• રવિવાર, 28 જૂન, 2026

આર્દ્રા નક્ષત્રમાં શુકનવંતાં ઝાપટાં

ભુજ, તા. 26 : કચ્છમાં અસહ્ય બફારાના માહોલ વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે વાગડમાં આજે સાંજના અરસામાં પવન સાથે  મેઘરાજાએ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધમાકેદાર એન્ટ્રી  કરી હતી. સાંજના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન ફૂંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો.  થોડા સમયની બેટિંગથી શહેરના માર્ગો ઉપર પાણી જોશભેર વહી નીકળ્યાં હતાં. શહેર ઉપરાંત તાલુકાના ત્રંબૌ, વજેપર, કલ્યાણપર, ગેડી સહિતનાં ગામોમાં પણ ઉકળાટ સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જો કે, કયાંક પાદરે વરસાદ હતો, પંરતુ ગામ કોરુંધાકોર હતું. વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. નખત્રાણાના અહેવાલ અનુસાર ચોમાસાંની ઋતુનો પ્રથમ અને શુકનવંતુ `આર્દ્રા' નક્ષત્રનો ગત સોમવારે 22 જૂનના આરંભ થતાની સાથે નખત્રાણા તા.ના માકપટ્ટમાં પલટાયેલાં વાતાવરણ વચ્ચે ગુરુવારે રાત્રે મોટાભાગનાં ગામોમાં ઝરમર ઝાપટારૂપે મેઘરાજાએ છડી પોકારતાં જમીન ભીંજાઇ હતી. આર્દ્રા નક્ષત્રમાં મેઘરાજાએ ચોમાસાંમાં મહેર વરસાવવાના એંધાણ આપ્યા હતા. ભીમ અગિયારસ તથા આર્દ્રા નક્ષત્રમાં સહેજથી મેઘરાજાની હાજરીથી ચોમાસાંમાં સારો વરસાદ થશે તેવું અનુભવીઓએ જણાવ્યું હતું. નખત્રાણા તાલુકાના મોટી વિરાણી, સુખપર વાંઢ, કલરાઇ, પખડા વિસ્તારમાં રાત્રિના 12.45 વાગ્યે વરસાદી ઝાપટાં પડતાં પાણી વહ્યાં હતાં. જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારમાં ધૂપ-છાંવના માહોલ વચ્ચે ગરમી-ઉકળાટ અનુભવાયા હતા. હવામાન વિભાગે આગામી ચારેક દિવસ વરસાદ વરસે તેવી કોઇ આગાહી કરી નથી. ભુજમાં 37.4, તો અંજાર-ગાંધીધામમાં 39.8 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો 28થી 29 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ચોમાસાં ના સત્તાવાર આગમન માટે રાહ જોવ પડશે તેવો વર્તારો આપ્યો હતો. 

Panchang

dd