નખત્રાણા, તા. 6 : નખત્રાણા તાલુકાના બિબ્બર નજીક
આવેલા ઓરિડા ડેમના તટ ઉપર ગડુવાદાદાનાં સ્થાનકે 25મો પાટકોરી મહોત્સવ-રજત જયંતી મહોત્સવ ધાર્મિક કાર્યક્રમો સાથે
ઊજવવામાં આવ્યો હતો. સ્થાનકે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમો સાથે પાટકોરી મહોત્સવનું
આયોજન કરવામાં આવ્યું હતું. આરાધીવાણીની રમઝટ બોલાવાઈ હતી તેમજ બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક
કાર્યક્રમો કરાયા હતા. પાટકોરી મહોત્સવમાં કચ્છ-ગુજરાત- રાજસ્થાન, બરાડી, હાલારથી ગડુવાદાદાના
સેવકોએ પહોંચી માથું ટેકવ્યું હતું. માલધારી સમાજ ઊમટી પડયો હતો. બે દિવસ સુધી ઓરિડાના
સીમાડામાં આરાધીવાણીનો નાદ ગુંજ્યો હતો. પાટકોરીના
મુખ્ય યજમાન તરીકે વડવા ભોપાના ભોપા જેસા લખમીર રહ્યા હતા અને ગડુવાદાદાને સ્વ. ભોપા
વેલા રાજા પરિવાર દ્વારા 52 ગજની ધજા
ચડાવવામાં આવી હતી. 25મા પાટકોરી
મહોત્સવના મુખ્ય યજમાન ભોપા જેસા લખમીરનું વડવા ભોપા ગડુવાદાદા સેવા સમિતિ દ્વારા વિશિષ્ટ
સન્માન કરવામાં આવ્યું હતું. વિકાસમાં સિંહફાળો આપવા બદલ જેસા ભોપાની કામગીરીને સમાજ
વતીથી બિરદાવવામાં આવી હતી. છેલ્લાં 25 વર્ષથી અહીં દાદાનાં મંદિરનો વિકાસ કરાઈ રહ્યો છે. રસ્તા, કોમ્યુનિટી હોલ, શેડ,
વન કુટિર, ભોજનાલય તેમજ મંદિર પરિસરનો ખૂબ વિકાસ
કરાયો છે તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગઢસીસા અંબેધામથી ચંદુમા,
બિબ્બરથી જગજીવનદાસ દાદા તેમજ મોરજર અખાડાથી દિલીપદાદા કાપડી સહિતનાઓએ
પ્રસંગિક ઉદ્બોધન કરી આશીર્વચન પાઠવ્યા હતા અને આરાધીવાણીનાં માધ્યમથી રબારી સમાજનો
અનહદ નાદ સાથે કનેક્શન રહ્યો છે. પાટકોરી તથા આરાધીવાણી જીવિત રાખવા માટે રબારી સમાજે
તથા ભક્તો-મંડળીએ જ્યોત જલતી રાખીને સંસ્કૃતિનું જતન કર્યું છે. રબારી સમાજ વ્યસન,
ફેશન અને કુરિવાજોથી દૂર રહી દેવત્વ સાથે જોડાઈ અલખનો નાદ જગાવી રહ્યા
છે અને સનાતન સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે, એવું સંતોએ જણાવ્યું
હતું. ભોપા કાયા દેવશી, ભોપા જેસા લખમીર, ભોપા સામત દેવા, ભોપા રવા લાખા, ભોપા હીરા કલા, ભોપા વંકા રાણા, ભોપા વેરસી રાણા, ભોપા વેસા લખમીર,
વડવાના સરપંચ દેવા ભોપા હીરા, ભોપા રાજા દેવા,
ભોપા મમુદેવા, ભોપા રામા દેવસી, ભોપા પેના ખેંગાર, લાખા ભોપા, ભોપા
વરજાંગ રામા, ભોપા આસા રામા, સહિતના વડવા
ભોપા, ભોપાવાંઢથી મોટી સંખ્યામાં ભૂવાજીઓ હાજર રહ્યા હતા. જિલ્લા
ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ રવિભાઈ ગરવા,
અમૃતભાઈ ગરવા, બાબુભાઈ શેખાણી, નરસી માસ્તર, પ્રવીણભાઈ રૂપાણી, નિરોણા સરપંચ એન.ટી. આહીર, રબારી સમાજના પૂર્વ પ્રમુખ
ખેંગાર રબારી, માંડણભાઈ
રાણાભાઇ રબારી, મંગલભાઈ વેલાભાઈ રબારી, માંડા ભોપા, જેઠા માંડા રબારી, વેલા કમા રબારી, વિશાલ ભોપા, ભામુ
ભોપા સહિતના મોટી સંખ્યામાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી દાદાના અનુયાઈવર્ગે હાજરી પૂરાવી
હતી. સંચાલન રબારી વંકા, મમુ જેસા રાજા, રણધીર વેસા દ્વારા કરવામાં આવ્યું હતું.