મુંદરા, તા. 26 : સ્થાનિક સ્વરાજ્યની રવિવારે
ગ્રીષ્મ ઋતુના ભારે તાપ, લગ્નગાળા વચ્ચે
પણ યોજાયેલી મતદાન પ્રક્રિયા અંતર્ગત કંઠીપટ્ટની કસદાર મુંદરા તાલુકા પંચાયતની 18 જિ. પં.ની ચાર બેઠક પર પણ `એક દિન કા રાજા' એ પોતાની લોકશાહીની ફરજ ઉત્સાહભેર નિભાવી હતી. અલગ અલગ 92 મતબૂથમાં સમાવિષ્ટ મુંદરા તાલુકા પંચાયતની કુલ 18 બેઠક માટે આજે સરેરાશ 77.59 ટકા મતદાન થયું હતું. મુંદરા
તા. પં. હેઠળ કુલ નોંધાયેલા 66202 મતદારમાંથી
કુલ 51364 મતદારે મતાઅધિકારનો પ્રયોગ
કર્યો હતો. આ શાંતિપૂર્ણ રીતે થયેલાં મતદાનમાં સૌથી વધુ મતદાન ઝરપરા-2 બેઠક પર 85.66 ટકા, જ્યારે
સૌથી ઓછું ભદ્રેશ્વર બેઠક ઉપર 67.26 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે ગત વર્ષે પણ સૌથી વધુ મતદાન ઝરપરા -2માં 85.52 ટકા અને સૌથી ઓછું મતદાન નાના કપાયા -1 બેઠક ઉપર 59.05 ટકા નોંધાયું હતું. મુંદરા
તાલુકામાં કુલ મતદારોની ટકાવારીમાં પુરુષોની 80. 69 અને મહિલાઓની 74.31 ટકા રહેતા મહિલાઓ કરતા પુરુષોએ અંદાજે છ ટકા વધુ મતદાન કર્યું
હતું. આજે તા. અને જિ. પંચાયતની ચૂંટણીના અનુસંધાને કચ્છમિત્રના પ્રવાસ દરમ્યાન મતદાનની
પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ જોવા મળી હતી. ગરમીની અસર હેઠળ સવારે ક્યાંક જ લાઈન દેખાયા
બાદ માહોલ સુસ્ત રહ્યો હતો. રાજકીય પક્ષના આગેવાનો અને બૂથ નજીક કાર્યકરોની ટેબલ બધા
સ્થાને નજરે પડી નહોતી. જો કે, ધ્રબ
અને ઝરપરા ગામમાં પરંપરાગત પહેરવેશમાં મતદારોની લાંબી લાઈન નજરે પડી હતી. તાલુકા પંચાયતની
18 બેઠકનું સરેરાશ મતદાન બપોરે
1 વાગ્યા સુધી 29.85 ટકા સુધી પહોંચ્યું હતું, પરંતુ બપોરે 1 વાગ્યા સુધીના વચ્ચેના સમયમાં કાર્યકરોની
દોડથી વધીને 47.28 ટકા સુધી પહોંચ્યું હતું. ચારણોના
પ્રભુત્વવાળા મત વિસ્તાર ઝરપરા-1 અને ઝરપરા
બે બંનેમાં અનુક્રમે ઊંચું 84.94 અને 85.66 ટકા મતદાન થયું છે. આ વખતે
બિનઅનામત સામાન્ય અને ચર્ચામાં વધુ રહેલી સમાઘોઘા બેઠકવાળા મુખ્ય ગામ સમાઘોઘામાં 83.68 ટકા મતદાન થયું છે. ઉનાળાના
બળબળતા તાપ વચ્ચે આજે કચ્છમિત્રની ટીમે કરેલા પ્રવાસ દરમ્યાન મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ
જોવા મળી હતી. ગરમીને મતદાન માટે ચિંતિત રાજકીય પક્ષોના જાગૃત આગેવાનો તેમનાં પોકેટમાં
વધુ મતદાન માટે દોડતા દેખાયા હતા અને સવારથી જ માર્ગદર્શન અને જલ્દી મત આપી આવજો એવું
કહેતા દેખાયા હતા. કડક આચાર સંહિતાને પગલે બૂથથી દૂર બેઠેલા કાર્યકરો ગરમી વચ્ચે લીંબુ
પાણી અને શેરડીના રસ સાથે કામમાં વ્યસ્ત દેખાયા હતા. પોલીસ તંત્ર દ્વારા નિયમોનાં કડક
પાલન માટેનો આગ્રહ જોવા મળ્યો હતો. જો કે, કોઈ અનિચ્છનીય ઘટનાના સમાચાર નથી.