• સોમવાર, 27 એપ્રિલ, 2026

સૂર્યદેવ તપ્યા, પરંતુ ભુજના મતદારોનો ઉત્સાહ ઠંડો જ રહ્યો

ભુજ, તા. 26 : પ્રખર તાપ અને ગરમી સાથે આજે સૂર્યદેવનો પારો ઊંચે ચડયો હતો, તો સાથોસાથ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત યોજાયેલા ભુજ નગરપાલિકાનાં મતદાનને પગલે રાજકીય માહોલ પણ ગરમ રહ્યો હતો. જો કે, મતદારોનો ઉત્સાહ ઠંડો જ રહ્યો હતો. સુધરાઇના 10 વોર્ડ માટે ધીમી ગતિએ શરૂ થયેલા મતદાનનો આંક સાંજે છ વાગ્યા સુધી  53.70 ટકાએ પહોંચ્યો હતો અને 2,46,107માંથી 1,32,183 લોકોએ મતદાન કર્યું હતું. મતદારોએ મતદાન કર્યું હતું. જો કે, અમુક વોર્ડમાં મતદારોને અપાયેલી સ્લીપમાં દર્શાવાયેલાં સ્થળે તેમનું નામ ન હોવાથી મોટી સંખ્યામાં લોકશાહીનાં પર્વના સાક્ષી બનવા આવેલા મહામૂલા મતદારોને બરાબર પરેશાનીનો સામનો કરવો પડયો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી. અલબત્ત, એક-બે સ્થળે પક્ષોના કાર્યકરો વચ્ચે ગરમાગરમી થઇ હોવાના સમાચારો સિવાય એકંદરે શાંતિપૂર્વક મતદાન થયું હતું. ગઇકાલથી જ જેનો રાજકીય પક્ષોને ભય સતાવતો હતો એ બાબત આજે હકીકત બની હતી અને સૂર્યદેવે સવારથી જ ગરમી વરસાવવાનું શરૂ કરી દેતાં પ્રખર તાપને પગલે મતદાનના આંકમાં ફેર પડશે તેવી ચિંતા ઉમેદવારોને સમગ્ર દિવસ રહી હતી અને પોતાના વોર્ડના મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા સતત પ્રયાસો થતા દેખાયા હતા. ભુજ સુધરાઇના 11મા વોર્ડની ચાર અને વોર્ડ નં. ચાર અને આઠમાં એક-એક બેઠક ભાજપને બિનહરીફ મળતાં 10 વોર્ડમાં 38 બેઠક પર જંગ જામ્યો છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા અંતર્ગત બપોરે 1 વાગ્યા સુધી મતદાનનો આંક 32.09 સુધી પહોંચ્યો હતો. સવારે ગરમી થોડી ઓછી હોવાથી અમુક લોકોએ વહેલાસર જ મત આપી દીધા હતા, પણ 11થી બપોરે ચાર વાગ્યા સુધી લોકોએ મતદાન માટે જવાનું ટાળ્યું હતું. જો કે, ચારથી છ વાગ્યા સુધી રાજકીય પક્ષોના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મતદારોને ઘરેથી મતદાન મથક સુધી પહોંચાડવા રીતસરના દોડયા હતા. મતદારોને તકલીફ ન પડે તે માટે રિક્ષા અને અન્ય વાહનોની પણ વ્યવસ્થા આજે એક દિવસ પૂરતી કરાઇ હતી. આ સમગ્ર વ્યાયામના અંતે મતદાનની ટકાવારીનો આંક 50 ટકાને પાર કરી ગયો હતો. - નવા ચૂંટાયેલા ઉમેદવારો સરકારમાં નવા નિયમો લાવે : સરકારમાં નવા ઉમેદવારોને સ્થાન મળે અને તેઓ નવા નિયમો લાવે જે લોકોને ફાયદાકારક હોય તે માટે દરેક યુવાઓએ મતદાન ફરજિયાત કરવું જોઈએ તેવું પ્રથમ વખત મતદાન કરતા ભુજના નિયતી ત્રિવેદીએ જણાવ્યું હતું. - લોકશાહીમાં આપણું શત્ર એટલે મતદાન : લોકશાહીમાં આપણા પાસે માત્ર એક જ શત્ર મતદાન છે કે, જેના થકી આપણી ઈચ્છા મુજબના પ્રતિનિધિને રાજકારણમાં મોકલાવી શકીએ જેથી દરેક લોકોએ અવશ્ય મતદાન કરવા નાદુરસ્ત તબિયત છતાં ભારે તાપ-ગરમી વચ્ચે મતદાન કરવા આવેલા ભુજના બિપિન ઠક્કર (ઉ.વ. 70)એ જણાવ્યું હતું. - સંજોગનગરમાં બે પક્ષ  વચ્ચે માથાકૂટ : સંજોગનગર વિસ્તારમાં એક પક્ષના બાંધેલા શમિયાણા નીચે અન્ય પક્ષના કાર્યકરના બેસવા મુદ્દે માથાકૂટ થઈ હતી, જેમાં એક શખ્સ તલવાર લઈને આવ્યો હોવાની પણ વાત સામે આવી હતી, પરંતુ મામલો વધુ વણસે તે પહેલાં વિવિધ અગ્રણીઓએ દરમ્યાનગીરી કરી પરિસ્થિતિ થાળે પાડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. - વોર્ડ નં. 4ના બૂથમાં બબાલ : બીજી તરફ વોર્ડ નં. 4ના એક બૂથમાં મતદાન મથકની અંદર જ એક મહિલાએ સંબંધિત પક્ષને મત આપવાનું અન્ય મહિલાને કહેતાં મામલો બીચક્યો હતો. આ બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર દિવસ ચર્ચામાં રહ્યો હતો. 

Panchang

dd