• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

અમદાવાદથી દોડી દેશની પ્રથમ LNG ટ્રેન

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી રેલવે સ્ટેશનથી રૂા. 1,542 કરોડથી વધુના વિવિધ મહત્ત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઉદ્દઘાટન કર્યું હતું અને દેશની પ્રથમ એલએનજી-સંચાલિત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. તેમણે રેલવે લોકોમોટિવ એન્જિનોની જાળવણી માટે સ્થાપિત થઈ રહેલા ડબલ્યુએજી-12 મેઈન્ટેનન્સ શેડનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઠ ડબ્બાવાળી આ ટ્રેન સાબરમતીથી મહેસાણા સુધી દોડી હતી તેમાં ડીઝલ પ્લસ અને એલએનજી ડયુઅલ ફયુઅલ ટેક્નોલોજી છે. દેશમાં રેલવે ક્ષેત્રે સ્થાપિત થઈ રહેલા આત્મનિર્ભરતાના નવા આયામો અને શક્તિશાળી લોકોમોટિવ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, એક એવું એન્જિન જે 12,000 હોર્સપાવરની ટ્વિન સેક્શન ક્ષમતા સાથે, લગભગ 600 ટ્રક જેટલો માલસામાન આ એકલું એન્જિન ખેંચી જશે. પહેલાં બે લોકોમોટિવ લગાવવા પડતા હતા, હવે એક જ ડબલ્યુએજી-12 આ કામ કરી શકે છે. તે દેશને રેલવેના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાને પહોંચાડશે. તેમણે કહ્યું કે, રેલવે લોકોમોટિવ એન્જિનોની જાળવણી માટે અહીં રૂા. 700 કરોડના ખર્ચે ડબલ્યુએજી-12 મેઈન્ટેનન્સ શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરક્ષા વધારવા માટે સાબરમતી-કલોલ-સાબરમતી રેલ વિભાગ પર રૂા. 48 કરોડના ખર્ચે  કવચ ટ્રેન સુરક્ષા પ્રણાલી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ - પાલનપુર અને અમદાવાદ - સામખિયાળી રેલ વિભાગો પર  કવચ  લાગુ કરવા તેમજ સાબરમતી - સરખેજ રેલવે લાઇનના બેવડીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. દેશની પ્રથમ એલએનજી ટ્રેનને લીલીઝંડી આપવા નિમિત્તે રેલવેના ગ્રીન એનર્જી સંકલ્પ અને ડીઝલમુક્ત ભવિષ્યની રૂપરેખા સ્પષ્ટ કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, 2015-16માં રેલવે 293 કરોડ લિટર ડીઝલનો ઉપયોગ કરતી હતી. આ ડીઝલ વપરાશ વર્ષ 2024-25માં ઘટીને 108 કરોડ લિટર થઈ ગયો છે અને 2030 સુધીમાં તેને શૂન્ય (ઝીરો) કરીને આપણે ભારતનું હૂંડિયામણ બચાવીશું. ગુજરાતને મળેલા રેલવે બજેટની અગાઉની સરકારો સાથે સરખામણી કરતાં અમિત શાહે કહ્યું કે, હું માત્ર ગુજરાતના રેલવે બજેટની વાત કરું તો 2009થી 2014 વચ્ચે 5 વર્ષમાં માત્ર 589 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે માત્ર 2026-27ના બજેટમાં ગુજરાતને રૂા. 17,366 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવે અને અમદાવાદ ડિવિઝન માટે આ ગૌરવપૂર્ણ અવસર છે. ક્લીન અને ગ્રીન એનર્જી તરફ આ પહેલ એક મોટું કદમ સાબિત થશે, જે ઈંધણ ખર્ચ ઘટાડવાની સાથે કાર્બન ઉત્સર્જન નિયંત્રિત કરવામાં મદદરૂપ બનશે. સરકાર  ઇકોનોમી અને ઇકોલોજી  બંનેને સાથે લઈને ચાલી રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd