• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

સુપર-8 : ઇંગ્લેન્ડની 51 રને જીત

પલ્લેકલે, તા. 22 : ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડના ગ્રુપ-2ની મેચમાં સહયજમાન ટીમ શ્રીલંકા સામે પ1 રનની મહાજીત સાથે ઇંગ્લેન્ડ ટીમે આગેકૂચ કરી છે. 147 રનના વિજય લક્ષ્યાંક સામે ધીમી અને ટર્નિંગ પિચ પર શ્રીલંકાનો 16.4 ઓવરમાં 9પ રનમાં ધબડકો થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી ઓપનર ફિલ સોલ્ટે 62 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જ્યારે વિલ જેકસે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે ઝડપી 21 રન કર્યાં હતા અને 22 રનમાં 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના કપ્તાન દાસૂન શનાકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. તેનો આ જુગાર લગભગ સફળ રહ્યો હતો. ફિલ સોલ્ટ સિવાયના ઇંગ્લીશ બેટર ક્રિઝ પર ટકી શકયા ન હતા. સોલ્ટે 40 દડામાં 6 ચોગ્ગા-2 છગ્ગા સાથે 62 રનની અતિ કિંમતી ઈનિંગ રમી હતી. જોસ બટલર 7, જેકબ બેથલ 3, ટોમ બેન્ટોન 6, કપ્તાન હેરી બ્રુક 14 અને સેમ કરન 11 રન કરી સસ્તામાં આઉટ થયા હતા. વિલ જેકસે 14 દડામાં 4 ચોકગ્ગા સાથે 21 રન કરી ઈંગ્લેન્ડનો સ્કોર 20 ઓવરમાં 9 વિકેટે 146 રન સુધી પહોંચાડયો હતો. શ્રીલંકા તરફથી દુનિથ વલ્લાગલેએ 3 વિકેટ લીધી હતી. મધુશંકા અને તિક્ષ્ણાને 2-2 વિકેટ મળી હતી. 147 રનના વિજય લક્ષ્યાંક સામે શ્રીલંકાનો પ્રારંભથી જ ધબડકો થયો હતો. પ વિકેટ ફકત 34 રનમાં પડી ગઇ હતી. આથી તેની હાર નિશ્ચિત બની ગઇ હતી. કપ્તાન શનાકાએ 30 રન કરી હારનું અંતર ઓછું કર્યું હતું. પથૂમ નિસંકા 9, કુસલ મેન્ડિસ 4, પવન રત્નાયકે 0, કામિન્ડુ મેન્ડિસ 13 રને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી વિલ જેકસે 3 વિકેટ લીધી હતી. જ્યારે જોફ્રા આર્ચર, લિયામ ડાઉસન અને આદિલ રશિદે 2-2 વિકેટ લીધી હતી. 

Panchang

dd