નવી દિલ્હી, તા. 16 : કિંમતી
ધાતુની શુદ્ધતા સામે સવાલ સર્જી, લોકોમાં ઉચાટ જગાવનારા સમાચારમાં
કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ) દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરાયો છે કે,
હોલમાર્કવાળું સોનું શુદ્ધ જ છે, તેની ગેરંટી નથી.
દેશની સૌથી મોટી સરકારી ઓડિટ સંસ્થા `કેગ' તરફથી સોનાંની શુદ્ધતાની તપાસ કરતી સંસ્થા બીઆઈએસની કામગીરીની તપાસ કરાઈ છે.
તપાસ બાદ `કેગ'ના અહેવાલમાં
એવો ખુલાસો કરાયો છે કે, બ્યૂરો ઓફ ઈંડિયન સ્ટાન્ડર્ડસ (બીઆઈએસ)
બજારમાં વેચાઈ રહેલાં હોલમાર્ક સોનાંની શુદ્ધતા પર યોગ્ય રીતે નજર રાખી શકતી નથી. પરિણામે,
સામાન્ય ગ્રાહકો સાથે છેતરપિંડી થવાનું જોખમ વધી જાય છે. નિયમ મુજબ,
બીઆઈએસ સંસ્થાએ વર્ષમાં કમસેકમ એક વખત જ્વેલર્સની દુકાનો પર જઈને ખરેખર
શુદ્ધ સોનું વેચે છે કે નહીં તેની તપાસ કરવાની હોય છે. `કેગ'ના મુસદ્દા અહેવાલમાં બીઆઈએસની આ તપાસ કામગીરી સામે સવાલ ઊઠાવાયા છે. જેમાં
જણાવાયું છે કે, 2020-21થી પાંચ વર્ષમાં બીઆઈએસ 80 ટકા
રજિસ્ટર્ડ જ્વેલર્સની દુકાનો પર તપાસ માટે પહોંચી જ નથી. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય તરફથી અંતિમ પ્રતિક્રિયા મળી ગયા બાદ કેગનો
આ અહેવાલ સંસદમાં રજૂ કરાશે. દેશના 392 જિલ્લામાં હોલમાર્ક વગરનાં સોનાંનું
વેંચાણ ગેરકાનૂની છે. એટલે જ લગભગ 2.3 લાખ જ્વેલર્સની દુકાનોની બીઆઈએસમાં
નોંધણી કરાવાઈ છે. 2024-25માં કુલ્લ 28,865 લાયસન્સ
ધરાવતા જ્વેલર્સમાંથી માત્ર 5484ની તપાસ કરાઈ. મતલબ કે, 81 ટકા
દુકાનદારોનાં સોનાંની તપાસ જ કરાઈ નહોતી. ઘરેણાંની શુદ્ધતા ચકાસીને છ આંકડાનો ખાસ એચયુઆઈડી
નંબર અપાય છે, તેવાં તપાસ કેન્દ્રો પર નજર રાખવામાં પણ બીઆઈએસ
લક્ષ્યથી લગભગ 44 ટકા પાછળ રહ્યંy હતું. `કેગ' તરફથી આ લાપરવાહી પર સવાલ પૂછતાં બીઆઈએસ દ્વારા એવી સ્પષ્ટતા કરાઈ હતી કે,
તેમની પાસે કર્મચારીઓની અછત છે. અંતરિયાળ-દુર્ગમ વિસ્તારોમાંથી નમૂના
લાવવાની કવાયત મુશ્કેલ થઈ જાય છે. જો કે `કેગ'એ આ બહાનું માનવાનો ઈન્કાર કરી દીધો હતો.