રાપર, તા. 22 : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા
મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ
દ્વારા ખાસ મોકલાવાયેલા મોબાઈલ જાગૃતિ વાન દ્વારા `બાળલગ્ન મુક્ત ભારત અભિયાન'નો આરંભ કરાયો હતો. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી
(NALSA))ના 100 દિવસીય દેશવ્યાપી અભિયાન અંતર્ગત
રાપર ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ
અને ISSAR NGOના સહયોગથી રવેચી મંદિરેથી આ કાર્યક્રમનો આરંભ કરાયો હતો, જેમાં મોબાઈલ જાગૃતિ વાહન દ્વારા રાપર વિસ્તારનાં
વિવિધ ગામમાં આ રેલી દ્વારા બાળલગ્ન મુક્ત અભિયાન, બાળકોને લગતા
કાયદાઓ, મફત કાનૂની સેવા વિગેરે બાબતે જાગૃતતા ફેલાવવાનું કાર્ય
શરૂ કરાયું હતું. આ પ્રસંગે ભુજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બી. એમ. પ્રજાપતિ, ISSAR સંસ્થાના સેજલબેન જોશી, સમાજ સુરક્ષા અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના
કર્મચારીઓ ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ યોજાયેલી રેલીમાં
લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ બાળલગ્ન જેવી સામાજિક બદી નાબૂદ કરવા સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
આ મોબાઈલ વાન કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં જઈ લોકોને મફત કાનૂની સહાય અને બાળ લગ્ન
વિરોધી કાયદાઓ વિશે શિક્ષિત કરશે.