• સોમવાર, 16 નવેમ્બર, 2026

યુનોમાં ફાંસી રોકતો પ્રસ્તાવ; ભારતે કર્યો વિરોધ

133 દેશનું સમર્થન ભારત સહિત 33 દેશ દ્વારા વિરોધ ભારતે કહ્યું, કાનૂની ફાંસીને `સરકાર દ્વારા હત્યા' કહેવી અયોગ્ય

ન્યૂયોર્ક, તા. 15 : મૃત્યુ દંડ પર દુનિયાભરમાં લાંબા સમયથી ચાલતી ચર્ચા, દલીલો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આખી દુનિયામાં મોતની સજા પર રોક મૂકવાનો પ્રસ્તાવ પસાર થઇ ગયો છે. વિશ્વના 133 દેશે ફાંસી પર રોકના પક્ષમાં મત આપ્યો હતો. બીજી તરફ ભારત સહિત 33 દેશે તેના વિરોધમાં મત આપ્યો હતો, તો 16 દેશ મતદાનથી દૂર રહ્યા હતા. ભારત ઉપરાંત, અમેરિકા, ચીન, જાપાન, ઇરાન, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સહિત દેશોએ મોતની સજા પર રોકનો વિરોધ કર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે, દુનિયામાં મોતની સજા ખતમ કરવા પર કોઇ સહમતી નથી. કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા પછી અપાતી ફાંસીને `સરકાર દ્વારા હત્યા' કહેવી અયોગ્ય છે. મેક્સિકોએ આ પ્રસ્તાવ રજૂ કરતાં તમામ દેશોને ફાંસી પર રોક મૂકીને ધીમે ધીમે મોતની સજા સાવ ખતમ કરી દેવાની અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનનાં પ્રથમ સચિવ ભાવિકા મંગલાનંદને જણાવ્યું હતું કે, દરેક દેશને પોતાના કાયદા અને સજા નક્કી કરવાનો અધિકાર છે. આંતરરાષ્ટ્રીય કાયદો પણ કેટલીક શરતો સાથે મોતની સજા આપવાની મંજૂરી આપે છે. ભારતમાં પૂરી કાનૂની પ્રક્રિયા બાદ જ આવી સજા અપાય છે, તેવું તેમણે કહ્યું હતું. ભાવિકાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો પોતાની અંગત વિચારધારાને આંતરરાષ્ટ્રીય કાયદારૂપે રજૂ કરવાની કોશિશ  કરે છે. ભારતે અગાઉ 2016, 2018 અને 2024માં પણ ફાંસીની સજા પર સંપૂર્ણ રોક મૂકી દેવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ભારતનાં પ્રતિનિધિ મંગલાનંદને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે, માત્ર સૌથી ગંભીર, જઘન્ય અપરાધમાં જ ભારતમાં ફાંસીની સજા અપાય છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં કહેવાયું હતું કે, 18 વર્ષથી નાની વયના અપરાધીને, સગર્ભા મહિલાઓ, વડીલો, માનસિક દિવ્યાંગ લોકોને મોતની સજામાંથી મુક્ત રાખવાની અપીલ છે. ભારતનાં પ્રતિનિધિ ભાવિકાએ ગેરકાનૂની હત્યા અને કાનૂની પ્રક્રિયા બાદ મોતની સજાને એકસમાન લેખાવવા સામે વિરોધ કર્યો હતો.

દુનિયાના 54 દેશમાં ફાંસી છે, 113 દેશમાં પૂર્ણપણે રોક

ન્યૂયોર્ક, તા. 1પ : દુનિયાના 113 દેશમાં મોતની સજા સંપૂર્ણપણે ખતમ કરી દેવાઈ છે, તો પ4 દેશ એવા છે જ્યાં આજે ફાંસીની સજાની જોગવાઈ છે. વિશ્વના 23 દેશ એવા છે, જ્યાંના કાયદામાં ફાંસીની સજાની જોગવાઈ છે, પરંતુ 10 વર્ષ કરતાં વધુ સમયથી કોઈને ફાંસી અપાઈ નથી. નવ દેશમાં સામાન્ય અપરાધોના મામલાઓમાં મોતની સજા અપાતી નથી. દરમ્યાન સંયુક્ત રાષ્ટ્રનો પ્રસ્તાવ ભારત માટે કાનૂની રીતે બાધા નથી. મતલબ કે, તેને માનવો ભારત માટે ફરજિયાત નથી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd