નવી દિલ્હી, તા. 21 : મુંબઈ 26-11 આતંકી હુમલાની ઘટનામાં પાકિસ્તાનમાં
છુપાયેલા છ ફરાર આતંકીઓ ઉપર સકંજો કસવાની તૈયારી શરૂ થઈ છે. વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ
નિકમે વિશેષ અદાલત સમક્ષ કહ્યું હતું કે છ આરોપી સામે પ્રોક્લેમેશન નોટિસ જારી કરવાની
પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આરોપીઓમાં લશ્કર એ તૈયબા સંસ્થાપક હાફિઝ સઈદ, જકી ઉર રહમાન લખવી, સાજિદ
મીર, અબુ અલકામા, આસિમ ઉર્ફે અબુ કાહફા
અને મેજર અબ્દુલ રહમાન પાશા સામેલ છે. તપાસ એજન્સીઓ અનુસાર તમામ આરોપી પાકિસ્તાનમાં
છે અને લાંબા સમયથી ફરાર છે. વિશેષ સરકારી વકીલે કોર્ટમાં કહ્યું હતું કે ગૃહ મંત્રાલયને
છ આરોપી સામે પ્રોક્લેમેશન નોટિસ મોકલવામાં આવી છે. ત્રણ ઓગસ્ટે ગૃહ મંત્રાલયે નોટિસ
મળ્યાની પુષ્ટિ કરી હતી. હવે ઈન્ટરપોલના જવાબની રાહ જોવામાં આવી રહી છે. અદાલત આરોપીઓ
સામે તેની ગેરહાજરીમાં ટ્રાયલ શરૂ કરવાની દિશામાં આગળ વધી રહી છે. નિકમે કહ્યું હતું
કે પાકિસ્તાન સતત આરોપીઓ પોતાના દેશમાં હોવાનો ઈન્કાર કરતું રહે છે. આ પહેલાં ભારત
તરફથી ડોઝિયર મોકલવામાં આવતા હતા પણ પાકિસ્તાન તરફથી કોઈ જવાબ મળતો નહોતો. હવે અદાલતમાં
ટ્રાયલ શરૂ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે આ મામલે આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરના કરવામાં આવશે.
આ દિવસે જ પ્રોક્લેમેશન નોટિસ અને ઈન્ટરપોલના જવાબ અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે.