આડેસર ચેકપોસ્ટ ખાતે બોલેરોમાં લીલા ઘાસચારા નીચે
સંતાડેલ 10.69 લાખનો
દારૂ મળ્યો : ગાંધીધામમાં ત્રણ શખ્સ 1.12 લાખના શરાબ સાથે ઝડપી લેવાયા
ગાંધીધામ, તા. 15 : પૂર્વ
કચ્છ પોલીસે સક્રિયતા દાખવીને બે જુદી-જુદી જગ્યાએ રૂા. 11,81,712નો
અંગ્રેજી દારૂ ઝડપી પાડયો છે. આડેસર ચેકપોસ્ટ પર સતર્ક પોલીસે લીલો ઘાસચારો ભરેલા પિકઅપ
ડાલા (બોલેરો)માંથી રૂા. 10,69,272નો શરાબ જપ્ત કર્યો હતો. જો કે, આરોપી નાસી છૂટયો હતો. બીજી બાજુ ગાંધીધામ શક્તિનગરમાં રૂા. 1,12,440ના
દારૂ સાથે ત્રણ શખ્સને ઝડપી લેવાયા હતા. પૂર્વ કચ્છ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા
પી.એસ.આઇ. બી.વી. ગાગિયા અને સ્ટાફ ગત રાત્રે આડેસર ચેકપોસ્ટ ઉપર વાહનોની તપાસ કરી
રહ્યા હતા, તેવામાં સાંતલપુર બાજુથી બોલેરો ગાડી નંબર
જી.જે. - 01 - કે.ટી. - 1922 આવતાં તેમાં લીલો ઘાસચારો દેખાયો
હતો. વાહનચાલકને રોકાવવા પ્રયત્ન કરાતાં તેણે ગાડી આગળ હંકારી દીધી હતી. સ્ટાફે તેનો
પીછો કરતાં આરોપી દોઢેક કિ.મી. સુધી ગાડી હંકારી આગળ જઇ વાહન ત્યાં જ મૂકી ગાડીની ચાવી
મૂકીને નાસી ગયો હતો. ઘાસચારાની તપાસ કરાતાં તેના નીચેથી દારૂની પેટીઓ મળી આવી હતી.
ગાડી આડેસર પોલીસ મથકે લઇ જવાઇ હતી. આ બોલેરોમાંથી માસ્ટર બ્લેન્ડર 750 મિ.લિ.ની
132, ગ્રીન
લેબલની 444, સિગ્રામની
36, ઓફિસર્સ
ચોઇસની 72 બોટલ, ટયુબર્ગના 192 ટીન બિયર, કિંગફિશરના 432 ટીન, ઓલ સિઝન 180 મિ.લિ.ના 672 ક્વાર્ટરિયા, રોયલ ચેલેન્જના 48, ઓફિસર્સ ચોઇસના 336, વ્હાઇટ
લેસ જામુન વોડકાના 240 ક્વાર્ટરિયા, આર.જે.
ગ્રીનના 1536 ક્વાર્ટરિયા, વ્હાઇટ
લેસ વોડકા ઓરેન્જ ફ્લેવરના 288, ગ્લોબસના 960 ક્વાર્ટરિયા
એમ કુલ રૂા. 10,69,272નો
દારૂ જપ્ત કરાયો હતો. વિહત રોડવેઝ લખેલી આ બોલેરોમાંથી એડવોકેટ નિખિલ કામતની સુરેશ
ચૌહાણ-દસકોઇ અમદાવાદની ડિમાન્ડ નોટિસની નકલ પણ મળી આવી હતી. આ વાહનચાલક કોણ હતો ? દારૂ કયાંથી, કોની પાસેથી ભરીને લાવ્યો હતો તથા કોને
આપવાનો હતો તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. દારૂ અંગેની વધુ એક કાર્યવાહી
ગાંધીધામ શક્તિનગરના શોપિંગ કોમ્પલેક્સ પાસે કરવામાં આવી હતી. કાર નંબર જી.જે.-39-સીબી-6516માં
દારૂ ભરીને આવેલા જિતેન્દ્ર પરષોત્તમ ભાટિયા તથા અશોક પરષોત્તમ ભાટિયા (રહે. સપનાનગર)
તથા બાઇક નંબર જી.જે.-12-બી.સી. - 3407થી દારૂની ડિલિવરી લેવા આવેલા
સુંદરપુરીના જિગર રાયશી પાતારિયાને પોલીસે પકડી પાડયો હતો. આ કારમાંથી રોયલ ચેલેન્જ
180 મિ.લિ.ના
288 ક્વાર્ટરિયા, સ્મર્નઓફના 48, એન્ટિક્યુટીના 96, માસ્ટર્સ
બ્લેન્ડરના 96, બડવાઇઝર
મેગ્નમના 24 ટીન
બિયર એમ કુલ રૂા. 1,12,440નો દારૂ જપ્ત કરાયો હતો. જિતેન્દ્ર અને અશોક ભાટિયા
દારૂ કયાંથી લાવ્યા હતા તે બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે.