુમાં ઉમરસર ખાણ ચાલુ કરાઇ પણ અફસોસ, આ બન્ને ખાણનો લોડિંગનો સરવાળો પાનધ્રો ખાણને આંબી શકયો નહીં. ટ્રક માલિકો સિમેન્ટ અને નમકના પરિવહન તરફ વળ્યા. જો સિમેન્ટ ઉદ્યોગ અને નમક ઉદ્યોગ ન હોત તો મોટી સંખ્યામાં ટ્રકોનું શું કરવું તેવા પ્રશ્ન સર્જાયા હોત તેવું જૂના ડ્રાઈવરોએ કહ્યું હતું.

પુનરાજપર-લખપતમાં આશા

પુનરાજપર-લખપત ખાણને પર્યાવરણીય મંજૂરી મળી ગઇ છે. ત્યારે ખાણ કામ માટે ટેન્ડર પણ બહાર પડાયાં છે અને મહાલક્ષ્મી -પી.સી. પટેલ એમ.ડી.ઓ.ને લિગ્નાઈટ ઉત્ખનનનું કામ મળ્યું છે જે ગામલોકોના વિરોધ વચ્ચે ચાલુ કરાયું છે, જ્યારે કામ ચાલુ કરાયું ત્યારે ગામલોકોએ સૂત્રોચ્ચાર કરી કામ કરતાં રોકયા હતા. વિરોધ કર્યો હતો. જો કે ખાણનું કામ ચાલુ કરી દેવાયું છે પણ લિગનાઈટ લોડિંગમાં ઘણો સમય લાગશે! પુનરાજપર- લખપત લિગ્નાઈટ ખાણના મેનેજર સુરેશકુમાર જોષીનો સંપર્ક કરતાં તેમણે લિગ્નાઈટ લાડિંગ તો હાલમાં ચાલુ નહીં થાય. જાન્યુઆરીથી ચાલુ થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. હાલમાં માટી હટાવવાનું કામ ચાલુ છે.

પાનધ્રોમાં સિમેન્ટ ઉદ્યોગ

પુનરાજપર-લખપત સિવાય પણ પાનધ્રો ખાણને એક્સટેન્શન કરવાનું કાર્ય ચાલુ છે. અત્યારે પાનધ્રો ખાણનું વિસ્તૃતીકરણ થઈ રહ્યું છે, તો જ્યારે ખાણ અચાનક બંધ કરાઈ ત્યારે કેમ જીએમડીસીને ન સુઝ્યું તે પણ પ્રશ્ન છે. પાનધ્રો અધિકારીઓ, કર્મચારીઓની નિમણૂક પણ થઈ ગઈ છે. છતાં હજુ કામ ચાલુ કરાયું નથી. અહીં લિગ્નાઈટ ખાણ ચાલુ થઈ રહી છે ત્યારે ત્રણ જેટલા સિમેન્ટ ઉદ્યોગ પણ આવશે તેવી શક્યતા છે. પુનરાજપર-લખપત વિસ્તારમાં પુષ્કળ લાઈમસ્ટોનનો જથ્થો છે અને સાવ ઉપર જ સામાન્ય ખોદકામથી સરળતાથી મળશે ત્યારે જીએમડીસી લાઈમસ્ટોનના જથ્થાને સ્ટોક કરી રાખશે તેવું પણ જાણવા મળ્યું છે. પાનધ્રો વિસ્તારનો ફરી દબદબો ઊભો થાય તો રોજગારીની આશા વધે તેમ છે.

ખાડા ન પુરાયા

પાનધ્રો લિગ્નાઈટ ખાણ પ્રોજેક્ટ બંધ કરાયાને 18 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં લિગ્નાઈટ ઉત્ખનન થયા પછી ખાડા પૂરી જમીન સમથળ નહીં કરાતાં સ્થાનિક રોષ જોવા મળે છે. જે-તે સમયે પાનધ્રો ખાણના બાબિયા હિલ વિસ્તારમાં ખાડા પાણી થી જ ભરેલા રહે છે ત્યારે તેમાં `બોટિંગ' (પ્રવાસીઓને આકર્ષવા નાની નૌકાઓ) ચાલુ કરવાની દરખાસ્ત તે સમયના જનરલ મેનેજર એ.કે. ગર્ગે વડી કચેરી અમદાવાદમાં મોકલી હતી, પરંતુ કશું થયું નહીં, હજુ પણ ખાડા ખારા પાણીથી ભરેલાં છે. જોઈએ તેટલું વૃક્ષારોપણ પણ નથી થયું. જીએમડીસીના માતાના મઢ પ્રોજેક્ટ સિવાય કોઈ પણ પ્રોજેક્ટમાં પર્યાવરણ તજજ્ઞ જ નથી. ખરેખર પર્યાવરણ તજજ્ઞ વગર ઉદ્યોગ ચાલુ પણ ન કરી શકાય છતાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ આવી ફક્ત નોટિસ આપી મન મનાવી લે છે તેવી ફરિયાદ ઊઠી હતી. પાનધ્રો ખાણના ખાડા સમથળ કરી તેના પર મોટાપાયે વૃક્ષારોપણ કરાય તો વિસ્તાર લીલોકુંજાર બની જાય અને જીએમડીસી માટે અશક્ય નથી. ખાડા પૈકી અમૂક ખાડા તો જીએમડીસીના તત્કાલીન જનરલ મેનેજર શ્રી માથુર દ્વારા પાનધ્રો વીજ મથકને `એસડાઈક' માટે આવી દેવાયા. શું જમીન આપવાનો અધિકાર જીએમડીસીના અધિકારીઓ પાસે છે ? તે પણ પ્રશ્ન છે તેવો સવાલ ઊઠયો હતો.

Panchang

dd