વોશિંગ્ટન, તા. 26 : અમેરિકા-ઇરાન યુદ્ધથી આખી દુનિયામાં
અજંપાની સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વોશિંગ્ટનમાં જ હુમલો થતાં હડકંપ
મચી ગયો હતો. વોશિંગ્ટન ડીસીમાં હિલ્ટન હોટલમાં
વાર્ષિક વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્ટ ડિનર દરમ્યાન અચાનક ગન અને છરીઓ સાથે આવેલા શખ્સે
અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ટ્રમ્પને નિશાન બનાવીને કરાયેલા આ હુમલા બાદ તરત સિક્રેટ
સર્વિસ એજન્ટોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુરક્ષિત બહાર કાઢયા હતા. હુમલાખોરની ધરપકડ કરી
લેવાઇ હતી. એક સુરક્ષા અધિકારીને ગોળી વાગી
હોવાનું કહેવાય છે. ગોળીબાર થયો ત્યારે `વોશિંગ્ટન હિલ્ટન' હોટલના હોલમાં ટ્રમ્પ સાથે પત્ની મેલેનિયા, ઉપરાષ્ટ્રપતિ
જે.ડી. વેન્સ તેમજ ટોચના અધિકારીઓ મોજૂદ હતા. સુરક્ષા એજન્સીઓએ કોલ થોમસ એલન નામના આ શખ્સને કસ્ટડીમાં લઇને પૂછપરછ આદરી છે.
તેને સોમવારે કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. વિશ્વભરના નેતાઓએ આ હુમલાની આલોચના
કરી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, હું જ આ હુમલાખોરનો નિશાન
હતો. ગોળીબારના દોઢ કલાક બાદ ટ્રમ્પે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે,
અમેરિકાના સંવિધાન પર આ હુમલો થયો છે. સિક્રેટ સર્વિસે મારો જીવ બચાવ્યો.
સુરક્ષા કર્મીઓએ બહાદૂરી સાથે કામ કર્યું. જે અધિકારીને ગોળી વાગી હતી, તે સુરક્ષિત છે. તેમણે બૂલેટપ્રૂફ જાકિટ પહેરી હતી. હુમલાખોર પાસે શક્તિશાળી
ગન હતી. અહેવાલ અનુસાર હુમલાખોરની ઓળખ 31 વર્ષીય કોલ ટોમસ એલનના રૂપમાં થઇ હતી, જે કેલિફોર્નિયાનો છે. ગોળીબારનો અવાજ સાંભળતાં
જ સિક્રેટ સર્વિસ એજન્ટોએ તરત મોરચો સંભાળી લીધો હતો. આ હુમલાના વાયરલ થયેલા વીડિયોમાં
જોવા મળ્યું હતું કે, સુરક્ષાદળોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ટેબલ નીચે
છૂપાવી દીધા હતા. પછી `સુરક્ષિત
સ્થળ' તરફ લઇ ગયા હતા. ગોળીબાર થયો ત્યારે હોલમાં
ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓ, પત્રકારો, હસ્તીઓ
સહિત 2600 જેટલા મહેમાન રાત્રિભોજન લઇ
રહ્યા હતા. ગોળીબારનો અવાજ સંભળાતાં જ હોલમાં અફરાતફરી મચી ગઇ હતી. જીવ બચાવવા લોકો
ટેબલોની નીચે છૂપાઇ ગયા હતા. મેલેનિયા ટ્રમ્પ ભારે ગભરાયેલાં જોવા મળ્યાં હતાં. સુરક્ષા
એજન્સીઓ માટે આ હુમલો મોટા પડકારરૂપે જોવાઇ રહ્યો છે. કારણ કે, કાર્યક્રમમાં પ્રવેશ માટે કડક સુરક્ષા તપાસ
કરાતી હોય છે. પોલીસ વિભાગના અધિકારી જેફરી કેરોલ અનુસાર હુમલાખોર એ જ હોટલનો મહેમાન
બન્યો હતો, જ્યાં વ્હાઇટ હાઉસ તરફથી કાર્યક્રમમાં આયોજન થયું
હતું. તે જે રૂમમાં હતો તેની પોલીસ તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર હુમલાખોર એલન પાસેથી
એક શોટગન, એક હેન્ડગન અને ઘણા ચાકુ હતા. વોશિંગ્ટન ડીસીના મેયર
અનુસાર શખ્સનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. અમેરિકી એટોર્નીએ કહ્યું હતું કે,
હુમલાખોર ઉપર બે આરોપ લાગ્યા છે. પહેલો આરોપ હિંસક અપરાધ દરમિયાન હથિયારનો
ઉપયોગ કરવો અને બીજો અપરાધ ખતરનાક હથિયારથી ફેડરલ અધિકારીઓ ઉપર હુમલો કરવાનો છે. હુમલા
બાદ એવા અહેવાલ ફરતા થયા હતા કે, એલને ઓક્ટોબર-2024માં કમલા હેરિસને રાષ્ટ્રપતિ
ચૂંટણી અભિયાન દરમિયાન 25 ડોલરનું દાન
કર્યું હતું. ઘટના સમયે કાર્યક્રમમાં હાજર પ્રેસના પ્રતિનિધિઓએ બનાવનું વર્ણન કરતાં
કહ્યું હતું કે, તેઓ હિલ્ટન બોલરૂમમાં હતા
ત્યારે ગોળીબારનો અવાજ આવતાં જ સુરક્ષા અધિકારીઓએ રૂમને ઘેરી લીધો હતો અને મુખ્ય કોરિડોરથી
દોડીને અંદર આવ્યા હતા. ઘણા લોકો જમીન ઉપર સૂઈ ગયા હતા, જ્યારે
રાષ્ટ્રપતિને મંચથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા. ઘણા લોકો ટેબલની નીચે સંતાયા હતા.