અમદાવાદ, તા. 22 : ટી-20 વિશ્વ કપમાં ટીમ ઇન્ડિયાના
સતત 12 મેચથી ચાલ્યા આવતા વિજયરથ પર
દ. આફ્રિકાએ લગામ કસી છે. સુપર-8 રાઉન્ડની
આજની મેચમાં ભારત સામે દ. આફ્રિકાનો 76 રને શાનદાર વિજય થયો હતો. આથી ભારતીય ટીમની 2024થી ચાલી રહેલ વિશ્વ કપ જીતનો
ક્રમ થંભી ગયો હતો. 188 રનના વિજય
લક્ષ્યાંક સામે સૂર્યસેના 18.પ ઓવરમાં
111 રનમાં ઢેર થઇ જતાં ટૂર્નામેન્ટમાં
પહેલીવાર પરાજયની પીડા સહન કરવી પડી હતી. આફ્રિકા તરફથી મિલરની અર્ધસદી પછી પ્રભાવશાળી
પ્રદર્શન કરતા ચાર વિકેટ ખેરવનાર માર્કો યાનસને વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આફ્રિકાની શાનદાર બોલિંગ-ફિલ્ડિંગ સામે ભારતનો કોઇ બેટધર ક્રિઝ પર ટકી શક્યો ન હતો.
શિવમ દુબેએ સર્વાધિક 42 રન કર્યા
હતા. 3 ઝીરો પછી અભિષેકે 1પ રન કર્યા હતા. ઇશાન ખાતું ખોલાવી શક્યો
ન હતો. તિલક એક રન જ કરી શક્યો હતો. પાવર પ્લેમાં 31 રનમાં 3 વિકેટ ગુમાવી
દેવાથી ભારતીય ટીમના હાથમાંથી મેચ સરકી ગઈ હતી. આ પછી સૂર્યકુમાર 18, સુંદર 11 અને હાર્દિક 18 રન કરી આઉટ થયા હતા. માત્ર
51 રનમાં અડધોઅડધ ટીમ ઈન્ડિયાએ
પેવેલીયનની વાટ પકડી હતી. પ્રોટીસ બોલિંગ આક્રમણ સામે ભારતની અગ્રહરોળ શરૂઆતમાં જ કડડડભૂસ
થઈ ગઈ હતી. ઈશાન કિશન, અભિષેક શર્મા,
તિલક વર્મા, સુકાની સૂર્યકુમાર યાદવ સહિત બેટધરો
ક્રિઝ પર જામી શક્યા નહોતા. કેશવ મહારાજે 1પમી ઓવરમાં હાર્દિક, રિંકુ અને અર્શદીપની વિકેટ લીધી હતી. ખાસ વાત એ રહી હતી કે, આ ત્રણેયના કેચ સ્ટબ્સે ઝડપી લીધા હતા.
અગાઉ દ. આફ્રિકી કપ્તાન એડન માર્કરમે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. પ્રારંભે
તેનો આ જુગાર નિષ્ફળ રહ્યો હતો અને પાવર પ્લેમાં જ 41 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અનુભવી ડેવિડ
મિલર (63) અને યુવા ડેવાલ્ડ બ્રેવિસ
(4પ) વચ્ચેની ચોથી વિકેટની ભાગીદારીથી ભારતીય
બોલર્સ ભીંસમાં આવી ગયા હતા. ડેથ ઓવર્સમાં ટ્રિસ્ટન સ્ટબ્સે પાવર હિટિંગ કરી અણનમ 44 રન કર્યા હતા. આથી દ. આફ્રિકાએ
20 ઓવરમાં 7 વિકેટે 187 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ડિ'કોક (4) અને રિકલ્ટન (7) શરૂઆતમાં બુમરાહના શિકાર બન્યા હતા, જ્યારે અર્શદીપે આફ્રિકી કપ્તાન માર્કરમ (4)ની વિકેટ લીધી હતી. 20 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ મિલર અને બ્રાવિસે ભારતીય
બોલર્સ પર કાઉન્ટર એટેક કરી આફ્રિકાની વાપસી કરાવી હતી. આ બંને વચ્ચે ચોથી વિકેટમાં
પ1 દડામાં 97 રનની વિદ્યૃતવેગી ભાગીદારી થઇ હતી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાનો
ટ્રમ્પ કાર્ડ વરૂણ ચક્રવર્તી પણ ધોવાઇ ગયો હતો. બ્રાવિસ 29 દડામાં 3 ચોગ્ગા,
3 છગ્ગાથી 4પ અને મિલર 3પ દડામાં 7 ચોગ્ગા,
3 છગ્ગાથી ધૂંઆધાર 63 રને આઉટ થયા હતા. અંતમાં ટ્રિસ્ટન
સ્ટબ્સ 24 દડામાં 1 ચોગ્ગા,
3 છગ્ગાથી 44 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે
ઇનિંગના આખરી બે દડામાં બે છક્કા ફટકાર્યા હતા. આથી હાર્દિકે અંતિમ ઓવરમાં 20 રનનો ખર્ચ કર્યો હતો, જેથી આફ્રિકાનો ટોટલ 187 રને પહોંચ્યો હતો. બુમરાહે
ફરી એકવાર શાનદાર બોલિંગ કરી 1પ રનમાં 3 વિકેટ લીધી હતી. અર્શદીપને 2 વિકેટ મળી હતી. શિવમ અને વરૂણના ફાળે 1-1 વિકેટ રહી હતી.