ભચાઉ, તા. 26 : ભચાઉ તાલુકા હસ્તકની જિલ્લા
પંચાયતની ત્રણ બેઠક અને તાલુકા પંચાયતની 17 બેઠક માટે લગ્નસરાની
મોસમ વચ્ચે નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
હતો. તાલુકામાં એકંદરે શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું હતું. જો કે, એક
બૂથમાં ગેરરીતિના મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરાઈ હતી. ભચાઉ તાલુકા અને જિલ્લા પંચાયત
માટે દર બે કલાકના આંકડાઓ ઉપર નજર કરીએ,
તો પ્રથમ બે કલાકમાં એટલે કે સવારના અરસામાં જ આઠ ટકા લોકોએ મતદાન કર્યું હતું. 9થી 11માં આંકડો વધીને 26 ટકા, બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આંકડો
45.54 ટકા થયો હતો. આધોઈ જિલ્લા પંચાયતના ઉમેદવાર વિજયસિંહ વિક્રમસિંહ જાડેજાએ મતદાન ખેલદિલીપૂર્વક થયું હોવાનું જણાવ્યું હતું, કોંગ્રેસના ઉમેદવાર શારદાબેન પતિ સાથે હતાં.
7800 જેટલા મતદાર આધોઈ જિલ્લા પંચાયત હસ્તક છે, તે તાલુકામાં સૌથી વધુ છે. મુંબઈગરાનાં નામ નીકળી ગયાં હોવાથી તેમને લાવવાની મૂકવાની કામગીરી ભુતકાળ
બની ગઈ છે. સરપંચ રજાભાઈ, પૂર્વ સરપંચ
જશુભા કલુભા જાડેજા ખુમાણભાઇ વણકર ભાજપ માટે આશાવાદ સાથે વધુ મતદાન થાય તેવા પ્રયત્ન કર્યા હતા. વડીલો, 12થી 15 જણને દૂર
સુધી લેવા માટે બેટરીવાળી ગાડી સંસ્થાઓ તરફથી આપવામાં આવી હોવાથી રૂઆબભેર વડીલો તેમાં
આવતા જતા જોવા મળ્યા હતા. વીજપાસર ગામે પણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકાસિંહ જાડેજાએ
સવારે 8 વાગ્યે મત આપી સ્થાનિકે અને તાલુકામાં ભાજપ
પક્ષના કાર્યમાં અને મતદાન વધુ થાય તે કામમાં વ્યસ્ત બન્યા હતા. આ પૂર્વે તેમણે ગ્રામજનો
સાથે સામાન્ય નાગરિકની જેમ ચર્ચા કરી હતી. આધોઈ ગામ આજે સંપૂર્ણ બંધ રહ્યું હતું, શિકારપુર જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજેશ માદેવા
ચાવડા અને તાલુકા પંચાયતના ઉમેદવાર મનજીભાઈ રાઠોડ સાથે પ્રદેશ કોંગ્રેસના મંત્રી ભરત
ઠક્કર આ વિસ્તારમાં કોંગ્રેસની પ્રવૃત્તિઓ જળવાઈ રહે તે માટે સતત કાર્યરત રહ્યા હતા.
ભરતભાઈ ઠક્કરે કહ્યું હતું કે, કોંગ્રેસ દરેક બેઠક ઉપર આગળ નીકળશે
તેમણે મુંબઈગરાના મતદાર નીકળી જવાથી અગાઉ આ રીતે થતો સમય શક્તિનો દૂરુપયોગ અટકી ગયો
હોવાનું કહ્યું હતું. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી ખાતે સંભવિત જિલ્લા પંચાયત પ્રમુખ
પદની સીટ આદિવાસી મહિલાની છે, આવી બીજી બેઠક પણ ભીમાસરથી આદિવાસી
મહિલાની હોવાથી બે મહિલા પૈકી કોઈ એકની પસંદગી થશે. એક મહિલા પોરબંદર તરફનાં છે,
તો બીજા મહિલા કચ્છનાં છે. ઘટમાં ભચાઉ તાલુકાને અનેક પદો મળ્યાં હતાં.
આ વખતે કેટલું મહત્ત્વ મળે છે તે જોવું રહ્યું. દરમિયાન લાકડિયા બેઠક અને રામપર વિસ્તારમાં
બોગસ વોટિંગ થયાની ફરિયાદ કોંગ્રેસના ઉમેદવારે મતદાન મથક ઉપર કરી હતી. આ અંગે તપાસ હાથ ધરાય છે. ભચાઉ મામલતદાર
શ્રી રાજપૂતે કહ્યું હતું કે, તપાસ
ચાલુ હોવાથી પુરાવા મળ્યા બાદ તેના આધારે કાર્યવાહી થશે. ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ
જણાવ્યું હતું કે, અગાઉ એક જિલ્લા પંચાયતની બેઠક નાની ચિરાઈ બિનહરીફ
થઈ ગઈ અને ત્રણ તાલુકા પંચાયત બિનહરીફ થઈ ગઈ છે.
બાકીની ત્રણ જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજયી બનશે તેવો આશાવાદ
વ્યક્ત કર્યો હતો. ભચાઉ તાલુકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન સાંજે 6 વાગ્યે સંપન્ન થયું હતું. એસ.ટી. બસ ચૂંટણી
કામગીરીમાં રોકાયેલી હોવાથી ક્યાંક મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી.