• સોમવાર, 27 એપ્રિલ, 2026

મુંદરા નગરપાલિકામાં 75.03 ટકા ઊંચી ટકાવારી

મુંદરા, તા. 26 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે અહીંની મુંદરા-બારોઈ નગરપાલિકાની બીજી વખત યોજાઇ રહેલી ચૂંટણીમાં ભારે ગરમી અને લગ્નગાળાને બાજુએ રાખીને પવિત્ર ફરજ નિભાવતાં મતદારોએ કચ્છની નગરપાલિકામાં સૌથી ઊંચું મતદાન નોંધાયું હતું ને લોકશાહી પર્વની ઉત્સાહભેર ઉજવણી સંપન્ન થઈ હતી.  પ્રચાર દરમ્યાન ખાસ કરીને સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં ગરમાગરમ આક્ષેપો થયા હતા અને એક તબક્કે આ વધુ અનિચ્છનીય સંઘર્ષનું રૂપ લેશે એવું દેખાતું હતું, પરંતુ એકતાનો ઇતિહાસ ધરાવતા આ શહેરના સાતેય વોર્ડમાં શાંતિપૂર્ણ રીતે 75.03 ટકા મતદાન પૂર્ણ થયું હતું. કોઇ ઇવીએમ બદલવાનો કે કોઇ કાયદો વ્યવસ્થાનો સાંજે એકાદ-બે બોલાચાલી સિવાય મોટો પ્રશ્ન નહોતો નોંધાયો.   મુંદરા ઉપરાંત બારોઈ અને ગોયેરસમા ગામના આ વખતે કુલ નોંધાયેલા 22171 મતદાર (11291  પુરુષ અને 10880 મહિલા)માંથી 16636 લોકોએ તેમના મતના અધિકારનો પ્રયોગ કર્યો હતો. મતદાનમાં 46.74 ટકા મહિલાઓ અને 53.25 ટકા પુરુષોએ મતદાન કર્યું હતું.   પુરુષોની ટકાવારી વધુ રહી હતી. કુલ 7 વોર્ડમાં એક સાથે 28 ભાવિ નગરસેવકની પસંદગી કરવા કુલ 60 ઉમેદવારનું ભાવિ ઈ.વી.એમ.માં સીલ થઈ ગયું છે. સૌથી વધુ મતદાન વોર્ડ નં. 3માં 80.62 ટકાજ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ નં. 7માં  65.87 ટકા થયું છે. `કચ્છમિત્ર'ની  ટીમે વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી. લોકોએ જાણે કોને મત આપવાનું નિશ્ચિત જ હોય એમ વહેલી સવારે મતદાન શરૂ થવાના સમયે સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો ઉપર પહોંચી ગયા હતા, જ્યારે 9થી 12 વચ્ચે અનેક મત મથક પર લાઈનો દેખાઈ હતી. રાજકીય પક્ષોના કાર્યકરો પણ તેમણે વોર્ડવાર સોંપાયેલી જવાબદારી પ્રમાણે કોશિશ કરતાં હતા કે, લોકો જલ્દી બહાર નીકળે, પછી ગરમી વધે એમ મતદાન ઠંડું પડવાનો ભય દેખાતો હતો. અનેક સ્થળે બૂથ પર એક વાત સામાન્ય જોવા મળી હતી કે, એસઆઇઆર મતદારયાદીથી ફેરફારમાં બૂથ બદલાઈ ગયા હતા અને મતદારો એકથી બીજે દોડતા દેખાયા હતા. જો કે, રાજકીય પક્ષના કાર્યકરોએ તેમને મૂકવા વાહન વ્યવસ્થા ગોઠવેલી પણ દેખાઈ  હતી, પણ ક્યાંક જૂના ચૂંટણીકાર્ડ હોવા છતાં નવી યાદીમાંથી નામ ઊડી જવાને કારણે મતદાનથી પણ અનેક વંચિત રહ્યા હતા.  આકરા તાપ વચ્ચે રાહત મેળવવા મુંદરા પ્રગતિ મંડળના ઉપક્રમે વોર્ડ નંબર છના વિવિધ બૂથો પર મતદારો, કાર્યકરો માટે નિ:શુલ્ક લીંબું પાણી, છાશ, ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાનના આરંભના કલાકોમાં ખાસ કરીને સીકેમ કન્યા વિદ્યાલય અને  સુખપરવાસ વિસ્તારમાં લાઈનો નજરે પડી હતી.  ખારવા ચોક, ઓસવાળ ફળિયું, હશનપીર બજાર, ભાટિયા ચોક, બારોઈ ગામ અને શિશુ મંદિરની આજુબાજુ અને હિંગળાજનગર પાસેમહેશનગર, હરિનગર, ક્રિષ્ના સોસાયટી તથા વેરાઈ કૃપાની બહારની બાજુમાં સાંજે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, કાર્યકરો તેના ટેકેદારો સાથે કાનોકાન ચર્ચામાં દિવસભર વ્યસ્ત રહ્યા હતા. આરંભથી આસાન જીતનો દાવો કરનારા કેટલાક ઉમેદવારના ચહેરા પર આજે ખરેખરા જંગના દિવસે ચિંતાની લકીર દેખાઈ હતી અને પોતાના સાથીઓને સતત દોડાવતા પણ દેખાયા હતા. કેટલાક મતદારોએ ફરિયાદ ઉઠાવી હતી કે, એકતરફ સરકાર ડિજિટલને પ્રોત્સાહન આપે છે. પણ, ડિજિલોકર એપ્લિકેશન પરનો આધાર માન્ય રખાયો નહોતો અને ફરજિયાત ઓરિજિનલ પ્રિન્ટ આઉટ હોય તો જ મતદાન કરવા દેવાયું હતું. - લોકજાગૃતિથી ઊંચું મતદાન : ઊંચાં મતદાન બાદ પ્રતિભાવમાં એસડીએમ અને ચૂંટણી અધિકારી ભગીરથાસિંહ ઝાલાએ કહ્યું હતું કે, લોકોએ પોતાના અધિકાર પ્રત્યે જાગૃતિ દર્શાવી છે. આ પહેલાં રાજ્ય ચૂંટણીપંચ મુજબ સ્ટાફ ટ્રાનિંગ, મતદારોને સરળતાના પગલાં, મતદાર જાગૃતિ અભિયાન તેમજ રાજકીય પક્ષો સંકલન સાધ્યું હતું. બૂથ પર વ્હીલચેરમેડિકલ કિટટીમ, છાંયડાંની વ્યવસ્થા અને જ્યાં જરૂર પડયે એરકૂલર સહિત ગોઠવી હતી. આ સાથે પોલીસ તંત્રે પણ કાયદો વ્યવસ્થામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 

Panchang

dd