• સોમવાર, 27 એપ્રિલ, 2026

ભુજથી સેંકડો મતદાર અબડાસા પહોંચ્યા

નલિયા ,તા 26 : અબડાસા તાલુકામાં જિલ્લા પંચાયતની  ત્રણ બેઠક અને તાલુકા પંચાયતની 18 બેઠક માટેની ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ  ઈવીએમમાં સીલ થઈ ગયું છે. જિલ્લા પંચાયતની ત્રણ બેઠક માટે 12 ઉમેદવાર મેદાનમાં હતા, જ્યારે તાલુકા પંચાયતની 18 બેઠક પરથી 54 જેટલા ઉમેદવારે પોતાનું નસીબ અજમાવ્યું છે.  - નલિયામાં નીરસ : મુખ્ય મથક નલિયામાં નીરસ મતદાન, બપોર બાદ સૂમસામ બૂથ  રહ્યાં હતા. તાલુકાના મુખ્ય મથક નલિયામાં વહેલી સવારથી મતદાનમાં નીરસતા જોવા મળી હતી. જો કે, 10 વાગ્યા બાદ થોડી હલચલ  જોવા મળી, પરંતુ બપોર બાદ મતદાન મથકો સાવ સૂમસામ ભાસતાં હતાં. સાંજે ફરી  ચાર-પાંચ લોકો મતદાન કરવા આવતાં દેખાયાં, પરંતુ મતદાન બૂથ પર લાંબી કતારો જોવા મળી ન હતી. તેમ છતાં, નલિયાના જાગૃત નાગરિકોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. આ મતદાનમાં યુવા મતદારોને પણ જાગૃતતાનો સંદેશ આપ્યો હતો. નલિયાના  મુકેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ભુજ રહેતા નલિયાના લોકો પણ ખાસ મતદાન કરવા માટે નલિયા આવ્યા છે.  - ગ્રામ્ય વિસ્તારોમાં મિશ્ર  : ગરમી અને લગ્નસરાની અસર  વચ્ચે ગ્રામ્ય પંથકમાં પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું સીટવાઈઝ મતદાન થયું હતું. વાયોર સહિતનાં મતદાન બૂથ ઉપર ક્યાંક સવારના વહેલી લાઈનો લાગી હતી, તો ક્યાંક નીરસતા જોવા મળી  હતી. તેવી જ રીતે મોથાળા, નરેડી, બિટ્ટા, તેરા, રામપર, બેર, મોટી જેવી સીટોમાં પણ  મતદાન માટે જોઈએ તેવી લાઈનો લાગી ન હતી. આકરો તાપ, તડકો અને લગ્નસરાની સિઝન હોવાના કારણે ઉમેદવારોને મતદારોને મતદાન બૂથ સુધી લઈ જવા માટે પરસેવો પાડવો પડયો હતો.  - ભુજથી પહોંચ્યા  : ભુજથી 170 મતદાર કોઠારા પહોંચ્યા હતા. કોઠારા વિસ્તારના  મનોજ સોનીના અહેવાલ પ્રમાણે, કોઠારામાં આજે સવારથી મતદાન મથક પર ક્યાંક  લાઈનો તો ક્યાંક પાંખી હાજરી જોવા મળી હતી. ગરમીના લીધે મતદારોએ સવારે  મતદાન કર્યું હતું અને બપોરના  મતદાન મથકો ખાલી જોવા મળ્યાં  હતાં ત્યારબાદ મતદારોએ સાંજે મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. બીજીબાજુ કોઠારામાં ભુજથી 170 જેટલા મતદાર મતદાન કરવા આવ્યા હતા. કોઠારાના અને હાલમાં ભુજમાં રહેતા મતદારો પોતાના મતનો ઉપયોગ કરવા માટે આજે સ્વયંભૂ કોઠારા આવી પહોંચ્યા હતા અને પોતાની ફરજ નિભાવી હતી, ભાનાડા, આરીખાના, ડુમરા, ખીરસરા સહિતના ગામોમાં પણ શાંતિપૂર્વક મતદાન થયું હતું. - લગ્નની અસર : લગ્નસરા અને સામાજિક પ્રસંગોની મતદાન પર અસર દેખાઈ હતી. હાલ દરેક જગ્યાએ લગ્નની સિઝન, સામાજિક અને ધાર્મિક કાર્યો પણ ચાલુ હોવાથી મતદાન ઓછું થયું હોવાનું જણાય છે. મતદાન મથકની બહાર બંને પક્ષના લોકોનો જમાવડો જોવા મળ્યો હતો અને છેલ્લા એક કલાક બાકી રહેતાં મતદારોને લેવા માટે કાર્યકરોએ ભારે મહેનત કરી હતી. - અબડાસા તાલુકામાં 69.10 ટકા મતદાન : જિલ્લા પંચાયત-મોથાળા બેઠકમાં 67.12 ટકા  મતદાન નોંધાયું હતું. નલિયા-જિલ્લા પંચાયતમાં 69.47 ટકા, તો વાયોર-જિલ્લા પંચાયતમાં 71.06 ટકા મતદાન નોંધાયું હતું.  

Panchang

dd