• શનિવાર, 27 જૂન, 2026

હવે જાંબુડી ગામનાં તળાવમાં માછલીઓનાં મૃત્યુથી ચિંતા

કોટડા (ચકાર), તા. 26 : ભુજ તાલુકાનાં જાંબુડી ગામની ઉગમણી તરફ આવેલાં છછલા તળાવમાં સેંકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. તળાવના કિનારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામેલી જોવા મળી  હતી. આસપાસના અન્ય તળાવો, ડેમોમાં પણ માછલીઓ મૃત્યુ પામેલ સ્થિતિમાં જોવા મળતાં સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે. આ અંગે માહિતી મળતાં સ્થાનિક માલધારી અલીમામદ મણકા તથા જાંબુડી ગામના ઉપસરપંચ રઘુભા જાડેજાએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી.  મૃત માછલીઓમાંથી દુર્ગંધ ફેલાતાં પશુ-પક્ષીઓના આરોગ્ય પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર છછલાં તળાવ જ નહીં, પરંતુ રામ તળાવડી, કાલિકાવારો ડેમ, ભૂખી નદી સહિત સમગ્ર વિસ્તારમાં જ્યાં પણ પાણી સચવાયેલું છે ત્યાં માછલીઓનાં મૃત્યુના બનાવો સામે આવી રહ્યા છે. આ મુદ્દે હરિઓમ મિશનના હરિલાલ ભાનુશાળી તથા કોટડા આથમણા ગામના સરપંચ મનસુખભાઈ માકાણીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સંબંધિત વિભાગોએ તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરી ઘટનાનું સાચું કારણ જાહેર કરવું જોઈએ. નિષ્ણાતોના મતે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવું, ગરમીથી પાણીનું તાપમાન વધવું, પ્રદૂષિત પાણી, શેવાળનું વધુ પ્રમાણ અથવા અન્ય પર્યાવરણીય કારણોસર મૃત્યુ થઈ શકે છે. સ્થાનિકોએ જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ તેમજ સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરી માછલીઓનાં મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર કરવા તથા ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. 

Panchang

dd