• શનિવાર, 27 જૂન, 2026

વેનેઝુએલામાં મૃત્યુઆંક 589 : ભારતે સહાય સામગ્રી મોકલી

નવી દિલ્હી, તા. 26 : વેનેઝુએલામાં ગુરૂવારે આવેલા બે મોટા ભૂકંપ બાદ ચારે તરફ તબાહીની વિગતો બહાર આવી છે. હજારો લોકો લાપતા છે જેની તલાશ સતત કરવામાં આવી રહી છે. ઘાયલ અને પરેશાન લોકો કાટમાળના ઢેરમાં પરિજનોને શોધી રહ્યા છે. જ્યારે સેંકડો લોકોએ આખી રાત પાર્કિંગ, પાર્ક અને અન્ય ખુલ્લી જગ્યાએ પસાર કરી હતી. ભૂકંપમાં અત્યાર સુધીમાં 589 જેટલા લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને આંકડો ઝડપથી વધી રહ્યો છે. રાહત દળ યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં લાગેલા છે. કાટમાળમાંથી કલાકો બાદ 82 વર્ષના એક વૃદ્ધાનો બચાવ થયો હતો. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ વેનેઝુએલા માટે સહાય સામગ્રી રવાના કરી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે બુધવારે સાંજે આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપથી ઘણા પ્રાંતમાં ભારે નુકસાન થયું છે અને ઘણી ઈમારતો તૂટી પડી છે. આ ભૂકંપ એક સદીથી વધુ સમયનો શક્તિશાળી ભૂકંપ હતો. અધિકારીઓએ કહ્યું હતું કે, ભૂકંપ બાદ દેશભરમાં હજારો લોકો લાપતા છે. કારાકસના ઉત્તરમાં આવેલા લા ગુએરાના તટીય વિસ્તારમાં જાનમાલનું સૌથી વધારે નુકસાન નોંધાયું છે. અગાઉ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે કહ્યું હતું કે ભૂકંપના કારણે ઓછામાં ઓછા 188ના મૃત્યુ થયા છે અને 1500થી વધારે લોકોને ઈજા પહોંચી છે. આ દરમિયાન વેનેઝુએલાની મદદ માટે ઘણા દેશો કવાયત કરી રહ્યા છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું હતું કે અમેરિકા બચાવ દળ, ચિકિત્સા સંસાધન અને માનવીય સહાયતા મોકલી રહ્યું છે. રોડ્રિગેઝે કહ્યું હતું કે કતરથી બચાવ દળ પહોંચી ચૂક્યું છે. મેક્સિકો અને અલ સાલ્વાડોરની ટીમ પણ પહોંચવાની હતી. ભારતે પણ દરેક સંભવ મદદ કરવાની તૈયારી બતાવી હતી.  

Panchang

dd