ભુજ, તા. 26 : વૈશાખના બળબળતા તાપ વચ્ચે આજે
કચ્છની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પોતાના પસંદગીના ઉમેદવાર માટે મતદાન કરવાનું હોવાથી
સવારે 7 વાગ્યાથી હાથ ધરાયેલી પ્રક્રિયામાં ચુનાવી
ગરમીને સૂર્યનારાયણની ગરમીએ મોટો અવરોધ સર્જ્યો હતો. આજે તાપમાનનો પારો 44 ડિગ્રીની નજીક રહ્યો હતો. સરેરાશ
જિલ્લા પંચાયતમાં 66.80 ટકા, જ્યારે
તાલુકા પંચાયતમાં કચ્છનું 67.13 ટકા મતદાન, જ્યારે
ગાંધીધામ મહાનગરપાલિકામાં 46.01 ટકા મતદાન, તો પાંચ નગરપાલિકામાં 60.84 ટકા અને સૌથી વધુ મતદાન મુંદરા
73.08 ટકા સાથે પ્રથમ રહ્યું હતું.
પાંચ વર્ષની તુલનાએ આ વખતે જાગૃતિ જોવા મળી હતી. કેમ કે કચ્છના 15.49 લાખ મતદાતાઓ પૈકી 8,68,808 મતદાતાઓએ પોતાના અધિકારનો ઉપયોગ
કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની સરેરાશ ટકાવારી જોઈએ તો 56.08 ટકા મતદાન નોંધાયું હતું. દર
વખતે ચૂંટણી જાહેર થાય ત્યારથી મતદારોને મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી
વોટિંગ સૌથી વધારે થાય તેવી અપીલ કરવામાં આવે છે છતાં મતદાનની ટકાવારીમાં જોઈએ તેવો
ઉછાળો આવતો નથી અને ઉમેદવારોને મત આપવાની નીરસતા કહો કે જે હોય તે લોકશાહીનાં પર્વની
ઉજવણીમાં અડધોઅડધ મતદારો જોડાતા નથી ને વોટિંગથી પર રહે છે. આજે 9 તાલુકા પંચાયત, 37 જિલ્લા પંચાયત
અને એક મહાનગરપાલિકા, પાંચ નગરપાલિકાની
વાત કરીએ તો સૌથી વધારે મતદાન 80.82 ટકા લખપતમાં થયું હતું અને સૌથી નીચી ટકાવારી ભચાઉની રહી હતી.
અહીં 57.18 ટકા મત પડયા હતા. સમગ્ર જિલ્લામાં
શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હોવાના હેવાલ છે. કયાંક કોઈ વિસ્તારમાં કોઈની પાસે 14 પૈકી ઓળખકાર્ડ ન હોય તો મોબાઈલમાં
ડી.જી. લોકરમાં ઓળખ કાર્ડ બતાવવા છતાં મતદાન કરવા દેવાયું નહીં તેવી ફરિયાદો આવી હતી, તો અનેક મતદાન મથકોએ મતદારોને મોબાઈલ નહીં લઈ
જવાના મુદ્દે માથાકૂટ થઈ હોવાના પણ કિસ્સા નોંધાયા. અલબત્ત કોઈ મોટી નોંધપાત્ર ઘટના
કયાંય સામે આવી નથી. - શરૂઆત ધીમી
: આજે સવારથી કચ્છના વિવિધ 1866 મતદાન મથકો પર 422 ઉમેદવારો માટે હાથ ધરાયેલી
મતદાનની પ્રક્રિયામાં પહેલા બે કલાક એટલે કે 7થી 9 દરમ્યાન પ્રવાહ
ધીમો રહ્યો હતો. નગરપાલિકામાં પહેલા બે કલાક દરમ્યાન ટકાવારી 8.32 ટકા, મહાનગરપાલિકામાં તો જાણે સાવ નિરુત્સાહ હોય
તેમ માત્ર 4.31 ટકા રહી હતી.
જ્યારે જિલ્લા-તાલુકા પંચાયતમાં સવારે 7થી 11 દરમ્યાન ટકાવારીનો
આંક 27.92 રહ્યો હતો. સૌથી વધારે લખપતમાં
પહેલા ચરણમાં 36.09 ટકા અને સૌથી ઓછું મતદાન રાપર
તાલુકામાં 23.40 રહ્યું હતું. - પછી ગરમી નડી : સવારે આમ તો મતદારો મતદાન માટે નીકળ્યા
હતા અને બપોરે 1 વાગ્યા સુધી લાઈનો પણ જોવા મળી હતી. જિલ્લા
પંચાયતમાં બપોરે 1 વાગ્યાથી
દરેક મત કુટિરો ખાલી જોવા મળી હતી કેમ કે 43.8નો ગરમીનો પારો ઊંચકાતા મતદારોએ આ સમયે ઘરે રહેવાનું પસંદ કર્યું
હતું. 1 વાગ્યા સુધી જિલ્લા પંચાયતમાં 41.65 ટકા, 9 તાલુકા પંચાયતમાં
સરેરાશ 1 વાગ્યા સુધી 41.88 ટકા મતો પડયા હતા. નગરપાલિકાની
વાત કરીએ તો શહેરી મતદારો રીતસર તાપથી અકળાયા હતા,
જ્યારે ગામડાંના મતદારોથી મત આપવામાં પાછળ રહ્યા હતા. 1 વાગ્યા સુધી પાંચ નગરપાલિકામાં 35.99 ટકા, જ્યારે મહાનગરપાલિકા
ગાંધીધામમાં 1 વાગ્યે માંડ
25.52 ટકા મત પડયા હતા. 1થી 3 વાગ્યે અંગ દઝાડતી ગરમી હોવાના કારણે નગરપાલિકામાં બે કલાક દરમ્યાન
માત્ર 9 ટકા જ મતદાન થયું હતું. ગાંધીધામમાં તો
8 ટકા મતોમાં વધારો થયો હતો. - જિલ્લા પંચાયત : અંતે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી મળેલા જિલ્લાના
છ વાગ્યા સુધીના આંકડા પરથી ચિત્ર સ્પષ્ટ થયું હતું. જિલ્લા પંચાયતમાં 37 બેઠકની ટકાવારી સાંજે ઊંચકાઇ
હતી. અંતે 66.80 ટકા મતદાન નોંધાયું હતું. ગત
પાંચ વર્ષની તુલના કરીએ તો માત્ર 3.80 ટકા મતદાનમાં ઉછાળો આવ્યો હતો. જિલ્લા પંચાયતના કુલ 9,52,619 મતદાતાઓ પૈકી 6,36,367 મતદારો પોતાના અધિકાર પ્રત્યે
સજાગ રહી ઉમેદવાર માટે ઇ.વી.એમ.નું બટન દબાવ્યું હતું. તુલનાત્મક મહિલાઓ કરતાં પુરુષો
મતદાન કરવામાં આગળ રહ્યા હતા. 3,41,511 પુરુષો, તો 2,94,856 મહિલાઓએ મતદાનમાં ભાગ લીધો હતો. - તાલુકા પંચાયત : જિલ્લાની નવ તાલુકા પંચાયતના આંકડા મળ્યા
છે તે મુજબ સૌથી વધુ મતદાન લખપત તાલુકા પંચાયતમાં 80.82 ટકા રહ્યું હતું જ્યારે 57.28 ટકા સાથે રાપર તાલુકામાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. સરેરાશ
તાલુકા પંચાયતમાં 67.13 ટકા મતદાન
થયું હતું. - વિસંગતતા : ગામડાંઓમાં
જિલ્લા અને તાલુકા પંચાયતમાં ખરેખર ટકાવારીનો આંક એકસરખો આવવો જોઇએ છતાં બંને વચ્ચે
તફાવત છે. જિલ્લા પંચાયતમાં ટકાવારી 66.80 ટકા અને તાલુકા પંચાયતમાં 67.13 ટકા થતાં ક્યાંક મતદારોએ જિલ્લા પંચાયતના ઇ.વી.એમ.ના બટન ઓછા
દબાવ્યાં છે. દરેક બૂથમાં બે-બે મશીન હતા અને પ્રત્યેક મતદારને બંનેને ચૂંટવા બે બટન
દબાવવાના હતા છતાં ક્યાંક એક-એક બટન દબાવીને ચાલ્યા જતાં બંનેની ટકાવારીમાં 1.60 ટકા જેવો ફરક આવે છે. - ગાંધીધામમાં સૌથી નીચું : ગાંધીધામ મહાનગરપાલિકાનું મતદાન સૌથી નીચું
રહ્યું હતું. મહાનગરના 2,16,318 મતદાતાઓ
પૈકી 99,082 મતદારોએ મતદાનમાં ભાગ લીધો
હતો. સરેરાશ 46.01 ટકા મતદાન થયું હતું. - પાંચ નગરપાલિકા : પાંચ નગરપાલિકાનું ચિત્ર જોઇએ તો ભુજમાં
સૌથી ઓછું 53.70 ટકા, અંજારમાં 61.61 ટકા, માંડવીમાં 66.31 ટકા, મુંદરામાં વધુ 73.06, જ્યારે નખત્રાણામાં 73.06 ટકા મતદાન નોંધાયું હતું. - 28મીએ પરિણામ : કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું
નસીબ અજમાવવા માટે ચુનાવી મેદાનમાં ઊતરેલા ઉમેદવારોનું નસીબ ઇલેક્ટ્રોનિક મશીનમાં બંધ
થયું છે તે 28મીએ દરેક તાલુકા મથકે ખૂલવાનું છે. 28મીએ સવારથી ઇ.વી.એમ. મશીનમાં મતગણતરી હાથ
ધરાશે ને પરિણામ જાહેર થવાના છે. ઇ.વી.એમ. હોવાથી મોટાભાગે બપોર બાદ તમામ પરિણામ જાહેર
થઇ શકે છે.