નખત્રાણા, તા. 22 : અહીં સરકારી નોકરીમાં ભરતી
થવા માટેની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. લક્ષ્ય નક્કી કર્યા બાદ લાયકાત મુજબ
સરકારી નિયમોનો અભ્યાસ, ચિંતન,
પ્રયત્નો કરવાથી નોકરી મેળવવામાં સફળતા મળે છે, તેવું પ્રાંત અધિકારી મદદનીશ નાયબ કલેક્ટર ઉત્સવ ઉજ્જવલે સમજણ આપી હતી. આયોજનને
બિરદાવતાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શિક્ષિત છાત્રોને સરકારી નોકરીની પરીક્ષા
માટે જાગૃતિ સાથે તૈયારી કરવા જણાવ્યું હતું. વિવિધ શૈક્ષણિક પરીક્ષાઓનું કેન્દ્ર નખત્રાણામાં
સ્થાપિત કરવા માટે શિક્ષણ વિભાગને કરાયેલી રજૂઆતથી છાત્રોની મુશ્કેલીઓનું નિવારણ થશે
તેવી આશા વ્યક્ત કરાઇ હતી. આજના શિક્ષિત યુવાઓમાં નિરાશા અને ચિંતા હોવી એ ચિંતાનો
વિષય છે. માનસિક રીતે યુવાનોને હતાશામાંથી બહાર લાવવાની રાષ્ટ્રને જરૂર હોવાનું નારાયણ
જોશી કારાયલે જણાવ્યું હતું. વિદ્યા એ સારા માનવ બનવાનું સર્વોત્તમ સોપાન છે,
વિદ્યાપ્રાપ્તિ પછી આગળના પ્રકલ્પો માટે શિક્ષિતોએ પ્રયાસ કરવા જોઇએ,
તેવી જી.એમ.ડી.સી. કોલેજના આચાર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સમજ આપી હતી.
ચેમ્બર્સ ઓફ કોમર્સ કોમ્યુનિટી હોલમાં પલક એકેડેમી આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં
દીપ પ્રાગટય બાદ લહેરીકાન્ત ગરવાએ સેમિનારનો ઉદ્દેશ સમજાવ્યો હતો. અગ્રણીઓનું હિરેન
વ્યાસ દ્વારા સન્માન કરાયું હતું. સંચાલન અને આભારવિધિ શ્રી ગરવાએ કરી હતી. મંચ પર
યોજાયેલી પ્રશ્નોત્તરીના પ્રત્યુત્તર મદદનીશ કલેક્ટરે આપ્યા હતા. ડો. વી. એસ. રાઠોડ,
પૂર્વ સરપંચ ચંદનસિંહ રાઠોડ, ડો. સુભાષ જોશી,
ના. મામલતદાર પાર્થ જોશી, નખત્રાણાની કોલેજ,
માધ્યમિક શાળાઓ, છાત્રાલયોના અધિકારીઓ તથા માર્ગદર્શનના
ઇચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા.