નખત્રાણા, તા. 26 : અખિલ ભારતીય સફાઇ મજૂર સંઘના
કચ્છ જિલ્લા અધ્યક્ષ રાજેશભાઇ વાઘેલા અને તેમની ટીમ દ્વારા નખત્રાણા નગરપાલિકાના નવનિયુક્ત
ચૂંટાયેલા પ્રતિનિધિઓના સન્માન કાર્યક્રમ બાદ સંઘ દ્વારા સફાઇ કામદારોના હક્કો, વિવિધ પ્રશ્નો બાબતે નખત્રાણા નગરપાલિકા સમક્ષ
આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી. આવેદનપત્રમાં ગ્રામ પંચાયતના સમયથી ફરજ બજાવતા સફાઇ
કામદારોને નગરપાલિકામાં નિયમિત રોજંદાર તરીકે સમાવેશ કરવા તથા ભરતી પ્રક્રિયામાં પ્રથમ
પ્રાધાન્ય આપવા રાજ્ય સરકારના લઘુતમ વેતન ધોરણો મુજબ યોગ્ય વેતન ચૂકવવા અને કર્મચારીઓને
વધારાના લાભો આપવાની રજૂઆત કરાઇ હતી કર્મચારીઓના હક્કો અને અધિકારોનું રક્ષણ થાય તેમજ
સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરાઇ હતી. નગરપાલિકા પ્રમુખ વસંતભાઇ
વાઘેલાએ પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે હરેશભાઇ
રાઠોડ, દિનેશભાઇ સોલંકી, પંકજ કબીરા,
ધીરજભાઇ રાઠોડ, મગનભાઇ મકવાણા, કુંવરજી કબીરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.