ગાંધીધામ, તા. 26 : મિનિ મુંબઈ અને કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ નગરમાંથી મહાનગર બન્યા બાદ આજે મહાનગરપાલિકાની પ્રથમ અને ઐતિહાસિક ચૂંટણી યોજાઈ હતી. આ પ્રથમ જંગમાં ઈતિહાસ રચવા સવારથી મતદોરમાં ક્યાંક ભારે ઉત્સાહ, તો ક્યાંક નીરસતાનાં વાદળો છવાયાં હતાં. અનેક લોકોના બૂથ બદલી જતાં લોકોએ મત આપવાનું ટાળ્યું હતું. ક્યાંક પતિનું અલગ વોર્ડમાં, તો પત્નીનું નામ અલગ વોર્ડમાં આવ્યું હતું. માથું ફાડી નાખે તેવો આકરો તાપ, બૂથ બદલવાની સમસ્યા વગેરે કારણોથી આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 46.01 ટકા સાથે ઓછું મતદાન નોંધાયું હતું. અનેક જગ્યાએ મતદારોને સ્લિપનું વિતરણ પણ પૂર્ણ રીતે થયુ ન હોવાથી મતદાન ઉપર પણ તેની અસર જોવા મળી હતી. - મતદારોની પરીક્ષા : કાળઝાળ ગરમી અને માથું ફાડી નાખે તેવા તાપે માત્ર મતદારો જ નહીં, પણ ખડેપગે રહેલા પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ અને રાજકીય કાર્યકરોની પણ આકરી પરીક્ષા લીધી હતી. બપોરના સમયે સૂર્યદેવના પ્રકોપને કારણે મતદાન મથકો પર જાણે કર્ફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો અને મતદાન મથકો સૂનકાર ભાસતા હતા. પડાણા ગામમાં સવારે 11:30ના અરસામાં મતદારોની લાઈનો જોવા મળી હતી. બીજી તરફ મીઠીરોહરમાં પણ મધ્યાહ્ને લોકશાહીનાં પર્વને ઊજવવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામમાં આવેલા તમામ બૂથો પર લાઈનો લાગી હતી. ખારીરોહરમાં પણ બપોર સુધી આ ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો. ગળપાદરમાં સવારથી બપોર સુધી લોકો મતાધિકારનો ઉપયોગ કરવા નીકળ્યા હતા, પરંતુ બપોર પછી નિરુત્સાહ જણાયા હતા. અંતરજાળમાં સોસાયટી વિસ્તારના બે બૂથોમાં સવારના ભાગે એકલ- દોકલ મતદારો નજરે પડયા હતા, તો અન્ય ચાર બૂથોમાં મતદારોની લાઈનો જોવા મળી હતી. શિણાય ગામના બૂથો ઉપર તાપ પહેલાં મતદાન કરવા લોકો ઊમટી પડયા હતા. કિડાણામાં સોસાયટી વિસ્તારનાં મતદાન મથકો ઉપર ક્યાંક લાઈનો, તો ક્યાંક ઉત્સાહ ઓછો દેખાયો હતો, જ્યારે કિડાણા ગામના મતદાન મથકો ઉપર સવારથી બપોર સુધીના ગાળામાં લોકોએ ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીધામ શહેરના મધ્યમવર્ગીય એવા વોર્ડ-10માં આવતા ભારતનગરનાં મતદાન બૂથો ઉપર સવારથી બપોર સુધી લાઈનો લાગી હતી. બપોરે શાંતિ બાદ પરત મતદારો આવતાં અહીં જણાયા હતા. ગુ. હા. બોર્ડ, ગણેશનગર, સથવારા કોલોની, સેક્ટર-5માં લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. 400 ક્વાર્ટર, મુખ્ય બજારમાં મતદારો જુદા-જુદા કારણોથી ઘરમાંથી બહાર નીકળ્યા નહોતા, જેના કારણે મતદારોની પાંખી હાજરી જણાતી હતી. - મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં બહારના ઉમેદવારોથી લોકો નારાજ : મહાપલિકાની પ્રથમ અને ઐતિહાસિક એવી આ ચૂંટણીમાં રાજકીય પક્ષોએ સ્થાનિકની જગ્યાએ બહારના ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરતાં લોકોમાં તથા ખુદ પક્ષના કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવા છતાં સ્થાનિકોને ટિકિટ ન અપાઈ હોવાનો બળાપો પણ કાર્યકરોએ કાઢ્યો હતો. આવા મુદ્દાઓને લઈને અનેક જગ્યાએ ચૂંટણી ઉત્સાહ વગરની જણાતી હતી. - બપોર પછી રાજકીય પક્ષોની દોડધામ : બપોર સુધી જોઈએ તેવું મતદાન ન થતાં અને મંદગતિ જોઈને રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. હાર-જીતના ડર વચ્ચે કાર્યકરોએ દોડધામ શરૂ કરી હતી અને ઘરે ઘરે જઈને મતદારોને બહાર લાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. આટલી મહેનત છતાં અપેક્ષા મુજબનું તોતિંગ મતદાન ન થયું હોવાનું ચિત્ર સપાટી પર આવ્યું હતું. - 13 વોર્ડની 51 બેઠક પરની ચૂંટણીમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ : મહાનગરના 13 વોર્ડની 52 પૈકી એક બેઠક બિનહરીફ થયા બાદ આજે યોજાયેલી ચૂંટણીમાં રાજકીય પક્ષોએ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા હતા. સેક્ટર-5માં મતદાન બૂથ સુધી જઈને મતદારોને રીઝવવાના પ્રયાસો અંગે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા. દરમ્યાન પોલીસે આવી જઈ દરમ્યાનગીરી કરી બંને પક્ષોના લોકોને બહાર લઈ જવાયા હતા. એક સમયે વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો, તો ક્યાંક પક્ષની પેનો, ચોપડીઓ સાથે પક્ષના કાર્યકરો બેઠા હોવાના આક્ષેપ કરાયા હતા તેમજ વોર્ડ-1માં આવેલી એક આંગણવાડીમાં મતદાન મથકના દરવાજા પર બેસીને લોકોને તેમનાં નામ જોઈ આપતા રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અંગે તંત્રનું ધ્યાન દોરાતાં તેમને ત્યાંથી ખસેડાયા હતા. - ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચૂંટણીને શાંતિપૂર્ણ : માહોલમાં સંપન્ન કરવા માટે સમગ્ર 13 વોર્ડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સંવેદનશીલ બૂથો પર વધારાના જવાનો તૈનાત કરાયા હતા. રાજકીય દિગ્ગજ નેતાઓએ પણ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને લોકશાહીના આ પર્વમાં જોડાવા અપીલ કરી હતી. - સવારથી સાંજ સુધીનાં મતદાનની ટકાવારીમાં ઉતાર-ચડાવ : 51 બેઠકો માટે થયેલ મતદાનમાં સવારના લોકોએ રવિવારના આળસ કરી હોય તેમ બે કલાકમાં માત્ર 4.21 ટકા મતદાન થયું હતું. 9થી 11માં દશેક ટકાનો વધારો થતાં ટકાવારી 14.91એ પહોંચી હતી, જ્યારે 11થી 1ના ગાળામાં અગિયારેક ટકા વધતાં આ ટકાવારી 25.52એ પહોંચી હતી. આ ગાળામાં જ સૌથી વધુ મતદાન થયું હતું. બપોરે 1થી 3માં નવેક ટકા વધતાં મતદાનની ટકાવારી 33.19એ પહોંચી હતી જ્યારે અંતિમ બે કલાકમાં માત્ર સાતેક ટકાના વધારા સાથે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 39.85 ટકાએ આંકડો થંભી ગયો હતો અને અંતે એક કલાકના જોર બાદ ગાંધીધામ મહાપાલિકાનાં મતદાનનો આંકડો 46.01ની ટકાવારીએ પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગત નગરપાલિકાની ચૂંટણીમાં આ મતદાન 44.28 ટકાએ અટક્યું હતું. જો કે, આ વખતે બે ટકાનો ઉછાળો આવ્યો હોવાનું સમજાય છે. - પરિવર્તન કે પુનરાવર્તન ? લોકોમાં ચર્ચા : ઓછા મતદાનની ટકાવારીએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. શહેર-સંકુલમાં પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે શું આ ટકાવારી સત્તાધારી પક્ષનું પુનરાવર્તન કરાવશે કે પછી જનતાએ છુપા મનથી પરિવર્તનનો પંજો કે ઝાડુ ફેરવ્યું છે ?