નવી દિલ્હી, તા. 15 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, નકસલવાદી હિંસાએ
સૌથી વધુ નુકસાન જનજાતીય સમાજને કર્યું છે. ભગવાન બિરસા મુંડાની 151મી
જયંતી નિમિત્તે `જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણીમાં સામેલ થઇને વડાપ્રધાને પરંપરાગત વાદ્ય ખરતાલ વગાડયું હતું. દેશ
અત્યારે બે મોટી ઉપલબ્ધિની ચર્ચા કરી રહ્યો છે. પહેલી એ કે, 12 વર્ષમાં
લગભગ 50 કરોડ
લોકોનું ભીષણ ગરીબીમાંથી બહાર આવવું અને બીજી નકસલવાદમુક્ત ભારતની દિશામાં પ્રગતિ, તેવું મોદીએ કહ્યું હતું. મહારાષ્ટ્રનાં ગઢ ચિરોલીમાં યોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી
જોડાતાં વડાપ્રધાને ખાસ જનજાતીય સમુદાયને ભેટરૂપે ત્રણ હજાર કરોડ રૂપિયાની યોજનાઓનાં
ઉદ્ઘાટન, પાયાવિધિ કર્યાં હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ
સી.પી. રાધાકૃષ્ણન સાથે મોદીએ પણ દિલ્હીમાં ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી.
આદિવાસી કલાકારોએ નૃત્ય રજૂ કર્યું હતું. વડાપ્રધાને કલાકારો સાથે ખરતાલ વગાડી હતી.
મોદીએ કહ્યું હતું કે, આઝાદીની લડાઇમાં આદિવાસી વીર વીરાંગનાઓએ
બલિદાન આપ્યાં છે. વિપક્ષો પર પ્રહાર કરતાં મોદી બોલ્યા હતા કે, અગાઉની સરકારોએ જનજાતીય સમાજ પર નકસલી પ્રહારોના પ્રશ્નને કદી ધ્યાને જ નથી
લીધો.