નવી દિલ્હી, તા. 22 : ભારત અને અમેરિકા વચ્ચે થનાર
વચગાળાની મુક્ત વેપાર સંધિ પર વાતચીતને અચાનક બ્રેક લાગી ગઇ હોવાના વાવડ મળ્યા છે. બન્ને દેશના મુખ્ય વાર્તાકારો વચ્ચે
આવતીકાલે સોમવારે વોશિંગ્ટનમાં શરૂ થનારી વાતચીત હાલ ટાળી દેવાઇ છે. અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો પર પહેલાં 10 પછી તરત વધારીને 15 ટકા ટેરિફ લાગુ કરતાં સર્જાયેલી મૂંઝવણની સ્થિતિ વચ્ચે મહત્ત્વની
બેઠક ટળી છે. બન્ને દેશોએ પહેલાંથી વચગાળાના વેપાર કરાર પર માર્ચ સુધી હસ્તાક્ષર કરીને
એપ્રિલથી લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આવતીકાલે નિર્ધારિત બેઠકમાં ભારત વતી વાણિજ્ય
મંત્રાલયના સંયુક્ત સચિવ દર્પણ જૈન મુખ્ય વાર્તાકાર હતા. ભારતીય ટીમ ત્રણ દિવસ અમેરિકામાં
રહીને ચર્ચા કરવાની હતી. આ બેઠકનો હેતુ વચગાળાની વેપાર સંધિના કાનૂની દસ્તાવેજને અંતિમ
રૂપ આપવાનો હતો. આ સમજૂતી ભારત માટે ઘણી મહત્ત્વપૂર્ણ એ માટે છે કે, અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર
છે.