લખનઉ, તા. 26 : કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ
2026ની પહેલી સુપર ઓવરમાં લખનઉ
સુપર જાયન્ટસને હરાવીને રોમાંચક જીતને પોતાના નામે કરી હતી. ઈકાના સ્ટેડિયમમાં પહેલાં
બેટિંગ કરતાં કોલકાતાએ 20 ઓવરમાં સાત
વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ
પણ 20 ઓવરમાં આઠ વિકેટે 155 રન બનાવી શકતાં મેચ ટાઈ થઈ
હતી અને પરિણામ સુપર ઓવર પર ગયું હતું. સુપર ઓવર પણ રોમાંચક રહી હતી અને કોલકાતાના
સુનીલ નારાયણે શાનદાર બોલિંગ કરતાં બે વિકેટ ખેરવી લખનઉને માત્ર એક રન પર રોક્યું હતું.
કોલકાતાના રિંકુ સિંહે ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી હતી. પોઈન્ટ ટેબલ પર તળિયાના
સ્થાને રહેલી બે ટીમ વચ્ચે મુકાબલામાં 156 રનનો સામાન્ય લક્ષ્યવેધ કરવા મેદાન પર ઊતરેલી લખનઉએ આઠ રનમાં
જ પહેલી વિકેટ ખોઈ દીધી હતી. એકમાત્ર સુકાની રિષભ પંતે 38 દડામાં ચાર ચોગ્ગા, એક છગ્ગા સાથે 42 રન કરી દાવને ગતિ આપવા પ્રયાસ
કર્યો હતો, પરંતુ સિફર્ટને કેચ આપી
બેઠો હતો. એ સિવાય આયુષ બદોનીએ 19 દડામાં બે છગ્ગા સાથે 24 રન કરી જામવાની કોશિશમાં રોયના હાથમાં દડો પકડાવી વિકેટ ખોઈ
દીધી હતી. એડન માર્કરમે 27 દડામાં બે
ચોગ્ગા એક છગ્ગા સાથે 31 રન કર્યા
હતા. આ પહેલાં નબળી શરૂઆત પછી ફિનિશર રિંકુ સિંહની પ છગ્ગાથી 83 રનની અણનમ-વિદ્યુતવેગી ઇનિંગની
મદદથી લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ કોલકતા નાઇટ રાઇડર્સનો 7 વિકેટે 1પપ રનનો સન્માનજનક સ્કોર થયો હતો. રિંકુ સિંહે આખરી ઓવરમાં એલએસજી
સ્પિનર દિગ્વેશ રાઠી સામે હલ્લાબોલ કરી ઉપરાઉપરી ચાર છગ્ગા ફટકાર્યા હતા. રિંકુની પાવર
હિટિંગથી કેકેઆરના સ્કોરમાં આખરી બે ઓવરમાં 43 રનનો બહુમૂલ્ય ઉમેરો થયો હતો. લખનઉ તરફથી મીડીયમ પેસ બોલર મોહસિન
ખાને કાતિલ બોલિંગ કરીને 23 રનમાં પ વિકેટ
ઝડપી હતી. કેકેઆરનો યુવા બેટર અંગકૃષ રઘુવંશી ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ આઉટ થયો હતો.
તે રનઆઉટથી બચવા માટે સ્ટમ્પની આડે આવી ગયો હતો. કેકેઆરની શરૂઆત કંગાળ રહી હતી અને
31 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેમરૂન ગ્રીને
21 દડામાં 3 છગ્ગાથી 34 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.
રિંકુ સિંહ કેકેઆર માટે એકલવીર બની રહ્યો હતો. તેણે પ1 દડામાં 7 ચોગ્ગા અને પ છગ્ગાથી અણનમ 83 રન કરી કેકેઆરનો સ્કોર 7 વિકેટે 1પપ રન સુધી
પહોંચાડયો હતો. રિંકુએ નારાયણ (4) સાથે આઠમી
વિકેટની અતૂટ ભાગીદારીમાં 30 દડામાં 62 રનનો ઉમેરો કર્યો હતો.