હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 26 : 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના
કુલ 7253 વોર્ડની 9263 બેઠક માટેના કુલ 25,637 ઉમેદવાર વચ્ચે 26મીના રવિવારે ચૂંટણી જંગ ખેલાયો હતો. અસહ્ય
ગરમી, પોલીસ જવાનોની ખડેપગે સેવા તથા ચૂંટણી સ્ટાફની
અનથગ કામગીરીને અંતે બબાલના કેટલાક છૂટાછવાયા બનાવો, ઈવીએમ ખોટકાયા
સહિતની કેટલીક ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સમાપ્ત થયું હતું. રાજ્યમાં
સરેરાશ 57-59 ટકા મતદાન થયું હોવાનો પ્રાથમિક
અંદાજ મળ્યો છે. એકંદરે શહેરોમાં નીરસ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહજનક મતદાન થયું
હતું. ગત 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ લગભગ 59 ટકાની આસપાસ
મતદાન થયું હતું. આ વખતે 2026માં યોજાયેલી
ચૂંટણીઓમાં મહાનગરપાલિકાઓમાં 49 ટકા, નગરપાલિકાઓમાં 59 ટકા, જિલ્લા પંચાયતોમાં 61 ટકા અને તાલુકા પંચાયતોમાં
62 ટકાની આસપાસ મતદાન થયું હોવાની
પ્રાથમિક જાણકારી મળી રહી છે. મતદાન સમાપ્ત થયા બાદ મતદાન અધિકારીઓએ ઉમેદવારો કે તેમના
પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ સીલ કરીને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે તેમના ફાળવાયેલા
સ્ટ્રોંગરૂમમાં પહોંચાડીને તેને પણ સીલ કરી દીધા હતા. અહીં પણ પોલીસનો કડક પહેરો તથા
સીસીટીવી કેમેરાનો બંદોબસ્ત કરાયો છે, હવે 28મીના મંગળવારે
મતગણતરી હાથ ધરાશે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાન થયું હોવાથી તેની ગણતરીમાં પણ
ઝડપ આવશે અને બપોર કે સાંજ સુધીમાં આ પ્રક્રિયા પણ પૂરી થઈ જશે એમ મનાય છે. આ ચૂંટણીમાં
15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1101 બેઠક માટેના 3145 ઉમેદવાર, 84 નગરપાલિકાના
656 વોર્ડની 2239 બેઠક માટેના 5441 ઉમેદવાર, 34 જિલ્લા પંચાયતના
1038 બેઠક માટે 3059 ઉમેદવાર, 260 તાલુકા પંચાયતના
4976 બેઠક માટે 13,871 ઉમેદવાર, 12 નગરપાલિકાની
પેટા ચૂંટણીની નવ બેઠક માટે 21 ઉમેદવાર મળીને
આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 7253 વોર્ડની 9263 બેઠક માટે
ચૂંટણી જંગમાં રહેલા કુલ 25,637 ઉમેદવારનાં
રાજકીય ભાવિ મતદાન સંપન્ન થતાની સાથે જ ઈલેકટ્રોનિક વોટિંગ મશીનમાં કેદ થઈ ગયા હતા.
અર્થાત શહેરી વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ ઓછા હતા,
જ્યારે નગરપાલિકા જેવા અર્ધ શહેરી અને જિલ્લા-તાલુકા પંચાયતો જેવા ગ્રામ્ય
વિસ્તારોમાં મતદારોએ લાઈનો જરૂર લગાવી હતી. મતદાનની શરૂઆત થઈ ત્યારે મતદારોમાં ઉત્સાહ
હતો, પરંતુ સમય જતાં ગરમી તેની ચરમસીમા પહોંચતાં મતદાન મથકો સૂમસામ
બન્યા હતા અને છૂટાછવાયા મતદારો જ દેખાતા હતા, પરંતુ સાંજે છેલ્લા
બે કલાક બાકી હતા, ત્યારે ફરી મતદારો ઊમટયા હતા અને મતદાનની ટકાવારીમાં
વધારો થયો હતો. આ વખતે છ જૂની મહાનગરપાલિકામાં સરેરાશ 48 ટકા મતદાન નોંધાયું છે, જે 2021ની ચૂંટણીમાં 46 ટકા જેટલું હતું, પરંતુ નોંધનીય બાબત એ છે કે, જે નવી નવ મહાનગરપાલિકામાં
પ્રથમવાર ચૂંટણી યોજાઈ છે તેમાં મતદારોએ મોટી સંખ્યામાં બહાર નીકળીને વોટિંગ કર્યું
હતું. પ્રાથમિક અંદાજ મુજબ આ નવી મહાનગરપાલિકાઓમાં આશરે 53 ટકા વોટિંગ થયું હોવાનું અનુમાન
છે. છ જૂની મહાનગપાલિકામાં સૌથી વધુ 53 ટકા મતદાન સુરતમાં અને સૌથી ઓછું 46 ટકા મતદાન અમદાવાદ મહાનગરપાલિકામાં
નોંધાયું છે, જ્યારે નવ નવી મહાનગરપાલિકામાં
સૌથી વધુ વાપીમાં 66 ટકા અને સૌથી
ઓછું 42 ટકા મતદાન ગાંધીધામ મહાનગરપાલિકામાં
નોંધાયું છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં જે સરેરાશ 49 ટકા વોટિંગ થયું છે, એમાં 52.45 ટકા મતદાન
પુરુષો અને 45.07 ટકા મતદાન સ્ત્રીઓએ કર્યું
છે. આ ચૂંટણીમાં મહિલાઓની મતદાનની ટકાવારી ઊંચી જશે એમ મનાતાં રાજકીય પક્ષો હવે અસમંજશમાં
મૂકાયા છે.