• સોમવાર, 27 એપ્રિલ, 2026

રાપર તાલુકામાં ગત ચૂંટણીની તુલનાએ 3 ટકા ઘટાડો

રાપર, તા. 26 : ભારે ઉતાર-ચઢાવ અને રસાકસીભર્યા માહોલ વચ્ચે રાપર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 66 અને જિલ્લા પંચાયતની તાલુકામાં આવતી પાંચ બેઠકો માટે 13 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું. વર્ષ 2022ની તુલનાએ મતદાનમાં ત્રણ  ટકાનો ઘટાડો થયો હતો. ગરમી, લગ્ન સહિતનાં પરિબળો ઓછાં મતદાન પાછળ કારણભૂત હોવાની વાત ચર્ચાની એરણે ચડી છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 1,45,900 મતદાર  પૈકી 48088 પુરુષો અને 35,334 ત્રી સહિત 83,422  મતદારે જિલ્લા અને તાલુકા પંચાયતના  ઉમેદવારોને ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કચ્છમાં  અનેક તાલુકાઓમાં બેઠકો બિનહરીફ થઈ છે અને સત્તાપક્ષના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, પરંતુ રાપર તાલુકામાં   જિલ્લા  કે તાલુકા પંચાયતની એક પણ બેઠક બિનહરીફ થઈ નથી. - તાપ વચ્ચે સવારે સારું મતદાન  : મળતા આંકડા મુજબ તાલુકા પંચાયતની 24 બેઠક માટે 57.18 ટકા મતદાન થયું હતું. અસહ્ય તાપ વચ્ચે અમુક ગામોમાં સવાર સવારમાં સારું મતદાન થયું હતું, તો અમુક ગામોમાં લગ્નો હોવાથી સાંજે ભીડ રહી હતી. કચ્છમિત્ર દ્વારા પલાંસવાની મુલાકાત લેતાં સાત મતદાન મથકો ધરાવતાં પલાંસવામાં ઘણા બધાં ઘરે લગ્નો હોવાથી ક્યાંક મામેરાના, તો ક્યાંક માયરે જવા માટે ફૂલેકાં સામે મળતાં હતાં. (એક રાજપૂત પરિવારે તેમના પુત્રનાં લગ્નની જાન જોડવા માટે હેલિકોપ્ટર બોલાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નર્મદા કેનાલ ખેડૂતોને કેટલી ફળી છે તે આનાં પરથી જાણી શકાય છે!) - ભીમાસરમાં વિધાનસભા ચૂંટણી જેવો માહોલ  : આવા લગ્ન પ્રસંગમાંથી સમય કાઢીને 10-20 લોકોનું ટોળું આવીને મતદાન કરી જતું હતું. આમ પલાંસવાથી પ્રાગપર સુધી ક્યાંય મતદાન મથકો પર ભીડ જોવા મળી ન હતી. સાંજે પાંચ વાગ્યે ભીમાસરની મુલાકાત લેતાં સંવેદનશીલ એવા ભીમાસરમાં મતદાન મથક બહાર મતદારો અને રાજકીય પક્ષોના મતદાર સહાયકોનો મેળાવડો જોતાં વિધાનસભા ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો હતો. - પ્રાગપરમાં શાંતિભર્યો માહોલ  : તો મતદાનના અંતિમ સમયની 20 મિનિટ અગાઉ પ્રાગપરની મુલાકાત લેતાં કોઈ ભીડ જોવા મળી ન હતી. ધોમધખતા તાપમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારો પરસેવો પાડતા નજરે પડતા હતા. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. એકાદ ઇવીએમ ખોટવાયા સિવાય એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. - ગાગોદરના 111 વર્ષના વડીલે લોકશાહીના યજ્ઞમાં આહુતિ આપી : રાપર, તા. 26  :  તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગાગોદર  ગામના વડીલ નાગરિક રાયમલભાઈ જીવાભાઈ ભરવાડે 111 વર્ષની વયે મતદાન કરીને લોકશાહી પ્રત્યે પોતાની અડગ શ્રદ્ધા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. આ ઉમરે પણ તેઓએ પોતાના અધિકાર અને ફરજ બંનેનું પાલન કર્યું હતું. રાયમલભાઈ જેવા જાગૃત નાગરિકો  શીખ આપી હતી કે, ઉંમર કોઈ અવરોધ નથી, જો મનમાં દેશપ્રેમ અને જવાબદારીની ભાવના હોય તો દરેક વ્યક્તિ લોકશાહી મજબૂત બનાવવા પોતાનો ફાળો આપી શકે છે. - રાપર તા.પં. બેઠકવાર મતદાન ટકાવારી : આડેસર : 69.70, બાદરગઢ : 53.42, બાલાસર : 57.29,  બેલા : 49.94, ભીમાસર-1 : 36.96, ભીમાસર-2 : 49.68,  ભુટકિયા : 42.49, ચિત્રોડ : 63.68 , ઘાણીથર : 40.40,  ફતેહગઢ : 61.80, ગાગોદર : 52.91, ગેડી : 69.81, જાટાવાડા : 67.20, ખાંડેક : 50.70, કિડિયાનગર : 49.89, માણાબા : 58.88, પલાંસવા : 48.39, પ્રાગપર : 50.03, રામવાવ : 70.39, રવ મોટી : 59.57, સઈ : 64.29, સણવા : 65.48, સેલારી : 62.02, સુવઈ : 68.42   

Panchang

dd