• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ત્રણ દિવસની દેશવ્યાપી બેન્ક હડતાળ ટળી

નવી દિલ્હી, તા. 27 : દેશભરમાં બેન્કોમાં આવતીકાલથી થનારી ત્રણ દિવસની હડતાળ રવિવારે રાત્રે એક બેઠક બાદ છેલ્લી ઘડીએ ટાળી દેવાનો નિર્ણય લેવાતાં લોકોને મોટી રાહત સાંપડી છે. ઈન્ડિયન બેંક એસોસીએશન અને યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ વચ્ચે થયેલી બેઠકમાં 28, 29 અને 30 સપ્ટેમ્બરના પ્રસ્તાવિત હડતાળને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં રજાઓની માંગને લઈને એક સમિતિ બનાવવા અંગે સંમતિ સધાઈ હતી. બીજી તરફ, બેંક હડતાળને ધ્યાને લેતાં નાણા મંત્રાલયના નિર્દેશ પર 10 વર્ષ બાદ રવિવારે આમ લોકો માટે બેંક ખૂલી હતી. મોડી રાત્રે  પ્રાપ્ત અહેવાલ મુજબ બેઠકમાં બેન્ક સુધારા, સ્કેલ ચાર અને તેની ઉપરના અધિકારીઓ માટે પીએલઆઇ યોજનામાં ફેરફાર સહિતના  અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય લેવાતાં હવે આવતીકાલથી બેન્કો રાબેતા મુજબ જ કામ કરશે. શનિવારે રજા જાહેર કરવાની માંગ પર ઇન્ડિયન બેન્ક એસોસીએશન અને યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે, જે તમામ સંભવિત વિકલ્પો પર વિચાર કરશે અને હિતધારકોની સાથે ચર્ચા કરીને કોઇ સમાધાન શોધશે, જેથી કોઇને પણ અસુવિધા થાય નહીં. સરકારના નિર્દેશ મુજબ, આજે રવિવારની રજા હોવા છતાં સરકારી બેન્કો ખુલ્લી રહી હોવાથી લોકોએ આળસ છોડીને કામો આટોપવા માટે બેન્કોની વાટ પકડી હતી. રવિવારની રજામાં પણ બેન્કો ખૂલી હોય તેવી ઘટના 10 વર્ષ બાદ બની હતી. અગાઉ 2016માં નોટબંધી બાદ 14મી નવેમ્બરના રવિવારે બેન્કો ખૂલી રહી હતી. તે વખતે 500 અને એક હજારની જૂની નોટો બદલવા, જમા કરવા અને રોકડ ઉપાડવા માટે લોકો બેન્કો બહાર કતારોમાં ઊભા હતા. આ અગાઉ નાણાકીય સેવા વિભાગ, ઈન્ડિયન બેન્ક્સ એસોસિયેશન અને બેન્ક વ્યવસ્થાપક તંત્રની હડતાળ ટાળવાની અપીલ યુનિયનોએ ઠુકરાવી દીધી હતી. હડતાળમાં દેશનાં સાત મોટાં બેન્ક સંગઠનો સામેલ થવાના હતા, જેમાં લગભગ 90 ટકાથી વધુ બેન્ક કર્મચારી જોડાવાના હતા. યુનિયનોએ કહ્યું હતું કે, સરકાર પાંચ દિવસ કામના સપ્તાહની કોઇ પાકી તારીખ નહીં આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd