ભુજ, તા. 11 : લખપત તાલુકાના છેવાડાનાં ગામોમાં
પીવાનાં પાણીની અછત સર્જાતાં જનજીવન સાથે પશુધન સંકટમાં ઘેરાયું છે. સ્થાનિકો દ્વારા
પાણી પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ આણવા રજૂઆત કરાઇ હતી. પાણીની શોધમાં ભટકતાં પશુઓમાં
તાજેતરમાં એક ઘોડો ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટનાની જાણ થતાં અગ્રણી યાકુબ મુતવાએ જવાબદાર
તંત્રને તાત્કાલિક ટેન્કર પહોંચાડવા ઉપરાંત ભાવિ કાયમી વ્યવસ્થા કરી આપવા માંગ કરી
હતી. બન્ની, પચ્છમ, હાજીપીર વિસ્તાર, લુડબાય, મુરુ
તેમજ લખપતના અન્ય છેવાડાનાં ગામોમાં પુરવઠો પૂરો પાડવા આવેદનો આપવા, કચેરીઓના ધક્કા ખાવા કે રસ્તા પર ઉતરી આંદોલન કરવા સુધી ફરજ પર લાવવા સુધીના સંઘર્ષને નિવારવા ત્વરિત કાર્યવાહી
કરવા તેમણે રજૂઆત કરી હતી.