નવી દિલ્હી, તા.25 : અમેરિકામાં ભારતીયોની નોકરી ઉપર મોટો ખતરો સર્જાય તેવા એક
ઘટનાક્રમમાં અમેરિકાની સંસદમાં એચ-1બી વિઝા ઉપર ત્રણ વર્ષ માટે રોક લગાવતો ખરડો પેશ થઈ ગયું છે.
જો આ ખરડો પસાર થઈ જશે તો ભારતીયોની નોકરી જોખમાશે. વર્ષ 2022-23નાં આંકડા જોવામાં આવે તો અમેરિકાનાં એચ-1બી વિઝા પ્રાપ્ત કરનારા લોકોમાં 72 ટકા ભારતીયો હતાં. જો આ વિઝા
ઉપર રોક મૂકવામાં આવે તો અમેરિકામાં નોકરી કરવાનાં ભારતીયોનાં સપના ચકનાચૂર થઈ જશે.
રિપબ્લિકન પાર્ટીનાં સાંસદોનાં એક સમૂહે કોંગ્રેસ(અમેરિકી સંસદ)માં એચ-1બી વિઝા કાર્યક્રમને ત્રણ વર્ષ માટે સ્થગિત
કરવાંની માગણી કરતું વિધેયક રજૂ કર્યુ છે. રિપબ્લિકન પાર્ટીનાં સાંસદોનો તર્ક એવો છે
કે, આ કાર્યક્રમનો દુરુપયોગ કરીને અમેરિકી કામદારોનાં
સ્થાને સસ્તા વિદેશી કર્મચારીઓ લાવવામાં આવે છે.
એરિઝોનાનાં સાંસદ એલી ક્રેને આ ખરડો દાખલ કર્યો છે અને તેને અન્ય સાત રિપબ્લિકન
સાંસદોનું સમર્થન છે. આ વિધેયકમાં એચ-1બી વિઝા કાર્યક્રમમાં ઘણાં સુધારાનો પ્રસ્તાવ છે. જેમાં વાર્ષિક
આવક મર્યાદાને 6પ હજારથી ઘટાડીને 2પ હજાર કરવા, ન્યૂનતમ વેતન 2 લાખ અમેરિકી ડોલર પ્રતિ વર્ષ નિર્ધારિત
કરવા અને એચ-1બી વિઝા ધારકોને પોતાનાં આશ્રિતોને અમેરિકા
લાવવા અનુમતી નહીં આપવાની જોગવાઈ સામેલ છે.