ભુજ, તા. 12 : વિશ્વને સફેદ રણની ઓળખ કરાવતા રણ મહોત્સવનો આરંભ
ગઈકાલથી થઈ ગયો છે અને કચ્છમાં દેશ-વિદેશના પ્રવાસીઓનું આગમન પણ શરૂ થઈ ગયું છે. કચ્છની
પ્રવાસન મોસમનો આરંભ થયો, ત્યારે ટેન્ટ બુકિંગ સિવાય સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓની
સુવિધા સાચવવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા ખાસ ભુજથી ધોરડો સુધીની
બસ સેવાનો આરંભ કરાયો છે. ભુજ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામકની એક યાદીમાં જણાવાયા
મુજબ જિલ્લા કલેક્ટરની સૂચના તથા તેમની સાથે પરામર્શ કરાયા પછી આ સેવાનો આરંભ કરાયો
છે. ભુજથી ધોરડો જવા સવારના 8.30, બપોરના એક તથા 2.30 વાગ્યે બસ રવાના થશે. એ જ રીતે
ધોરડોથી પરત ભુજ આવવા માટે સવારના 11.15, સાંજે છ તથા સાત વાગ્યે બસ ઉપડશે. પ્રવાસીઓને
તેનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો છે.