• સોમવાર, 27 એપ્રિલ, 2026

કચ્છ બન્યું અગનગોળો : પારો 45ને પાર

ભુજ, તા. 26 : રવિવારે `રવિ'નો પ્રકોપ કચ્છ પર અગનગોળો બનીને વરસ્યો હતો. લૂ ઓકતા ઉની વાયરા સાથે વરસતી અગનજ્વાળા વચ્ચે અંજાર-ગાંધીધામને આવરી લેતાં કંડલા (એ.)માં મહત્તમ પારો 45.2 ડિગ્રીએ પહોંચતાં વિક્રમી તાપ સાથે આ વિસ્તાર રાજ્યનો મોખરાનું ગરમ મથક બન્યું હતું. એક જ દિવસમાં મહત્તમ પારો પાંચ ડિગ્રી ઊંચકાતાં જનજીવન અગનવર્ષાથી તોબા પોકારી ઊઠયું હતું. જિલ્લા મથક ભુજમાં પણ અડધો ડિગ્રીના વધારા સાથે પારો 43.8 એટલે કે 44 ડિગ્રીથી સાવ નજીક પહોંચતાં મધ્યાહ્નકાળના સમયે આકરા તાપે શહેરીજનોની અગન કસોટી કરી હતી. લૂવર્ષાની આણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સ્પષ્ટ રીતે વર્તાયેલી જોવા મળી હતી. કચ્છમાં સૌથી ઓછું મતદાન ભુજ અને અંજાર-ગાંધીધામ વિસ્તારમાં નોંધાયું હતું. નલિયા અને કંડલા પોર્ટમાં પણ સરેરાણ બેથી ત્રણ ડિગ્રીના વધારા સાથે મહત્તમ પારો 40 ડિગ્રી નજીક પહોંચ્યો હતો. રાત્રિનું તાપમાન પણ 24થી 26 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતાં રાત્રિના સમયે ઉકળાટે લોકોને આકુળ-વ્યાકુળ કર્યા હતા. સવારે 10 વાગતાંની સાથે જ આભમાંથી અંગારા વરસવાનું શરૂ થઇ ગયું હતું. બપોરના બારથી ચાર વાગ્યા સુધી તો લૂવર્ષા સાથે તાપનો માર તેની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. સાંજે છ વાગ્યા બાદ પણ ગરમ પવન ફૂંકાવવાનું જારી રહેતાં કચ્છની તાસીર અનુસારની શીતળતાનો અનભુવ થયો નહોતો. - એપ્રિલમાં પારો 47 ડિગ્રીએ પહોંચ્યો છે : એપ્રિલની વાત કરીએ તો આ માસમાં જિલ્લામાં મહત્તમ પારો 41 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર 1 એપ્રિલ, 23ના ભુજમાં પારો 47.8 ડિગ્રી નોંધાયો હતો, તો સરેરાશ આ મહિનામાં જિલ્લાનું તાપમાન 44-45 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતું રહ્યું છે. - બે દિવસ ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી : હવામાન વિભાગે વધુ બે દિવસ માટે ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ પારો 41થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા દેખાડાઇ છે. ભુજના સ્થાનિક વર્તારામાં સોમવારે પારો 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. 

Panchang

dd