• સોમવાર, 27 એપ્રિલ, 2026

લાખેણા લખપતમાં મતદારોનો ભારે ઉત્સાહ

દયાપર (તા. લખપત), તા. 26 : છેવાડાના લખપત તાલુકામાં ભારે મતદાન થતાં વિવિધ તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. કોંગ્રેસ પક્ષે ભારે મતદાનને પોતાના ફાયદારૂપે જોઇ જીતનો દાવો કર્યો છે, તો ભાજપ દ્વારા પણ વધુ મતદાન થતાં જીતનો દાવો કરાયો છે. તા.પં.ની 16 બેઠક અને જિ.પં.ની બે બેઠક પર 71 બૂથમાં આજે 80.82 ટકા મતદાન નોંધાયું છે. દયાપર ખાતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર હોતાં બપોરે 12 કલાક સુધી તો ત્રણેય બૂથ પર 40 ટકા જેટલું મતદાન થઇ ચૂક્યું હતું. જ્યારે સાંજ સુધી 77.47 ટકા જેટલું મતદાન થતાં કોંગ્રેસે જીતનો દાવો કર્યો હતો. વધારે ટકાવારી કોને ફળશે તેના તર્ક-વિતર્ક કરતાં રાજકીય કાર્યકરો ચર્ચાના ચકરાવે ચડયા હતા. બરંદામાં 85.70 ટકા, દોલતપર 87.23 ટકા, લાખાપર 88.65 ટકા, માતાના મઢ 85.30 ટકા, મીંઢિયારી 92.02, નરા 89.30 ટકા, નારાયણ સરોવર 83.94 ટકા, બુધા 96.55 ટકા, ગુનાઉ 93.97 ટકા, જાડવા 87.03 ટકા, ખારાઇ 90.73 ટકા, બીટિયારી 92.85 ટકા, આશાલડી 98.14 ટકા, ખાણોટ 97.93 ટકા, ઘડુલી-1માં 78.80 ટકા, ઘડુલી-2માં 68.31 ટકા, નાની વિરાણી 88.51 ટકા, આડા 85.10, ગુનેરી 71.22 ટકા જેટલું મતદાન થયું હતું. મીંઢિયારી બેઠકમાં ભારે રસાકસી થતાં 92.02 ટકા જેટલું મતદાન થયું  હતું. ખડક ગામમાં એજન્ટ અન્ય ગામનો રખાતાં મામલો બિચક્યો હતો, પણ તંત્રના ત્વરિત નિર્ણયથી સમસ્યા હલ કરાઇ હતી. જિલ્લા પંચાયતની બે બેઠક પૈકી પાનધ્રો બેઠકમાં 20603માંથી 16004 મતદાતાઓએ મત આપતાં 77.68 ટકા મતદાન નોંધાયું  હતું, જ્યારે દયાપર બેઠક પર 23007 મતદાતા પૈકી 19242નું મતદાન થતાં 83.64 ટકા મતદાન થયું હતું. તાલુકાની પ્રજા ગરમી અને તડકામાં પણ મત આપવા બહાર નીકળી હતી. કોંગ્રેસ-ભાજપ બંને છાવણીમાં જોરદાર ઉત્સાહ દેખાયો હતો. ભાડરા બેઠક પર અપક્ષ ઉમેદવાર કોની બાજી બગાડશે તેના પર પણ મીટ છે. સાંજે દયાપર, વિરાણી મતદાન મથકની મુલાકાત લેતાં બૂથ ખાલીખમ જેવા ગણ્યાગાંઠયા મતદારો જ મત આપતા દેખાયા હતા. તા.પં. વિકાસ અધિકારી વસંતભાઇ ચંદે તેમજ મામલતદાર નવીનચંદ્ર દ્વારા ટકાવારી માટે વ્યવસ્થા ઊભી કરાઇ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પચ્છમની દિનારા જિ. પંચાયત સીટ બાદ કરતાં લખપત તા.પં. 16 સીટ તેમજ જિ.પં.ની પાનધ્રો અને દયાપરની સીટ ઉપર કચ્છમાં સૌથી વધુ મતદાન થયું છે. કોંગ્રેસના ગઢ એવા લખપત તાલુકામાં ભાજપે આ વખતે લઘુમતી સમાજને તા. પંચાયતની બરંદા, ના. સરોવર, મીંઢિયારી, માતાનામઢ, દોલતપર, ઘડુલી તાલુકા પંચાયતની છ જેટલી સીટ તથા દયાપર જિ.પં.ની સીટ ઉપર ઉમેદવાર ઊભા રાખતાં ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો હતો. યાત્રાધામ માતાના મઢની તા.પં. સીટ ઉપર છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. મા. મઢની સાથે કોટડા મઢ ગામના મતદારોએ આ વખતે 84 ટકા જેટલું ભારે મતદાન કર્યું છે. ગત ટર્મમાં જિલ્લા પંચાયતની પાનધ્રો તેમજ દયાપર સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા હતા, પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. 

Panchang

dd