ભુજ, તા. 26 : માથું ફાડી નાખતી ગરમી વચ્ચે
ભુજના ગ્રામીણ મતદારોએ લોકશાહીના પર્વમાં જોડાઇ પવિત્ર ફરજ નિભાવી હતી. ભુજ તા.પંચાયતની
30 અને જિ.પંચાયતની આઠ બેઠક માટે
હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયામાં ક્યાંક ઉત્સાહ, તો ક્યાંક નીરસતા જોવા મળી હતી. ગરમીનાં કારણે બપોરના સમયે મતદાનની ગતિ ધીમી
પડી હતી. ભુજ તા. પંચાયત માટે 68.49 ટકા અને જિ.પંચાયતની આઠ બેઠક માટે મતદારોએ પોતાના મતાધિકારનો
ઉપયોગ કર્યો હતો. ભુજ તાલુકા અને જિ. પંચાયત માટે કુલ 1,09,106 મતદારોમાંથી 76066 પુરુષ અને 68134 મહિલા મળી 1,43,122 મતદારોએ પોતાના મતાધિકારનો
ઉપયોગ કરતાં કુલ મતદાનની ટકાવારી 68.49 ટકા નોંધાઇ હતી. ધાણેટીમાં સૌથી વધુ 85 ટકા, તો દહીંસરામાં સૌથી ઓછું 36 ટકા મતદાન નોંધાયું હતું. જિ.
પંચાયતની આઠ બેઠક પૈકી ભીરંડિયારામાં 77.91, કેરામાં 67.73 ટકા, કુકમામાં 74.68 ટકા, માધાપરમાં 52 ટકા, નારાણપર (પ.)માં 61.64 ટકા, સુખપરમાં 53.06 ટકા, સુમરાસર ક્ષેત્રમાં 78.49 ટકા મતદાન નોંધાયું હતું. ગત
ચૂંટણીમાં 64 ટકા સામે આ વખતે ચાર ટકા વધુ
મતદાન નોંધાયું છે. - આહીરપટ્ટીમાં
જોવા મળ્યો ઉત્સાહ : કચ્છમિત્રની
ટીમે ભુજ અને અંજાર વિધાનસભા મતક્ષેત્રને આવરી
લેતા આહીરપટ્ટીના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે એકંદરે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સુમરાસર (શેખ) જિ. પંચાયત
અને તેમાં સમાવિષ્ટ તા.પંચાયત બેઠકો માટે સવારથી મતદારોએ બૂથ પર કતાર લગાવી હતી. બપોરે
એક વાગ્યા સુધી મતદાનની ટકાવારી નોંધપાત્ર જોવા મળી હતી, તો કુકમા જિ.પંચાયત હેઠળ આવતી કાળી તલાવડી તા.પંચાયત
બેઠક માટે પણ મતદારોએ તાપની પરવા કર્યા વિના લોકશાહીના યજ્ઞમાં આહુતિ આપી હતી. જો કે,
નાગોર, ઢોરી, રાયધણપર,
કુનરિયા જેવા ગામોમાં મતદાનની ટકાવારી નીચી રહેવા સાથે નીરસતા જોવા મળી
હતી. - પારંપરિક પહેરવેશમાં નિભાવી
પવિત્ર ફરજ : આહીરપટ્ટીમાં મહિલાઓએ ગામઠી પારંપરિક પહેરવેશમાં
મતદાન કરી પવિત્ર ફરજ નિભાવી હતી. સુમરાસર શેખની સ્કૂલના બૂથમાં મળી ગયેલા એક મહિલા
મતદારે કહ્યું કે, દરેકે મતદાન
અવશ્ય કરવું જ જોઇએ. મતદાન કરી એવો ઉમેદવાર પસંદ કરવો જોઇએ જે તમારી સમસ્યાના ઉકેલને
પ્રાધાન્ય આપે. - તડકામાં છાંયડાની
શોધ : કચ્છમિત્રની ટીમની મુલાકાત દરમિયાન મતદાનની
ટકાવારી પર તાપનો પ્રભાવ સ્પષ્ટપણે વર્તાતો જોવા મળ્યો હતો. ગામડાંમાં પારંપરિક રીતે વૃક્ષ નીચે બેસી ચૂંટણીની ચોપાટ કરતા લોકો તાપમાં
છાંયડો મેળવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા. મોટાભાગના બૂથ પર છાંયડા માટે મંડપ
બાંધવામાં આવ્યા હતા, તો દિવ્યાંગો
અને વૃદ્ધોને કોઇ અગવડતા ન પડે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો હતો. - મોબાઇલ રાખવાની માથાકૂટ : મતદાન મથકની અંદર મોબાઇલ લઇ જવાની મનાઇ
હોવાથી મતદાન મથક બહાર મોબાઇલ રાખવા મુદ્દે માથાકૂટ થતી જોવા મળી હતી. કેટલાક ગામમાં
આગેવાનોએ પોતાનો કચવાટ ઠાલવતાં કહ્યું કે, મોબાઇલ બૂથ બહાર રાખવાની કોઇ વ્યવસ્થા ન રખાતાં એમને એમ મોબાઇલ જેમતેમ કેમ
રાખી દેવો તેવો સવાલ ઉઠાવ્યો હતો. - ઠંડા પહોરમાં વધુ મતદાન : ગ્રામીણ વિસ્તારમાં પણ ગરમીનાં કારણે ઠંડા પહોરમાં વધુ મતદાન
થયાનું બે-બે કલાકના મળેલા આંકડા પરથી એ જોવા મળ્યું કે, 7થી 11 અને તે પછી સાંજે 5થી 6 વચ્ચે વધુ મતદાન થયું છે. - માધાપર જૂના - નવાવાસના બૂથો પર નીરસતા : એશિયાનાં સમૃદ્ધ અને ભાજપના ગઢ ગણાતા માધાપરમાં
જિલ્લા - તાલુકા પંચાયત માધાપર બેઠકના ઉમેદવારો માટે એકંદરે નીરસતા જોવા મળી હતી. કચ્છમિત્રની
ટીમે માધાપરના જૂના - નવાવાસ અને છેક વર્ધમાન નગર સુધી લીધેલી મુલાકાત દરમ્યાન એકલ-દોકલને
બાદ કરતાં મોટાભાગના બૂથો પર કર્મચારીઓ મતદારોની રાહ જોતા નજરે પડ્યા હતા. જો કે, આ ગામ ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપને સત્તા
સોંપ્યા સિવાય વર્ષોથી અહીં કોંગ્રેસનું શાસન રહ્યું છે, પરતું
લોકસભા, વિધાનસભા, જિલ્લા હોય કે તાલુકા
પંચાયતની ચૂંટણીમાં હંમેશાં ભાજપ તરફે રહ્યું હોવાથી ભાજપના ઉમેદવારો નાશ્ચિંત જોવા
મળ્યા હતા. - રામનગરીમાં
ભુજ નગરપાલિકાનું બૂથ : નવાવાસના રામનગરીની સરકારી પ્રાથમિક શાળામાં આ વખતે ભુજ નગર
પાલિકાના વોર્ડ નં. 10ના યોગેશ્વરધામ, હિલવ્યૂ, હીરાણી નગર,
શિવમ પાર્ક, ક્રિષ્નાપાર્ક જેવા વિસ્તારોના મતદારો
માટે બૂથની વ્યવસ્થા કરાઇ છે. - સેવા કરજો, ખિસ્સા ન ભરજો : માધાપરના સરસ્વતી વિદ્યાલયમાંથી મતાધિકારનો
ઉપયોગ કરી બહાર આવેલા ગામના વડીલ રવજીભાઈ ભુડિયાએ જણાવ્યું કે, લગભગ છેલ્લા 60 વર્ષથી મતદાન કરું છું, તેમણે દરેક મતદારોને ફરજિયાત મતદાન કરી લોકશાહીને
જીવંત રાખવા અનુરોધ કર્યો હતો. - મતદાનની ફરજ નિભાવવા અપીલ
: ગામના રબારીવાસ પાસે પાદુવાડીમાં મતનો ઉપયોગ
કરવા આવેલા 80 વર્ષીય નાનુબેન વિશ્રામ ધોળુએ
અવશ્ય મતદાન કરી મતદાતા તરીકેની ફરજ નિભાવવા અપીલ કરી હતી. - મતદાન કરવું જરૂરી છે : તો આ જ શાળામાં
થ્રી -વ્હીલર પર આવેલા 83 વર્ષીય પ્રેમજી
ખીમજી અને 86 વર્ષીય રામજી ખીમજી બંધુએ મતદાન
કરવું જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. - એકમાત્ર શ્રદ્ધા સ્કૂલમાં કતાર
દેખાઈ : ટીમની મુલાકાત દરમ્યાન માધાપરના તમામ બૂથ
પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી, પરતું જૂનાવાસમાં આવેલી શ્રદ્ધા સ્કૂલમાં મતદારોની કતાર જોવા મળી હતી. - મતદાનના પુરાવાની હાર્ડકોપીનો
આગ્રહ, તો ક્યાંક મોબાઈલમાં સોફ્ટકોપી
ચલાવાઈ : મતદાન માટે ચૂંટણીપંચે મતદાતા સરકારી 14 પુરાવા માન્ય રાખ્યા હતા, માધાપરના કેટલાક બૂથો પર ગયેલા અમુક મતદાતાઓ
આ પુરાવા મોબાઈલમાં બતાવ્યા હતા, પરતું ફરજ પરના કર્મચારીઓએ આ
પુરાવાની ઓળખના પુરાવાની હાર્ડકોપીનો દુરાગ્રહ કરાતો હતો, તો
કેટલાક કર્મચારીઓ મોબાઈલમાં સોફ્ટકોપીથી ચલાવી લેતા હતા, જેના
કારણે મોટી ઉંમરના મતદાતાઓ હેરાન થયા હતા. - બન્નીના મતદારોમાં ઉત્સાહ : બન્નીના ભિરંડિયારા
જિલ્લા અને તાલુકા પંચાયત, ખાસ તાલુકા
પંચાયત અને સરાડા તાલુકા પંચાયતની સીટ પર વહેલી સવારથી જ મતદાન મથકોએ મતદાતાઓની કતારો
જોવા મળી હતી. પશુપાલક અને મજૂર વર્ગની બહોળી સંખ્યા ધરાવતા બન્ની વિસ્તારના લોકોએ
લોકશાહી પર્વમાં ભાગ લીધો હતો તેમજ દૂધની ગાડીઓ તેમજ અન્ય વાહનો મારફત મતદારોને મતદાન
મથકે લઇ આવવામાં આવ્યા હતા. ધોમધખતા તાપ વચ્ચે મોટી ઉંમરના મતદારોએ મતદાન કર્યું હતું.
- કુકમામાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન
: સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું મતદાન કુકમા મધ્યે
શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું. સવારથી જ છૂટાછવાયા મતદારો મતદાન મથક પહોંચતા દેખાતા
હતા. બપોર બાદ મતદાન મથક સુધી ન પહોંચેલા મતદારો માટે રાજકીય પક્ષોએ જહેમત લેવી પડી
હતી. જો કે, બપોરની કાળઝાળ ગરમીએ આકરી
પરીક્ષા લીધી હતી. 80થી 85 વર્ષની વયના મતદારોએ પણ હાથમાં
છત્રી અને બંકોડો લઇ મતદાનની ફરજ નિભાવી હતી. સરેરાશ 62.70 ટકા મતદાન થયું હતું. - માધાપરમાં
કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો : ભુજ, તા. 26 : આજે સાંજે ચારેક વાગ્યે માધાપરમાં
કોંગ્રેસ તરફના ઉમેદવાર નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો
છે. ભુજ તાલુકા પંચાયતની માધાપર જૂનાવાસ-બેની બેઠક પર કોંગ્રેસ તરફથી ઉમેદવાર નરેન્દ્રસિંહ
જાડેજા ઉપર આજે સાંજે ચારે વાગ્યે શ્રદ્ધા સ્કૂલ પાસે શક્તિસિંહ વાઘેલા, દિવ્યરાજસિંહ વાઘેલા, રાજદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ ચૌહાણ તથા અન્ય શખ્સોએ
માર મારતાં ઈજાના પગલે તેમને સારવાર અર્થે તેમનો પુત્ર જયરાજસિંહ જાડેજા લઈ આવ્યો હતો
અને હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરી હતી. બીજીતરફ ઘાયલ નરેન્દ્રસિંહના ખબરઅંતર
પૂછવા આવેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે હોસ્પિટલમાં મીડિયાને જણાવ્યું
હતું કે, પ્રતિપક્ષ ભાજપના ઉમેદવારના પરિજનોએ હુમલો કર્યો છે.
ટોળાંને દૂર કરવા નરેન્દ્રસિંહે પોલીસને કહેતાં હુમલો કર્યો હોવાનું જણાવી તરત કાર્યવાહી
કરવા તેમણે માંગ કરી હતી.