ભુજ, તા. 15 : કુદરત ધારે તો શું કરી શકે
તેનો સુખદ અનુભવ માત્ર થોડા જ કલાકોમાં આ જળતરસ્યા મલકને થઈ ગયો. આખો શ્રાવણ વરસાદના
તલસાટમાં વીતાવ્યા બાદ માડુ અને પશુઓનાં હૈયે દુષ્કાળનો થડકારો આવવા લાગ્યો હતો, પરંતુ રવિ અને ખાસ તો સોમવારની રાત્રિ દરમ્યાન
વરુણદેવ રીઝ્યા હોય એમ સમગ્ર જિલ્લામાં બેથી આઠ ઈંચ ધોધમાર જળ વરસાવી કચ્છડાની કાયાપલટ
કરી દીધી છે. દુષ્કાળના ડાકલાને વરસાદી હેલીએ હાલ તુરત દૂર હડસેલી સૂકા બનતા જતા તળાવ,
નદીઓને પાલર પાણીથી ભરી દઈ ચિંતાના શેરડાને ખુશીના ચાસમાં ફેરવી દેતાં
આખા કચ્છમાં રાજીપો વ્યાપ્યો છે. ક્યાંક વીજપ્રપાતથી જાનહાનિ જેવા બનાવ અને અનેક ઠેકાણે
જળભરાવ છતાં મુલકે વરસાદી વહાલને વધાવી લીધું હતું. સરકારી નિયમો પ્રમાણે દુષ્કાળને
`કચ્છવટો'
મળી ગયો છે, કેમ કે, દસે-દસ
તાલુકામાં વરસાદી આંકડા પાંચ ઈંચને પાર થઈ ગયા છે. જો કે આજે બપોર બાદ મેઘાએ વિરામ
લીધો હતો, પરંતુ આકાશ હજુય ગોરંભાયેલું છે અને હવામાન ખાતાંની
આગાહીમાં પણ વરસાદની સંભાવના દર્શાવાઈ હોવાથી આગામી થોડા દિવસ કચ્છમાં મેઘભર્યા રહેવાની
પૂરતી શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં માંડવી, અંજાર, ગાંધીધામ,
ભચાઉ તાલુકામાં ધોધમાર સ્વરૂપે વરસાદ વરસ્યો હતો, મુંદરા, ભુજ, નખત્રાણા,
અબડાસા, લખપત, રાપરમાં કયાંક
ધીમીધારે તે કયાંક ભારે ઝાપટાં પડતાં નદીઓ બે કાંઠે વહી હતી. અગાઉ રાપરના ફતેહગઢ બાદ
આજે મધ્યમ સિંચાઇનો મુંદરા તાલુકાનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો. સર્વાધિક અંજારમાં
184 મિ.મી. બાદ માંડવીમાં 177 મિ.મી., ગાંધીધામમાં 117 મિ.મી., ભચાઉમાં 122 મિ.મી., મુંદરામાં 130 મિ.મી., ભુજમાં 84 મિ.મી., લખપતમાં 97 મિ.મી., નખત્રાણામાં 60 મિ.મી., રાપરમાં 60 મિ.મી., અબડાસામાં 80 મિ.મી. વરસાદથી અંજાર અને માંડવીમાં
જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પાક-ઘાસને ફાયદો : ગઇરાતથી આજે બપોર સુધી વરસેલા વરસાદનાં
કારણે પશુઓ માટે ઘાસચારો, વાવેતર થયેલા
પાકને મોટો ફાયદો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. બીજી બાજુ માંડવી, અંજાર, ગાંધીધામ અને ભુજમાં અનેક વિસ્તોરામાં પાણી ભરાયાં
હતાં. શહેરોમાં પાણી : ભુજ, માંડવી અને
અંજાર આ ત્રણેય શહેરમાં નીચાણવાળા રહેણાકની સોસાયટીઓમાં જળભરાવ થતાં નાગરિકો મુશ્કેલ
બન્યા હતા, તો આડેસર અને જીલારવાંઢમાં આકાશી વીજળી પડવાનાં કારણે
બે યુવકનાં મોત થયાના હેવાલ મળ્યા છે. વરસાદ નહીં પડવાનાં કારણે ચિંતિત બનેલા કચ્છના
વહીવટી તંત્રે પણ હાલ પૂરતો હાશકારો લઇ મેઘરાજાની મહેરની ખુશી અધિકારી - પદાધિકારીઓને
વહેંચી મીઠાં મોઢાં કરાવામાં આવ્યા હતા. સરેરાશ 112 ઈંચ : કચ્છમાં સરેરાશ વરસાદ કેટલો નોંધાયો છે
એ ડિઝાસ્ટર વિભાગના કન્ટ્રોલરૂમના આંકડા પણ રસપ્રદ છે. લખપતમાં ગઈકાલ રાત સુધીમાં છ
ઈંચ નોંધાયો છે, જ્યારે આજનો 29 મિ.મી. નોંધાતાં આંકડો સાત
ઈંચને પાર કરી જાય છે. રાપરમાં સૌથી વધુ વરસાદ પડયો છે. કાલ સુધીમાં 21 ઈંચ, જ્યારે આજે બપોરે બે વાગ્યા સુધી કોઈ નોંધ નહીં
થતાં આંકડો યથાવત્ રહ્યો છે. કયાં કેટલો વરસાદ : ભચાઉમાં અત્યાર સુધી સાડાબાર ઈંચ, જ્યારે આજે પણ ઝીરો રહેતાં 316 મિ.મી. નોંધાયો છે. અંજારમાં
અગાઉનો 285 એટલે કે સવા અગિયાર ઈંચ જ્યારે
આજે 14 મિ.મી. નોંધાતાં 12 ઈંચ થાય છે. જિલ્લા મથક ભુજની
વાત કરીએ તો અત્યાર સુધી એટલે કે ગત રાત્રિ સુધીમાં નવ ઈંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે આજે બપોરે બે વાગ્યા સુધીમાં 32 મિ.મી.નો ઉમેરો થતાં 11 ઈંચ થવા જાય છે. નખત્રાણામાં
મોસમનો આઠ ઈંચ, જ્યારે આજે 33 મિ.મી. નોંધાતાં નવ ઈંચને પણ
પાર કરી જાય છે. અબડાસામાં કાલે રાત સુધી 119 મિ.મી., જ્યારે
આજે બપોર સુધીમાં 53 મિ.મી.નો
ઉમેરો થતાં છેવાડાના અબડાસામાં પણ સાત ઈંચે પહોંચ્યો છે. માંડવીમાં અગાઉનો 158 મિ.મી., જ્યારે આજે બપોર સુધી 177 મિ.મી.થી કુલ આંક 335 મિ.મી. એટલે કે સવાતેર ઈંચ
વરસાદ નોંધાયો છે. મુંદરામાં કાલ રાત સુધીમાં 10 ઈંચ, જ્યારે આજે
સવારથી 40 મિ.મી.નો ઉમેરો થતાં મોસમનો
વરસાદ 289 મિ.મી. એટલે કે સાડા અગિયાર
ઈંચ થાય છે. ગાંધીધામ તાલુકાના આંકડા જોઈએ તો કાલે રાત્રિ દરમ્યાનમાં 283 મિ.મી. જ્યારે આજની મેઘમહેર
16 મિ.મી. થતાં 12 ઈંચ મેઘકૃપા થઈ ગઈ છે. સરેરાશ
કચ્છમાં મંગળવારે એક દિવસમાં 388 મિ.મી. એટલે
કે 16 ઈંચ થતાં કુલ્લ 2818 મિ.મી. (112 ઈંચ) વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ડેમોમાં નવાં નીર : અગાઉ થઇ ચૂકેલા
વરસાદનાં કારણે રાપર તાલુકામાં મધ્યમ સિંચાઇનો ફતેહગઢ ડેમ છલકાઇ ચૂકયો હતો, તો આજે મુંદરા તાલુકાનો કારાઘોઘા ડેમ ઓગની જતાં
અહીંના ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો હતો. આજના વરસાદથી 20 મધ્યમ સિંચાઇના જળાશયોમાં 11 ટકા નવાં નીરની આવક થઇ હતી
તો નાની સિંચાઇના 73 ડેમોમાં વરસાદી
આવક થઇ હોવાના સત્તાવાર આંકડા મળ્યા છે. ઐતિહાસિક તળાવો : ગઇકાલથી વરસી રહેલા વરસાદનાં કારણે જિલ્લા
મથક ભુજનાં હમીરસર તળાવ, માંડવી શહેરનાં
ટોપણસર અને અંજારમાં સવાસર તળાવમાં વરસાદી પાણીની જોશભેર આવક થતાં ત્રણેય શહેરોના નગરજનો
આવાં આંખ ઠારે એવાં દૃશ્યો જોવાં ઊમટયા હતા.